મુંબઈમાં ભણતા યુવકનું રાજકોટમાં પતંગનો માંજો ગળામાં ફસાઈ જતાં મૃત્યુ

16 January, 2021 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ભણતા યુવકનું રાજકોટમાં પતંગનો માંજો ગળામાં ફસાઈ જતાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

‘ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે’જેવી ઘટના મુંબઈમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો ૨૧ વર્ષનો વિદ્યાર્થી ઉત્સવ ચેતનભાઈ વ્યાસના પરિવારજનો સાથે બની હતી. ગુજરાતના રાજકોટમાં રહેતા પરિવારજનોને ઉત્તરાયણ મનાવવાનું ભારે પડ્યું હુતું. લૉકડાઉન દરમ્યાન ઉત્સવ વ્યાસ મુંબઈથી રાજકોટ આવ્યો હતો. ઉત્તરાયણનો તહેવાર હોવાથી પરિવારજનોએ બાસુંદી ખાવાનું નક્કી કર્યું હતું એટલે ઉત્સવ ઍક્ટિવા પર બાસુંદી લેવા નીકળ્યો હતો, ત્યારે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પતંગના દોરાએ તેનું ગળું કાપી નાખ્યું હતું. ઉત્સવનું ગળું કપાતાં રસ્તા પર જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને તેનું મોત નીપજ્યું હતું. વ્યાસપરિવારના મોટા દીકરા સાથે થયેલી ઓચિંતાની કરુણાંતિકાથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  

વ્યાસ-પરિવારના નજીકનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ હૉસ્પિટલ પાછળ નંદનવાટિકા અપાર્ટમેન્ટના બ્લૉક નંબર સી-૩૦૧માં રહેતો ઉત્સવ બુધવારે બપોરે એકાદ વાગ્યે ઘરેથી ઍક્ટિવા લઈને ૧૫૦ ફુટ રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પહોંચતાં તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં ગળા પર જાણે કોઈ તીક્ષ્ણ હથિયારનો ઘા થયો હોય એવો કાપો પડી ગયો હતો. ઉત્સવ રોડ પર ફેંકાઈ ગયો હતો અને લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. ઘટનાને પગલે એકઠા થઈ ગયેલા લોકોએ તાકીદે ઉત્સવની મદદ કરી હતી અને તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ અહીં સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો. ડૉક્ટરે ઉત્સવને મૃત જાહેર કરતાં હૉસ્પિટલ સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં સ્ટાફે હૉસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સિવિલ હૉસ્પિટલ ખસેડ્યો હતો. 

ઉત્સવ બે ભાઈઓમાં મોટો હતો અને મુંબઈ રહીને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, પરંતુ લૉકડાઉનને કારણે તે જૂન મહિનામાં રાજકોટ ઘરે આવી ગયો હતો અને ઑનલાઇન અભ્યાસ કરતો હતો. મૃત્યુ પામનાર ઉત્સવના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે.

mumbai mumbai news makar sankranti rajkot