27 August, 2025 08:40 AM IST | Nanded | Gujarati Mid-day Correspondent
સંજીવની કમાલે નામની યુવતી અને લાખન ભંડારે નામનો યુવક એકબીજા સાથે વર્ષોથી પ્રેમમાં હતાં
નાંદેડ જિલ્લાના ઊર્મિ તાલુકામાં આવેલા ગોલેગામમાં ઑનર-કિલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દીકરીનું અફેર હોવાની જાણ થતાં પિતાએ જ પોતાની ૧૯ વર્ષની પરિણીત દીકરીને અને તેના પ્રેમીને મારીને પાણી ભરેલા કૂવામાં તેમના મૃતદેહો ફેંકી દીધા હતા. એટલું જ નહીં, આવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યા બાદ આરોપી પિતાએ જાતે જ પોલીસ-સ્ટેશન જઈને ગુનો કબૂલી લીધો હતો.
સંજીવની કમાલે નામની યુવતી અને લાખન ભંડારે નામનો યુવક એકબીજા સાથે વર્ષોથી પ્રેમમાં હતાં. દરમ્યાન ગયા વર્ષે સંજીવનીનાં લગ્ન સુધાકર નામની વ્યક્તિ સાથે થઈ ગયાં હતાં. લગ્ન બાદ પણ સંજીવની અને લાખન એકબીજાના કૉન્ટૅક્ટમાં હતાં. સંજીવનીનો પતિ અને સાસરિયાં ઘરે નહોતાં ત્યારે તેણે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. અચાનક સાસરિયાં અને પતિ ઘરે પહોંચી જતાં બન્ને પ્રેમીપંખીડાં વાંધાજનક સ્થિતિમાં પકડાયાં હતાં.
આખી ઘટનાની જાણ યુવતીના પિતા મારુતિ સુરનેને થતાં તેમના ભાઈ અને પિતાને લઈને તેઓ ગોલેગામ પહોંચ્યા હતા. ત્રણેય આરોપીઓએ મળીને યુવતી અને તેના પ્રેમીને ઢોર માર માર્યો અને છેવટે તેમની હત્યા કરીને કૂવામાં ફેંકી દીધાં હતાં. ત્યાર બાદ આરોપીએ ઊર્મિ પોલીસ-સ્ટેશન પહોંચીને પોલીસ સામે ગુનો કબૂલ્યો હતો. પોલીસે સોમવારે યુવતીનો મૃતદેહ કૂવામાંથી કાઢ્યો હતો. તેના પ્રેમીનો મૃતદેહ હજી મળ્યો નથી. ફરિયાદ નોંધીને પોલીસે યુવતીના પિતા, કાકા અને દાદાની ધરપકડ કરી હતી.