07 November, 2026 08:44 AM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવી મુંબઈના કોપરખૈરણે વિસ્તારમાં પ્રેમસંબંધ તોડી નાખવાના મામલે ઉશ્કેરાયેલા એક યુવકે ૨૦ વર્ષની યુવતી અને તેની મોટી બહેન પર જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલામાં બન્ને બહેનો ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસે ગુરુવારે રાત્રે બનેલી આ ઘટનાના ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેનો સાથી ફરાર થઈ ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી તરીકે બાવીસ વર્ષના અર્જુન ચવાણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો સાથી રાકેશ ચવાણ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. યુવતીએ પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું હોવાથી અર્જુન ભારે રોષે ભરાયો હતો અને તેણે યુવતી તેમ જ તેની બાવીસ વર્ષની બહેન પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં એક યુવતીને કાન પાસે અને બીજીને પીઠમાં ગોળી વાગી હતી. હુમલામાં લોહીલુહાણ થયેલી બન્ને બહેનોને તાત્કાલિક સારવાર માટે મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસે આ સમગ્ર બનાવ વિશે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા અન્ય આરોપીને ઝડપી લેવા માટે પોલીસટીમોને કામે લગાડવામાં આવી છે.