11 February, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નકલી અને અસલી ચહેરો માફી માગતી વખતે ચહેરા પર બનાવટી અફસોસ (પહેલો ફોટો) અને અશ્લીલ વાત કરતી વખતે ખડખડાટ હાસ્ય (બીજો ફોટો)
જાણીતા યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયા અને ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજાએ એક શોમાં કરેલી અશ્લીલ ટિપ્પણીને લીધે આખા દેશમાં ફાટી નીકળ્યો રોષ : પોલીસે દાખલ કરી ફરિયાદ- સોશ્યલ મીડિયા પર બન્ને જણ થઈ રહ્યાં છે જબરદસ્ત ટ્રોલ
જાણીતા યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયા, સ્ટૅન્ડઅપ કૉમેડિયન અને ઇન્ફ્લુએન્સર સમય રૈના, ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા અને ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોના સ્પર્ધક તથા આયોજકો સામે શોમાં અભદ્ર ભાષા અને મમ્મી-પપ્પાને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મળવાની સાથે જ પોલીસે એની તપાસ શરૂ કરી દીધી છે. જ્યાં આ શોનું શૂટિંગ થયું હતું એ ખારના સ્ટુડિયોમાં પોલીસની એક ટીમ પહોંચી ગઈ હતી. પોલીસની સાથે રાજ્ય મહિલા આયોગમાં પણ ફરિયાદ કરીને આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.
અશ્લીલતાની ક્વીન અપૂર્વા માખીજા
જે સવાલે આખા દેશમાં આગ લગાડી દીધી છે એ રણવીર અલાહાબાદિયા બોલ્યો હતો. તેણે એક સ્પર્ધકને પૂછ્યું હતું કે ‘શું તમે જીવનભર તમારાં મમ્મી-પપ્પાને સેક્સ કરતાં જોવાનું પસંદ કરશો કે પછી એક વાર આ સેક્સમાં સામેલ થઈને એને હંમેશ માટે બંધ કરાવી દેશો?’
ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર નિલોત્પલ પાંડેએ ખાર પોલીસ સ્ટેશનમાં યુટ્યુબ પર આવતા આ શોની પેનડ્રાઇવ અને ફરિયાદનો પત્ર પોલીસને આપ્યો છે. ઝોન ૯ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) દીક્ષિત ગેદામે કહ્યું હતું કે જે ફરિયાદ મળી છે એના પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ કેસમાં ગઈ કાલે સાંજે પોલીસ દ્વારા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો હતો. અશ્લીલ ભાષા બોલવા બદલ સોશ્યલ મીડિયા પર સૌથી વધારે ટ્રોલ નૅશનલ ક્રીએટર્સ અવૉર્ડ ફંક્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખિતાબ મેળવનાર રણવીર અલાહાબાદિયા અત્યારે થઈ રહ્યો છે. યુટ્યુબ પર તેની બીઅરબાયસેપ્સના નામે ચૅનલ છે અને એના એક કરોડથી વધારે ફૉલોઅર્સ હતા, પણ આવી હીન કક્ષાની હરકત કર્યા બાદ વીસેક લાખ ફૉલોઅર્સે તેની આ ચૅનલને અનસબ્સ્ક્રાઇબ કરી દીધી છે.
આ જ શોમાં અભદ્ર વાતો કરનારી અપૂર્વા મખીજા પણ ઇન્ફ્લ્યુએન્સર છે. તે પોતાને રિબેલ કિડ અને કલેશી ઔરત પણ કહે છે. કોરાનામાં ફૅશન-રીલ્સ બનાવવાથી તેણે શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ફુલટાઇમ કન્ટેન્ટ ક્રીએટર બની ગઈ છે. તેની મોટા ભાગની કન્ટેન્ટમાં ગાળ જ હોય છે. ઇન્સ્ટાગ્રામ પર અત્યારે તેના ૨૬ લાખ અને યુટ્યુબ પર તેના પાંચ લાખ ફૉલોઅર્સ છે.
સોશ્યલ મીડિયા પર યુઝર્સે વ્યક્ત કર્યો રોષ
નરેન્દ્ર મોદીના હસ્તે અવૉર્ડ મળી ચૂક્યો છે રણવીર અલાહાબાદિયાને
સોશ્યલ મીડિયા પર ગઈ કાલે #RanveerAllahabadia જબરદસ્ત ટ્રેન્ડિંગ હતું. રણવીરે એક વિડિયો પોસ્ટ કરીને માફી માગી હોવાથી એક યુઝરે કહ્યું હતું કે આવી હરકત કર્યા બાદ માફી માગવાનો તને કોઈ અધિકાર નથી. બીજા એક નેટ-યુઝરે પ્રશ્ન કર્યો હતો કે રણવીર અલાહાબાદિયાએ જે ગંદકી ફેલાવી છે એ માફીને લાયક છે?
અન્ય એક યુઝર પલ્લવી સી. ટી.એ લખ્યું હતું કે ‘કચવાતા મને માગેલી માફી નથી જોઈતી. મારી એવી ઇચ્છા છે કે તેણે વડા પ્રધાનના હસ્તે આપવામાં આવેલો અવૉર્ડ પાછો આપી દેવો જોઈએ. તેની સામે કેસ દાખલ કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ ભારતમાં માતાનું અપમાન ન કરી શકે. અરવિંદ કેજરીવાલે યમુના માનું અપમાન કર્યું એનું તેને પરિણામ મળી ગયું. રણવીર અલાહાબાદિયાએ તેની જનેતાનું અપમાન કર્યું છે અને તેને તેનાં કર્મોનું ફળ જરૂર મળશે. બધા તેને અનફૉલો અને અનસબ્સ્ક્રાઇબ કરો.’
સિનિયર ઍડ્વોકેટ અશ્વિની ઉપાધ્યાયે લખ્યું હતું કે આપણા દેશમાં અશ્લીલ ફિલ્મ, અશ્લીલ સિરિયલ, અશ્લીલ વેબ-સિરીઝ, અશ્લીલ કૉમેડી અને અશ્લીલ ડાયલૉગ્સ રોકવા અશ્લીલતા નિયંત્રણ કાનૂન લાવવો જરૂરી છે.
NHRC પણ આવી હરકતમાં
રણવીર અને અપૂર્વાની અશ્લીલ કમેન્ટને લીધે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) પણ હરકતમાં આવ્યું છે. NHRCના મેમ્બર પ્રિયાંક કાનૂનગોએ યુટ્યુબની પબ્લિક પૉલિસી હેડને લેટર લખીને યુટ્યુબ પરથી આ એપિસોડનો વિડિયો હટાવવાનું કહ્યું છે. જોકે આ કાર્યવાહી કરતાં પહેલાં તેમને જે પોલીસ-સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યાં એની વિગત આપવા કહ્યું છે. તમે શું કાર્યવાહી કરી છે એનો રિપોર્ટ ૧૦ દિવસની અંદર NHRCને સુપરત કરવાનું પણ તેમણે યુટ્યુબને કહ્યું છે.
રણવીરે માફીમાં શું કહ્યું?
મેં જે પણ કહ્યું એ મારે નહોતું કહેવું જોઈતું. એ અનુચિત હતું. આઇ ઍમ સૉરી. મને કૉમેડી નથી આવડતી. અત્યારે મારી ઇચ્છા ફક્ત માફી માગવાની છે. હું આ બાબતે કોઈ જસ્ટિફિકેશન નહીં આપું અને જે થયું છે એની પાછળનાં કારણો પર કોઈ ચર્ચા પણ નહીં કરું. હું માત્ર મારી ભૂલ કબૂલી રહ્યો છું. આ પૉડકાસ્ટ દરેક ઉંમરના લોકોએ જોયું હોવાથી એની જવાબદારીનું ધ્યાન રાખવું જોઈતું હતું. આ આખા અનુભવ પરથી મને એ સબક મળ્યો છે કે આ પ્લૅટફૉર્મનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. વિડિયોમાંથી અસંવેદનશીલ કન્ટેન્ટ હટાવવાનું કહી દીધું છે. હું માફી માગી રહ્યો છું અને આશા રાખું છું કે માણસાઈના નાતે તમે મને માફ કરશો.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મેં આ વિડિયો જોયો નથી, પણ મને એવી માહિતી મળી છે એમાં અમુક વાતો બહુ જ ખરાબ રીતે કહેવામાં અને પ્રેઝન્ટ કરવામાં આવી છે. આ જરા પણ યોગ્ય નથી. દરેકને ફ્રીડમ ઑફ સ્પીચનો અધિકાર છે, પણ આપણે જ્યારે બીજાની ફ્રીડમ પર અતિક્રમણ કરતા હોઈએ ત્યારે આ ફ્રીડમ પૂરી થઈ જાય છે. મારું માનવું છે કે વાણી સ્વતંત્રતાની પણ પોતાની એક સીમા હોય છે. આપણા સમાજે અશ્લીલતાને લઈને અમુક માપદંડ નક્કી કર્યા છે. જો કોઈ એની સીમા ઓળંગતું હોય તો એ બહુ જ ગંભીર મામલો છે. એવા લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ.