એન. ચંદ્રશેખરન ફરી પાંચ વર્ષ માટે તાતા સન્સના એ‌ક્ઝિક્યુ‌ટિવ ચૅરમૅન

18 September, 2026 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોએલ તાતાએ નિમણૂક ગેરકાયદે ગણાવી, બોર્ડે બહુમતીથી ઠરાવ પસાર કર્યો હોવા છતાં તાતા ટ્રસ્ટ્સે એને કાનૂની રીતે રદબાતલ ગણાવ્યો

એન. ચંદ્રશેખરન

તાતા ગ્રુપમાં એક મોટો કાનૂની અને વહીવટી વિવાદ ઊભો થયો છે. તાતા સન્સે એક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષની મુદત માટે મંજૂરી આપી દીધી હતી. જોકે ૬૬ ટકા હિસ્સો ધરાવતા તાતા ટ્રસ્ટ્સે એક નિવેદન બહાર પાડીને આ નિમણૂકના ઠરાવને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યો હતો. ગુરુવારે મળેલી બોર્ડ-મીટિંગમાં તાતા ટ્રસ્ટ્સના ચૅરમૅન નોએલ તાતાએ આ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું છતાં બોર્ડની બહુમતીથી એને પસાર કરવામાં આવ્યો હતો.

તાતા ટ્રસ્ટ્સે સ્પષ્ટ કર્યું છે કે તાતા સન્સના આર્ટિકલ્સ ઑફ અસોસિએશનની જોગવાઈઓ મુજબ આ ઠરાવ કાનૂની રીતે રદબાતલ છે. ચૅરમૅનની નિમણૂક કે પુનઃ નિમણૂકની પ્રક્રિયા માટે ટ્રસ્ટના બન્ને નૉમિની ડિરેક્ટર્સની હાજરી અને તરફેણ હોવી અત્યંત આવશ્યક છે. નોંધનીય છે કે ૧૨ ઑગસ્ટે ચંદ્રશેખરને સામે ચાલીને વધુ મુદત ન લેવાની વાત કરી હતી.

નોએલ તાતાએ પોતાના પક્ષના સમર્થનમાં ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડૉ. ડી. વાય. ચંદ્રચૂડનો કાનૂની અભિપ્રાય પણ રજૂ કર્યો હતો, પરંતુ બોર્ડે એની કોઈ નોંધ લીધી નહોતી. બીજી તરફ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા તાતા સન્સની રજિસ્ટ્રેશન રદ કરવાની અરજી ફગાવી દેવામાં આવતાં હવે તાતા સન્સનું લિસ્ટિંગ પણ થઈ શકે છે, પરંતુ નોએલ તાતા ચંદ્રશેખરનની નિમણૂકની સાથે લિસ્ટિંગનો પણ વિરોધ કરી રહ્યા છે. 

mumbai news mumbai tata group tata noel tata