સુધરાઈની ચૂંટણી થઈ, પણ મેયરના ક્વોટાની લૉટરી હજી પણ નથી થઈ

16 January, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રામીણ વિભાગે ફેબ્રુઆરી મહિનામાં થનારી જિલ્લા પરિષદના અધ્યક્ષની નિમણૂક માટે લૉટરી કરી લીધી છે. 

બીએમસી હેડક્વૉર્ટર

રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને આજે એનું પરિણામ પણ આવી જશે. એમ છતાં રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે આ ૨૯ મહાનગરપાલિકાના મેયરના ક્વોટાની લૉટરી જ કરી નથી. સામાન્યપણે જ્યારે વૉર્ડ-રિઝર્વેશનની લૉટરી થઈ જાય એ પછી મેયરના ક્વોટાની લૉટરી હાથ ધરાતી હોય છે. 

મેયરની લૉટરી સંદર્ભે માહિતી આપતાં એક ઑફિસરે કહ્યું હતું કે ‘મેયરના ક્વોટાની લૉટરી માટે હજી સુધી કોઈ ડેટ ફિક્સ કરવામાં આવી નથી. એવું લાગી રહ્યું છે કે એ હવે પરિણામ પછી જ થશે. વળી ફક્ત મુંબઈ જ નહીં, બધી જ ૨૯ મહાનગરપાલિકામાં એ ડિલે થશે.’ 

મેયરનું પદ દર અઢી વર્ષે રીઅલૉટ થાય છે, જે જનરલ અને રિઝર્વ કૅટેગરી વચ્ચે ફરતું રહે છે. ૨૯ મહાનગરપાલિકામાંથી ૫૦ ટકા મેયરની સીટ મહિલાઓ માટે અનામત છે. એટલે ૧૫ મેયર તો મહિલાઓ જ થશે એ નક્કી છે. બાકીની ૫૦ ટકા સીટ શેડ્યુલ્ડ કાસ્ટ, અધર બૅકવર્ડ ક્લાસ અને ઓપન કૅટેગરી વચ્ચે વહેંચાશે. ગ્રામીણ વિભાગે ફેબ્રુઆરી મહિનામાં થનારી જિલ્લા પરિષદના અધ્યક્ષની નિમણૂક માટે લૉટરી કરી લીધી છે. 

ઑફિસરે વધુમાં કહ્યું હતું કે ‘ચૂંટણીપંચે ઑલરેડી અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને આ બાબતે કહ્યું હતું, પણ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે એ લૉટરી કરી નહીં એ આશ્ચર્ય છે. કદાચ ડિપાર્ટમેન્ટ એ ચૂંટણીનાં પરિણામો પછી જ કરવા માગતું હોઈ શકે, જેથી જો કોઈ ચોક્કસ કૅટેગરીમાંથી નગરસેવક ન ચૂંટાયા હોય તો એ કૅટેગરી એમાંથી બાદ કરી શકાય.’

mumbai news mumbai bmc election municipal elections political news brihanmumbai municipal corporation