06 April, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાયર હોસ્પિટલ
દર વર્ષે પહેલી એપ્રિલથી ૭ એપ્રિલ સુધી દેશમાં ‘રાષ્ટ્રીય અંધત્વ નિવારણ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સંચાલિત મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલના ઑફ્થેલ્મોલૉજી ડિપાર્ટમેન્ટને આંખની સારવાર માટેનાં આધુનિક પોર્ટેબલ ઉપકરણોથી સજ્જ બનાવવામાં આવ્યો છે. ખ્યાતિ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ડાર્ક કૅટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીઓએ કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) હેઠળ આ ઇક્વિપમેન્ટ્સ હૉસ્પિટલને આપ્યાં છે.
નાયર હૉસ્પિટલના નેત્ર ચિકિત્સા વિભાગનાં પ્રમુખ ડૉક્ટર નયના પોતદારે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ ઇક્વિપમેન્ટ્સ પોર્ટેબલ હોવાને કારણે ડૉક્ટર એને દરદી સુધી લઈ જઈને આંખની ચકાસણી અને સારવાર કરી શકે છે. આ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ મોબાઇલની જેમ બૅટરી પર ચાલે છે અને એમાં બ્લુટૂથ કનેક્ટિવિટી અને મેમરી સ્ટોરેજ પણ છે. એને લીધે ચકાસણી વખતના ફોટો પણ પાડી શકાય છે અને એ સ્ટોર કરી ટ્રાન્સફર પણ કરી શકાય છે. આ સુવિધાને લીધે ડૉક્ટર મોતિયો, ડાયબેટિક રેટિનોપથી, ગ્લુકોમા (ઝામર) જેવી આંખની બીમારીઓનું સચોટ અને ઝડપી નિદાન કરી શકશે. સિનિયર સિટિઝનો, દિવ્યાંગો અને નાનાં બાળકોની સારવાર તેમના સુધી પહોંચીને ડૉક્ટર કરી શકશે. હૉસ્પિટલમાં યોજાતા મેડિકલ કૅમ્પ વખતે પણ આ સાધનો ઉપયોગી થઈ પડશે.’