ફૅમિલી સમક્ષ લગ્ન માટે વાંધો ઉઠાવવા કરતાં કેતનને મારવાનું વધુ સહેલું હતું

28 June, 2026 08:07 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણે પોલીસે કરેલી પૂછપરછમાં સિયા ગોયલે કર્યું ચોંકાવનારું નિવેદન: સિયાનો ભાઈ કહે છે કે તેણે જો ચેતન ચૌધરી સાથે લગ્ન કરવાની વાત કરી હોત તો પણ ફૅમિલી રાજી થઈ હોત

કેતન અગ્રવાલ, સિયા ગોયલ

કેતન અગ્રવાલ મર્ડરકેસમાં સિયા ગોયલ અને તેના ભાઈએ પુણે પોલીસ સમક્ષ નોંધાવેલાં નિવેદનોને કારણે ઘણા નવા ખુલાસા થયા છે. સિયાએ તેની ફૅમિલીની સામે તેને કેતન ન ગમતો હોવાનું કહેવા કરતાં કેતનને ‍મારી નાખવો વધુ સહેલું લાગ્યું હોવાનું કરેલું નિવેદન ખૂબ જ ચોંકાવનારું હતું. આ સિવાય સિયાના મોટા ભાઈ સાહિલ ગોયલે પોલીસને જણાવ્યું હતું કે સિયાએ કેતન ન ગમતો હોવાની વાત ક્યારેય અમને જણાવી જ નહોતી. તેણે કેતન સાથે લગ્ન નક્કી થયાં એનાથી ક્યારેય નારાજગી વ્યક્ત ન કરી હોવાનું સાહિલ ગોયલે જણાવ્યું હતું.

સાહિલ ગોયલે પોલીસને પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે ‘સિયાએ ક્યારેય અમને કહ્યું જ નહીં કે તેને કેતન સાથે લગ્ન કરવામાં વાંધો છે. જો તેણે ચેતન ચૌધરી સાથે લગ્ન કર્યાં હોત તો પણ અમે માની જાત. અમને ચેતન સાથે શું વાંધો હોત? તે તો એક જ સમાજમાંથી આવે છે. તે પણ અમારા જેટલો જ પૈસાદાર હતો, બિઝનેસ ફૅમિલીમાંથી બિલૉન્ગ કરતો હતો. ’

કેતનનું ચગદાયેલું માથું જોઈને પણ સિયાનું રૂંવાડું ન ફરક્યું
મંગેતરનું માથું ચગદાયેલી હાલતમાં જોઈને પણ સિયાનું રૂવાડું નહોતું ફરક્યું હતું, જ્યારે આવી હાલતમાં લાશ જોઈને અન્ય લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી એમ આ ઘટનાના સાક્ષી સુનીલ ગાયકવાડે જણાવ્યું હતું. સુનીલ ગાયકવાડે જણાવ્યા મુજબ કેતન અગ્રવાલની લાશ મળી ત્યારે તેનું માથું ચગદાયેલું હતું અને તેનાં અંગો પર અનેક ઘા હતા. આ દૃશ્ય જોનારા બાકી બધા જ ગભરાઈ ગયા હતા, પરંતુ સિયા એકદમ શાંત હતી. 

સિયાને જોઈતો હતો ચેતન, પણ લગ્ન ફિક્સ કરવા માટે પસંદ કરાયો કેતન ક્રિકેટ મૅચ દરમ્યાન જ ફૅમિલી સિયા-ચેતન વિશે જાણી ગઈ હતી

એક બાજુ સિયાના ભાઈ સાહિલે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે જો સિયાએ તેમને ચેતન વિશે પહેલેથી જ જણાવી દીધું હોત તો તેની સાથે લગ્ન કરાવવામાં તેમને કોઈ વાંધો નહોતો. બીજી બાજુ પોલીસની તપાસમાં જણાયું હતું કે સિયાને ચેતન સાથે લગ્ન કરવાં હતાં, પરંતુ પૈસા અને વગને જોતાં તેણે ચેતન સાથે નહીં પરંતુ કેતન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં તેમના સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ દરમ્યાન જ તેઓ સિયા અને ચેતન વચ્ચેના સંબંધો વિશે જાણી ગયા હતા. જોકે ફાઇનૅન્શિયલ સ્ટેટસ જોતાં તેમણે સિયાની ફીલિંગ્સને ગણકારી નહીં અને લગ્ન વધુ પૈસાદાર કેતન અગ્રવાલ સાથે નક્કી કર્યાં હતાં. 

મર્ડર બાદનો સિયા અને ચેતનનો માસ્ટરપ્લાન : ન મળવાનો વાયદો, મોબાઇલમાંથી બધું જ ડિલીટ
સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ કેતન અગ્રવાલની હત્યા કર્યા બાદ તેમના પર કોઈને શંકા ન જાય એટલા માટે માસ્ટરપ્લાન બનાવ્યો હતો. તેમણે પોતાના મોબાઇલમાંથી ચૅટ-હિસ્ટરી ડિલીટ કરી નાખી હતી અને નક્કી કર્યું હતું કે તેઓ એકબીજાને થોડા દિવસો સુધી નહીં મળે. તેમણે મોબાઇલમાંથી કૉલ રેકૉર્ડ્‌સ અને બાકી બધો ડેટા પણ ડિલીટ કરી નાખ્યો હતો જેથી કોઈને તેમના સંબંધ વિશે ખબર ન પડે અને તેમણે મળીને આ ક્રાઇમ કર્યો હોવાની શંકા પણ ન જાય. પોલીસ ડિલીટ કરેલી વૉટ્સઍપ ચૅટ્સ, મેસેજ અને બીજા ડિજિટલ રેકૉર્ડ રિકવર કરવાનો પ્રયત્ન કરી રહી છે. એ માટે બન્નેના મોબાઇલને ફૉરેન્સિક લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેથી કેતન અગ્રવાલની હત્યા પહેલાં ખરેખર શું-શું ઘટનાક્રમ બન્યો એ જાણી શકાય.

સિયાને ૩ વર્ષ લગ્ન નહોતાં કરવાં, વિચાર્યું કે કેતનને મારવાથી તેને ટાઇમ મળી જશે
પુણે પોલીસે જણાવ્યું હતું કે ‘સિયાએ પૂછપરછ દરમ્યાન પોલીસને કહ્યું હતું કે તે ૩ વર્ષ સુધી લગ્ન નહોતી કરવા માગતી અને તેના કુટુંબને પણ આ વિશે જણાવ્યું હતું. તે પહેલેથી જ અરેન્જ્ડ મૅરેજથી નાખુશ હતી. સિયાને લાગ્યું કે કેતનના મૃત્યુથી તેને વધુ ૩ વર્ષનો સમય મળી જશે.’ ચેતન ચૌધરીને લગ્ન માટે બેથી ૩ વર્ષનો સમય જોઈતો હતો અને એટલે જ બન્નેએ લગ્ન ટાળવા માટે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસનું માનવું છે. એન્ગેજમેન્ટ ફોક કરવાથી ફૅમિલી પ્રેશર થાત અને સોશ્યલ એમ્બૅરેસમેન્ટનો સામનો કરવો પડત એટલે કેતનને પતાવી નાખવાનું કાવતરું ઘડાયું હોવાનું પોલીસનું માનવું છે. 

કેતનને ન્યાય અપાવવા પરિવાર અને સંબંધીઓની કૅન્ડલ માર્ચ

લોનાવલામાં કેતનને ન્યાય અપાવવા તેના પરિવાર અને સંબંધીઓ દ્વારા ગઈ કાલે રાતના કૅન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. એમાં તેનાં પિતા-માતા, બહેન, મિત્રો અને સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. એ વખતે પણ કેતનની મમ્મી ધ્રુસકે-ઘ્રુસકે રડી પડ્યાં હતાં. જસ્ટિસ ફૉર કેતન અગ્રવાલનાં બૅનરો અને પોસ્ટર્સ સાથે લોકો હાથમાં મીણબત્તી લઈને મોટી સંખ્યામાં આ મૂવમેન્ટમાં જોડાયા હતા. કેતનના પિતા પણ એકદમ ભાવુક થઈ ગયેલા જણાઈ રહ્યા હતા. કેતનની તેની જ મંગેતર સિયા ગોયલ અને તેના ફ્રેન્ડ દ્વારા લોહગઢ પર લઈ જઈ તેને ખીણમાં ફેંકીને હત્યા કરવામાં આવી હોવાથી લોનાવલા અને પુણે સહિત આખા રાજ્યમાં આ હત્યાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.  

mumbai news mumbai pune news pune Crime News mumbai crime news murder case