જે ફ્લૅટમાં આગ લાગી એની બાજુમાં જ રહેતા ગુજરાતી વેપારી મુકેશ કારાણી વર્ણવે છે આપવીતી

22 October, 2025 07:53 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

અમારો મેઇન ડોર બહારથી બળી રહ્યો હતો; અંદર પણ જોખમ હતું અને બહાર પણ; આખરે મોં પર ભીનો ટુવાલ રાખીને બહાર નીકળ્યા અને બચ્યા

મુકેશ કારાણી

નવી મુંબઈના વાશીમાં સેક્ટર ૧૪માં આવેલી રાહેજા રેસિડન્સની B વિન્ગના એક ફ્લૅટમાં દિવાળીની મધરાત પછી લાગેલી આગને પગલે ચાર વ્યક્તિઓનાં કરુણ મોત થયાં હતાં. રાહેજા રેસિડન્સીમાં B વિન્ગમાં રહેતા અને વાશીની APMCમાં ચોખાનું કામકાજ ધરાવતા મુકેશ કારાણી જે ફ્લૅટમાં આગ લાગી એની બાજુના જ ફ્લૅટ-નંબર ૧૦૦૪માં રહેતા હતા. તેમણે આપવીતી કહેતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગ્યા બાદ જેમના ફ્લૅટમાં આગ લાગી એ મહાવીર જૈનનાં વાઇફ અમને જ નહીં, આજુબાજુવાળા બધાને ચેતવી ગયાં કે આગ લાગી છે, સંભાળો, મદદ કરો. જોકે બહાર આગ ભભૂકી રહી હોવાથી અમે દરવાજો બંધ કરીને અમારા છેલ્લા ફ્રેશ હવાવાળા બેડરૂમમાં જતા રહ્યા હતા અને મદદની રાહ જોઈ રહ્યા હતા. મારા પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રવધૂ અને બે પૌત્રોનો સમાવેશ થાય છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર-બ્રિગેડ પણ આવી ગઈ હતી. અમને બચાવવા તેઓ અમારા કિચનની વિન્ડો સુધી સીડી પણ લઈ આવ્યા હતા. જોકે કિચનની બહાર લગાડેલી બૉક્સ ગ્રિલ કેમેય કરીને નીકળી નહીં એટલું જ નહીં, કટરથી તૂટી પણ નહીં એટલે અમારે બીજા વિકલ્પ પર કામ કરવું પડ્યું. અમારો મેઇન ડોર જ બહારથી બળી રહ્યો હતો અને ત્યાં સખત ધુમાડો હતો. જો ફ્લૅટની અંદર રહીએ તો પણ જોખમ હતું અને બહાર નીકળીએ તો પણ જોખમ હતું. એમ છતાં આખરે અમે અમારા મિત્ર બિપિન શહાનંદે કહ્યા પ્રમાણે મોં પર ભીનો ટુવાલ વીંટી ભગવાનનું નામ લઈને ભીના નૅપ્કિનથી ગરમ થ​ઈ ગયેલું મેઇન ડોરનું હૅન્ડલ ઘુમાવી દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા. સખત ગરમી અને ધુમાડો હતાં, પણ આગની જ્વાળાઓ ન હોવાથી અમે બહુ ઝડપથી એક પછી એક દાદરો ઊતરી ગયા હતા અને બધાનો જીવ બચી ગયો હતો.’

navi mumbai fire incident mumbai fire brigade mumbai mumbai news bakulesh trivedi