નેસ્કોની કૉન્સર્ટના ડ્રગ્સકાંડનો પડઘો કળંબોલીમાં

18 April, 2026 01:07 PM IST  |  Mumbai | Abhisha Rajgor

૨૫ એપ્રિલે યોજાનારી મ્યુઝિકલ ઇવેન્ટ રદ કરવાની સ્થાનિક લોકો અને કૉર્પોરેટરની માગણી

કળંબોલીના રહેવાસીઓએ રૉયલ સ્ટૅગ બૂમ લાઇવ કૉન્સર્ટ રદ કરવાની માગણી કરતાં પોસ્ટર્સ ઠેર-ઠેર લગાવ્યાં હતાં

તાજેતરની નેસ્કો કૉન્સર્ટ પછીના વિવાદે નવી મુંબઈના કળંબોલીમાં યોજાનારી મ્યુઝિકલ કૉન્સર્ટનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહેવાસીઓ, સ્થાનિક કૉર્પોરેટર અને પોલીસે સલામતી, ડ્રગ્સના દુરુપયોગ અને નજીકની હૉસ્પિટલોના દરદીઓને ખલેલ થાય એ વિશે ચિંતા વ્યક્ત કરી છે. પચીસમી એપ્રિલે કળંબોલીમાં યોજાનારી રૉયલ સ્ટૅગ બૂમ કૉન્સર્ટની તપાસ ચાલી રહી છે અને એને રદ કરવાની માગણીઓ વધી રહી છે.

કૉર્પોરેટર મનાલી ઠાકુરે પોલીસને પત્ર લખ્યો

પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં કૉર્પોરેટર મનાલી ઠાકુર

પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં કૉર્પોરેટર મનાલી ઠાકુરે પણ પોલીસને પત્ર લખીને કાર્યક્રમ રદ કરવાની માગણી કરી છે. મનાલી ઠાકુરે કહ્યું હતું કે ‘આવી ઘટનાઓ ખોટો સંદેશ આપી શકે છે. આપણે આવા કાર્યક્રમોથી આપણા યુવાનોમાં ખોટો સંદેશ જવા દઈ શકીએ નહીં.’

કળંબોલીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કોટેએ જણાવ્યું હતું કે ‘આયોજકોએ પરવાનગી માટે પોલીસનો સંપર્ક કર્યો નથી. એને બદલે તેમણે CIDCOને પત્ર લખ્યો છે. અમે CIDCOને જાણ કરી છે કે કૉન્સર્ટ યોજાવાની છે એની આસપાસ હૉસ્પિટલો છે એટલે દરદીઓને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવી જોઈએ નહીં.’

રહેવાસીઓએ પણ કૉન્સર્ટ રદ કરવાની માગણી કરી

સ્થાનિક રહેવાસીઓએ ડ્રગ્સના ઉપયોગ, ભીડ અને મોડી રાત સુધી ઘોંઘાટ થવાનું કારણ આગળ ધરીને કૉન્સર્ટ રદ કરવાની માગણીને સમર્થન આપ્યું છે.

વકીલ સચિન કાંબળેએ કહ્યું હતું કે ‘નેસ્કો કેસ પછી અમે સતર્ક થઈ ગયા છીએ. અમે નથી ઇચ્છતા કે પનવેલ ડ્રગ્સનું કેન્દ્ર બને.’

ગૃહિણી પલ્લવી સિંહે કહ્યું હતું કે ‘આસપાસ પરિવારો અને દરદીઓ છે. કૉન્સર્ટને કારણે અવાજ, દારૂ અને અનિચ્છનીય તત્ત્વો અહીં આવશે. આ અમને સ્વીકાર્ય નથી.’

આ વિસ્તારમાં કૉન્સર્ટનો વિરોધ કરતાં પોસ્ટરો પણ લાગ્યાં છે, જેમાં અધિકારીઓને કાર્યક્રમ માટે પરવાનગી ન આપવાની વિનંતી કરવામાં આવી છે. જોકે અંતિમ નિર્ણય CIDCOએ લેવાનો રહેશે.

navi mumbai bollywood events mumbai mumbai news mumbai police