22 October, 2025 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના કામોઠેના સેક્ટર ૩૬માં આવેલા અંબે શ્રદ્ધા બિલ્ડિંગમાં ગઈ કાલે વહેલી સવારે લાગેલી આગમાં રેખા સિસોદિયા અને તેમની ૧૭ વર્ષની દીકરી પાયલનાં બળી જવાથી કરુણ મૃત્યુ થયાં હતાં. એવું કહેવાય છે કે પહેલાં શૉર્ટ સર્કિટ થયું હતું અને પછી ગૅસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગનો વ્યાપ વધ્યો હતો અને તે બન્ને ખરાબ રીતે સળગી ગયાં હતાં.
નવી મુંબઈના ફાયર-બ્રિગેડ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે ‘સવારના ૬.૦૨ વાગ્યે તેમને આ બનાવનો ફોન આવ્યો હતો. એમાં કહેવાયું હતું કે પહેલાં બહુ મોટો ધડાકો થયો હતો અને આગ ફાટી નીકળી હતી. ફાયર-એન્જિન સ્પૉટ પર પહોંચે એ પહેલાં જ આગ ત્રીજા માળે ફેલાઈ ગઈ હતી. આ આગમાં રેખા સિસોદિયા અને તેમની ૧૭ વર્ષની દીકરી પાયલે જીવ ગુમાવ્યો હતો.’
સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO)ના ચીફ ફાયર ઑફિસર પ્રવીણ બોડકેએ કહ્યું હતું કે ‘ગૅસ-સિલિન્ડરનો બ્લાસ્ટ થયો એની અંદાજે ૪૫ મિનિટ પહેલાંથી જ આગ લાગી હોવી જોઈએ. જો લાંબો સમય સુધી સતત આગમાં રહે તો જ સિલિન્ડરબ્લાસ્ટ થતો હોય છે. મા-દીકરી બન્ને પલંગ પર બળેલી હાલતમાં મળી આવ્યાં હતાં. તેમના શ્વાસમાં ધુમાડો ગયો હોય એટલે તેઓ બેહોશ થઈને ઢળી પડ્યાં હોવાં જોઈએ અને એ પછી આગમાં દાઝી ગયાં હોવાં જોઈએ. પરિવારના બીજા બે સભ્યો એ વખતે બહાર ગયા હતા એટલે બચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં એવું જણાયું હતું કે ઇલેક્ટ્રિકલ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવી જોઈએ અને એ પછી ગૅસ-સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હોવો જોઈએ. આ ૧૨ માળનું બિલ્ડિંગ છે જેમાં મોટા ભાગના ફ્લૅટ ડુપ્લેક્સ છે. બિલ્ડિંગમાં ફાયર-નૉર્મ્સ પળાયા નથી અને પ્રૉપર વેન્ટિલેશન પણ આપવામાં આવ્યું નથી. આ બાબતે કામોઠે પોલીસ વધુ તપાસ કરી રહી છે.’