એક જ પરિવારના મતદારોનાં જુદા-જુદા મતદાનકેન્દ્રમાં નામ

21 November, 2024 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણીપંચે બૂથ વિભાજિત કર્યા બાદ પત્નીનું નામ સોસાયટીના બૂથમાં તો પતિનું નામ ત્રણ કિલોમીટર દૂરના મતદાનકેન્દ્રમાં સામેલ કર્યું

પ્રતીકાત્મક તસવીર

મતદાન સરળતા અને ઝડપથી થઈ શકે એ માટે રાજ્યના ચૂંટણીપંચે વિધાનસભાની ચૂંટણીમાં મતદાનકેન્દ્રોમાં ફેરફાર કર્યો હતો. જોકે આ ફેરફારને લીધે કેટલીક ગરબડ કરવામાં આવતાં મતદારોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

મીરા રોડમાં સિલ્વર પાર્ક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મતદાનકેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. અહીં મોટા ભાગના લોકોનાં નામ હતાં. મનોજ પટેલના પરિવારમાં મુશ્કેલી ઊભી થઈ હતી. પત્ની અને બે પુત્રનાં નામ સોસાયટીના મતદાનકેન્દ્રમાં હતાં તો પતિ મનોજ પટેલનું નામ ત્રણ કિલોમીટર દૂર શાંતિનગરના સેક્ટર બેમાં આવેલી સ્કૂલના મતદાનકેન્દ્રમાં સામેલ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે મીરા રોડમાં સ્ટેશન રોડ પરની પૂનમ વિહાર સોસાયટીમાં રહેતા વિશાલ શાહ અને તેમનાં પત્નીનું નામ નજીકમાં આવેલી પી. જી. વોરા સ્કૂલના મતદાનકેન્દ્રમાં હતું તો તેમની દિવ્યાંગ પુત્રીનું નામ શાંતિનગરની સ્કૂલના મતદાનકેન્દ્રમાં સામેલ કરવામાં આવ્યું હતું.

મતદારોએ કહ્યું હતું કે મતદાનકેન્દ્રનું વિભાજન કરતી વખતે ચૂંટણીપંચે એક જ પરિવારનાં નામ એક જ મતદાનકેન્દ્રમાં રાખવાં જોઈએ. તેમણે આ બાબતનું ધ્યાન નથી રાખ્યું એટલે લોકોએ અહીંથી ત્યાં ભાગદોડ કરવી પડી છે અને આને લીધે લોકો કંટાળીને મત આપ્યા વિના ઘરે જતા રહ્યા હતા એટલે મતદાનને પણ અસર પહોંચી હશે.

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections mira road