નવી મુંબઈના કમિશનરના ઍડ્રેસ પર ૧૨૭ મતદાર નથી રહેતા

03 November, 2025 10:18 AM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Correspondent

MNSનો આક્ષેપ ફગાવવામાં આવ્યો, મતદારયાદીમાં કમિશનરના ઘરનો ઉલ્લેખ માત્ર લૅન્ડમાર્ક તરીકે થયો હોવાનો ખુલાસો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ નવી મુંબઈની મતદારયાદીમાં અનેક ત્રુટિઓ હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પબ્લિક ટૉઇલેટ, નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ના કમિશનરના ઘર અને નેરુલ સ્ટેશનનો ઉલ્લેખ પણ મતદારયાદીમાં મતદારોના ઍડ્રેસ તરીકે કરવામાં આવ્યો છે. જોકે આ બાબતે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને ઇલેક્શન ઑફિસર ડૉ. શ્રીકાંત પંચાલે આ બાબતે ખુલાસો આપતાં કહ્યું હતું કે કમિશનરના ઘરનો ઉલ્લેખ મતદારયાદીમાં રજિસ્ટર્ડ ઍડ્રેસ તરીકે નહીં પણ લૅન્ડમાર્ક તરીકે કરવામાં આવ્યો છે.

MNS દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નવી મુંબઈના બેલાપુરની મતદારયાદીમાં બહુ જ ત્રુટિઓ છે. તેમણે બેલાપુરના રિટર્નિંગ ઑફિસરને લિસ્ટ આપ્યું હતું જેમાં ૧૫,૦૦૦ જેટલા ડુપ્લિકેટ અને ૧૮,૪૦૩ ફેક અથવા વેરિફાય ન થઈ શકેલા વોટર્સનાં નામ આપ્યાં હતાં અને એ મતદારયાદીમાં સુધારા કરવા જણાવ્યું હતું.

આમાં મુખ્ય આક્ષેપ એ હતો કે NMMCના કમિશનરના ઘરના ઍડ્રેસ પર ૧૨૭ મતદાર રહે છે એમ નોંધાયું છે. જોકે ઇલેક્શન ઑફિસરે એ આક્ષેપને રદિયો આપતાં કહ્યું હતું કે કમિશનરનું ઘર એ ઉલ્લેખ લૅન્ડમાર્ક તરીકે થયેલો છે અને એ મતદારો NMMCના કમિશનરના ઘરે રહેતા નથી.

બીજો એક એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુલભ શૌચાલયના ઍડ્રેસ પર કેટલાક મતદારોનાં નામ નોંધવામાં આવ્યાં છે. આ બાબતે ખુલાસો આપતાં ઇલેક્શન ઑફિસર દ્વારા કહેવાયું છે કે ‘એ ટૉઇલેટનું સ્ટ્રક્ચર બે માળનું હતું. નીચે ટૉઇલેટ હતું અને એની ઉપર બનાવાયેલી રૂમમાં લોકો રહેતા હતા અને તેમનાં નામ મતદારયાદીમાં નોંધાયાં હતાં. જોકે હવે વેરિફાય કરતાં એ મતદારો ત્યાં રહેતા ન હોવાથી તેમનાં નામ મતદારયાદીમાંથી ડિલીટ કરવામાં આવશે.’   

navi mumbai maharashtra navnirman sena navi mumbai municipal corporation nmmc mumbai mumbai news