પત્ની છોડીને જતી રહી છે એટલે બધા મને મોદી કહે છે

23 January, 2022 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાના પટોલેએ જેનો ઉલ્લેખ કર્યો હતો એ મોદી હોવાનો દાવો ઉમેશ ઘરડે નામની વ્યક્તિએ કર્યો : ચંદ્રકાંત પાટીલે કહ્યું કે નાના પટોલેએ બોગસ વ્યક્તિ ઊભી કરી હોવાથી તેમની સામે એફઆઇઆર નહીં થાય ત્યાં સુધી વિરોધ કરાશે

મોદી હોવાનો દાવો કરનારો ઉમેશ ઘરડે

મોદીને મારવાની સાથે અપશબ્દો કહી શકું છું... એવું કહી રહ્યા હોય એવો કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેનો વિડિયો વાઇરલ થયા બાદ બીજેપી તેમની સામે આક્રમક થઈ છે. જોકે શુક્રવારે નાના પટોલેના વકીલોએ આયોજિત કરેલી એક પ્રેસ-કૉન્ફરન્સમાં પોપટની જેમ બોલી રહેલી ઉમેશ ઘરડે નામની વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેની પત્ની છોડીને જતી રહી હોવાથી ગામવાસીઓ તેને મોદી નામથી જ બોલાવે છે. તે દારૂનો ધંધો કરે છે એટલે શક્ય છે કે નાના પટોલએ તેના વિશે કહ્યું હોય. જોકે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે ‘નાના પટોલે પોતાની ચામડી બચાવવા માટે હવે આવા લોકોને પત્રકારો સમક્ષ લાવીને ઊભા કરી રહ્યા છે. આ વ્યક્તિ બોગસ છે અને નાના પટોલે સામે એફઆઇઆર ન થાય ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું.’
એક મરાઠી ન્યુઝ ચૅનલમાં બોલતી વખતે ઉમેશ ઘરડેએ કહ્યું હતું કે ‘દારૂના નશામાં હું કોઈને કંઈ પણ કહી શકું છું. દારૂ પીધા બાદ નાના પટોલે સહિત વધુ એક વ્યક્તિને મેં અપશબ્દો કહ્યા હતા. હું નાના પટોલેની માફી માગવા જવાનો હતો, પરંતુ તેમના સુધી પહોંચી નહોતો શક્યો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ હું ગામમાં જતો રહ્યો હતો. ગામમાં લોકો મને ધમકી આપતા હતા એટલે ફરી નાગપુર આવ્યો. અહીં નાના પટોલેના વકીલ સતીશ ઉકેને મળ્યો હતો. પત્ની છોડીને જતી રહી હોવાથી ગામવાસીઓ મને મોદી કહે છે. ચાર વર્ષથી બધા મને મોદી કહે છે. દારૂનો વ્યવસાય કરું છું એટલે કદાચ નાના પટોલે મારા વિશે કંઈક બોલ્યા હશે.’
બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે ‘નાના પટોલેએ વડા પ્રધાનને મારવાની સાથે અપશબ્દો કહ્યા છે એટલે તેઓ હવે બચાવ માટે બોગસ લોકોને ગામના મોદી તરીકે પત્રકારો સામે લાવી રહ્યા છે. જોકે તેમના આવા પ્રયાસ કારગત નહીં નીવડે. જ્યાં સુધી નાના પટોલે પર એફઆઇઆર નહીં થાય ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ.’

mumbai mumbai news narendra modi indian politics