નાંદેડ જનારી વંદે ભારત ૬ કલાક મોડી ઊપડી

20 October, 2025 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાંદેડથી CSMT આવતી વખતે પશુઓ અથડાતાં એન્જિનને નુકસાન, પાછી જતી ટ્રેન મોડી પડતાં સેંકડો મુસાફરો કલાકો સુધી સ્ટેશન પર રઝળ્યા

અમુક મુસાફરોએ કેટરિંગ ચાર્જ પાછો આપવાની માગણી પણ કરી હતી.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી નાંદેડ જતી વંદે ભારત એક્સપ્રેસ ૬ કલાક મોડી પડી હતી. દિવાળીની રજાઓમાં ફરવા જતા અને વતનમાં જતા અનેક પરિવારોને CSMT પર કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી.

નાંદેડથી CSMT આવતી વંદે ભારત એક્સપ્રેસના માર્ગમાં સોલાપુર નજીક અમુક પ્રાણીઓ આવી જતાં ટ્રેન મોડી પડી હતી. એને કારણે ટાઇમટેબલ મુજબ CSMTથી બપોરે ૧.૧૦ વાગ્યે ઊપડતી ટ્રેન સાંજે ૭.૩૦ વાગ્યે ઉપાડવાની જાહેરાત કરવામાં આવી હતી. સોલાપુરમાં ટ્રેનને નડેલા અકસ્માતમાં વંદે ભારતના એન્જિનને નુકસાન થયું હોવાને કારણે CSMTથી ઊપડતાં પહેલાં એના નિરીક્ષણની અને સમારકામની જરૂર પડી હતી એમ મધ્ય રેલવેના મુખ્ય પ્રવક્તા સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.

CSMT પર ઘણા કલાકો સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે પૂરતી માહિતી પૂરી પાડવામાં ન આવતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અમુક મુસાફરોએ કેટરિંગ ચાર્જ પાછો આપવાની માગણી પણ કરી હતી.

CSMT પર દિવાળીના ખાસ સંદેશ

ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રાલય દ્વારા દિવાળીને લગતા સંદેશનું અનોખું પ્રોજેક્શન કરવામાં આવ્યું હતું. આ તહેવાર પરિવાર સાથે ઊજવો અને કાગળનાં કંદીલ લગાવો એવા મેસેજ આપવામાં આવ્યા હતા. તસવીરો ઃ આશિષ રાજે

mumbai news mumbai vande bharat indian railways chhatrapati shivaji maharaj terminus csmt nanded train accident