Navi Mumbai Fire: ટ્રક ટર્મિનલમાં ફાટેલી ભીષણ આગે અનેક વાહનોને બરબાદ કર્યાં

07 July, 2025 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navi Mumbai Fire: તુર્ભે સેક્ટર 20માં કૃષિ પેદાશ બજાર સમિતિ માર્કેટને અડીને જ આવેલ ટ્રક પાર્કિંગ ઝોનની અંદરના વેરહાઉસમાં આ ભીષણ આગ લાગી હતી

ટ્રક ટર્મિનલમાં આગ લાગ્યા બાદ પ્રચંડ ધુમાડો જોવા મળ્યો હતો. (તસવીર - પીટીઆઈ)

નવી મુંબઈમાં આગ લાગવાની ભયાવહ ઘટના (Navi Mumbai Fire) સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક ટ્રક ટર્મિનલમાં મોડી રાત્રે આ આગ લાગી હતી. દૂરદૂર સુધી આગના ગોટેગોટા જોવ મળ્યા હતા. કેટલાંક પાર્ક કરાયેલાં વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

રિપોર્ટ અનુસાર આ આગ લાગી (Navi Mumbai Fire) ત્યારે કેટલાંક ભયંકર અને ડરાવી નાખે તેવા વિસ્ફોટો પણ સંભળાયા હતા. જોકે, આ આગની ઘટનામાં હજુ સુધી કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા નથી. એવી પણ માહિતી મળી રહી છે કે જે સ્થળે આગ લાગી હતી તે જગ્યા એમએસઆરટીસી બસ ડેપો છે, જેનો ઉપયોગ ટ્રકો માટે કામચલાઉ પાર્કિંગ તરીકે થાય છે.

ગઇકાલે રાત્રે નવી મુંબઈના તુર્ભે સેક્ટર 20માં કૃષિ પેદાશ બજાર સમિતિ (એપીએમસી) માર્કેટને અડીને જ આવેલ ટ્રક પાર્કિંગ ઝોનની અંદરના વેરહાઉસમાં આ ભીષણ આગ લાગી હતી. કહેવાય છે કે આ આગ લાગી ત્યાં મોટા પ્રમાણમાં ટ્રકો અને ટેમ્પોને પાર્ક કરવામાં આવ્યા હતા. આગમાં કાશ્મીરી પરિવહનકારોની માલિકીના વાહનોને પણ નુકસાન થયું હતું. ટ્રક ડ્રાઈવરોએ આ ઘટના વિષે વાત કરતાં જણાવ્યું હતું કે- અમારા વાહનોને આગ લાગી ગઈ છે. અમને ભંડોળ કોણ આપશે? હવે અમે શું પહેરીશું? અમારી પાસે કોઈ બીજા સંસાધનો રહ્યા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈના ટ્રક ટર્મિનલમાં ફાટી નીકળેલી આ આગ (Navi Mumbai Fire)માં આઠથી દસ ટ્રક અને ટેમ્પો બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસ અને અગ્નિશામક દળો સ્થળ પર પહોંચીને તાત્કાલિક ધોરણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હજી સુધી આ આગ લાગવાનું કારણ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. અત્યાર સુધી આગમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલો મળ્યા નથી.

આ ઘટના (Navi Mumbai Fire) અંગે વાશી ફાયર સ્ટેશનના ફાયર અધિકારી જણાવે છે કે- `રવિવારે મોડી રાત્રે લગભગ 11.15 વાગ્યે ટર્બે ટ્રક ટર્મિનલમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યો હતો. નજીકમાં ગેસ સિલિન્ડર હોવાના કારણે બે વિસ્ફોટ પણ સંભળાયા હતા. જેનાથી પરિસ્થિતિ વધારે વકરી હતી. આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે કુલ આઠ જેટલા ફાયર ટેન્ડર ત્યાં મૂકવામાં આવ્યા હતા. અગ્નિશમન દળોના વિપુલ પ્રયાસ બાદ આજે સવારે લગભગ ચારેક વાગ્યાની આસપાસ આ આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી. 

રિપોર્ટ પ્રમાણે અગ્નિશમન દળદ્વાર ટર્મિનલમાં પાર્ક કરવામાં આવેલ લગભગ ૪૦ જેટલા વાહનોને ત્વરિત બીજા સ્થળે ખસેડી દીધા હતા. જોકે, હજી સુધી અહીં આગ કઇ રીતે લાગી હતી તેના કોઈ ચોક્કસ કારણ મળ્યા ન હોવાથી હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના ડબ્બા હતા જેનાથી આ આગ વધારે વકરી હતી.

mumbai news mumbai navi mumbai fire incident mumbai fire brigade