04 October, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છેડતી કરતી વખતે આરોપી જેમાં હતો એ બોગસ નંબર-પ્લેટવાળી થાર.
ખારઘરમાં લાલ રંગની થાર ગાડીમાં સવાર થઈને એક યુવતીની છેડતી કરનારા માણસને નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૦ કલાકની અંદર કઈ રીતે ઝડપી પાડ્યો એની રસપ્રદ માહિતી સામે આવી છે. આરોપી બોગસ નંબર-પ્લેટ લગાવીને ગુનો આચરી રહ્યો હોવાથી પોલીસ સમક્ષ મોટો પડકાર હતો, પરંતુ ૬૨ જેટલી લાલ થાર ગાડીઓની સઘન ચકાસણી, ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ, મોબાઇલ ડમ્પ ડેટા અને સર્વિસ-સેન્ટર્સની વિગતો મેળવીને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે ૩૦ સપ્ટેમ્બરે રાત્રે આશરે ૧૦.૩૦ વાગ્યે ૨૬ વર્ષની યુવતી બી.ડી. સોમાણી સ્કૂલથી પેઠપાડા મેટ્રો સ્ટેશન તરફ ચાલીને જઈ રહી હતી. એ સમયે લાલ રંગની થારમાં મોઢા પર માસ્ક બાંધીને આવેલા એક માણસે તેની છેડતી કરી હતી અને બાદમાં ગાડી હંકારીને ફરાર થઈ ગયો હતો. ઘટના વિશે ખારઘર પોલીસ-સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસની ગંભીરતા જોતાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી અને વાહનને શોધવા ચાર અલગ-અલગ ટીમ બનાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે CCTV ફુટેજમાં થાર પર ‘MH 43 AR 6335’ નંબર દેખાતો હતો. જોકે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) વેરિફિકેશનમાં સામે આવ્યું કે આ નંબર મારુતિ વૅગન-આર કારનો છે જેથી વાહન પર બોગસ નંબર-પ્લેટ લાગેલી હોવાનું સ્પષ્ટ થયું હતું.
ત્યાર બાદ પોલીસે પનવેલ અને વાશી RTOમાં નોંધાયેલી તમામ ૬૨ લાલ થારની યાદી તૈયાર કરીને એની વિગતો તપાસી હતી. ચારેય ટીમોએ મોબાઇલ ડમ્પ ડેટા, CCTV રૂટ અને મહિન્દ્ર સર્વિસ-સેન્ટર્સના ઇન્પુટ્સનું ક્રૉસ-ચેકિંગ કરીને એક પછી એક શંકાસ્પદ વાહનોને બાકાત કર્યાં હતાં અને આખરે મૂળ ગાડી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
તપાસમાં સામે આવ્યું કે ગુનામાં વપરાયેલી લાલ થારનો અસલ નંબર ‘MH 20 FU 3751’ હતો. પોલીસે કોપરખૈરણેના બોનકોડે વિસ્તારમાંથી વાહન શોધી કાઢ્યું હતું અને સીવુડ્સના ૩૦ વર્ષના અલી ઉર્ફે તાલિબ અહેસાન નકવીની ધરપકડ કરી હતી. નકવી ફૅબ્રિકેશનનો વેપાર કરે છે અને આ ગાડી તેના પિતાના નામે છે. આરોપી સામે વર્ષ ૨૦૨૧માં નેરુલ પોલીસ-સ્ટેશનમાં અપહરણ અને છેડતીનો ગુનો પણ નોંધાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.