લોકોને લાગે છે કે જાહેરમાં નરાધમને ફાંસી આપવી જોઈએ, પણ લોકશાહીમાં કાયદા મુજબ ચાલવું પડે છે

04 May, 2026 09:10 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મેં જાતે પીડિત બાળકીના પપ્પા સાથે બે વાર વાત કરી છે

દેવેન્દ્ર ફડણવીસ

પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુરમાં ૬૫ વર્ષના નરાધમે સાડાત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી એના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા અને લોકોએ આરોપીને ‘ફાંસી આપો અથવા અમને સોંપી દો’ની માગણી કરીને જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. શનિવારે સાંજે પુણે–બૅન્ગલોર હાઇવે પર વડગાવ પાસે બાળકીની ઍમ્બ્યુલન્સ રોકીને જોરદાર આંદોલન કરવામાં આવ્યું હતું અને૩ કલાક કરતાં વધુ સમય માટે પુણે-બૅન્ગલોર અને પુણે-મુંબઈ તરફની બન્ને લેન બ્લૉક કરી દીધી હતી. આખરે પોલીસે બળપ્રયોગ કર્યા બાદ એ ભીડ વિખેરાઈ ગઈ હતી. એ પછી મોડી રાતે બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસ માટે હવે ૬ ઑફિસરોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે જેમાં બે મહિલા ઑફિસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મેં જાતે પીડિત બાળકીના પપ્પા સાથે બે વાર વાત કરી છે. મેં તેમને સમજાવીને કહ્યું હતું કે આપણે એ નરાધમને ફાંસીની સજા થાય એ જોવાનું છે. એ માટે ચાર્જશીટ સમયસર દાખલ કરવી પડશે અને કેસ ચલાવવો પડશે. હાઈ કોર્ટના માધ્યમથી બધી બાબતોને ફાસ્ટ ટ્રૅક પર લઈ જવાય છે. આપણને બધાને લાગતું હોય છે કે આવા નરાધમને જાહેર ચોકમાં ફાંસી આપવી જોઈએ, પણ લોકશાહીમાં એવું કરી શકાતું નથી. લોકશાહી કાયદાથી ચાલે છે, પરંતુ કોઈ પણ કાયદાનો દુરુપયોગ ન કરી શકે એ દૃષ્ટિએ કોઈ પણ છીંડું ન છોડતાં આ નરાધમને કઈ રીતે ફાંસીની સજા થઈ શકે એનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે.’  

આરોપી કહે છે કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે

બીજી બાજુ જ્યારે શનિવારે આરોપીને પોલીસે રિમાન્ડ લેવા કોર્ટમાં હાજર કર્યો ત્યારે જજ  એમ. જી. ચવાણે તેને પૂછ્યું હતું કે તારી કોઈ ફરિયાદ છે? ત્યારે આરોપીએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે મામૂલી ઝઘડાને કારણે મને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. જોકે પોલીસે રજૂ કરેલા પુરાવા અને ઘટનાની ગંભીરતા જોતાં તેનો એ દાવો જૂઠો ઠર્યો હતો અને કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

mumbai news mumbai pune news pune sexual crime Protection of Children from Sexual Offences Act POCSO devendra fadnavis