નવનીત રાણાનો સ્પીકરને પત્રઃ કહ્યું - પોલીસે પીવા માટે પાણી પણ ન આપ્યું

25 April, 2022 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવનીત રાણાએ એમ પણ કહ્યું કે તેઓ નિશ્ચિતપણે માને છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના હિન્દુત્વના સિદ્ધાંતોથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે,

ફાઇલ તસવીર

મુંબઈમાં હનુમાન ચાલીસા પર થયેલા હંગામા બાદ ધરપકડ કરાયેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને મુંબઈ પોલીસની ફરિયાદ કરી છે. રાણાએ પત્રમાં લખ્યું છે કે “શિવસેના હેડક્વાર્ટર `માતોશ્રી`ની બહાર તેમની હનુમાન ચાલીસા વાંચવાનો હેતુ સીએમ ઉદ્ધવ ઠાકરેને હિન્દુત્વ પ્રત્યે જાગૃત કરવાનો હતો, ધાર્મિક તણાવ ફેલાવવાનો નહીં.” રાણાનો આરોપ છે કે કસ્ટડી દરમિયાન જ્યારે તેમણે ટોઈલેટ જવાનું કહ્યું તો પોલીસકર્મીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.

નવનીત રાણાએ એમ પણ કહ્યું કે તેઓ નિશ્ચિતપણે માને છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના હિન્દુત્વના સિદ્ધાંતોથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે, કારણ કે તે જનાદેશ સાથે દગો કરવા અને કોંગ્રેસ-એનસીપી સાથે ચૂંટણી પછીનું જોડાણ કરવા માગતી હતી. ઠાકરેએ હિન્દુત્વના સિદ્ધાંતો સાથે દગો કર્યો છે.

સાંસદ રાણાએ આરોપ લગાવ્યો હતો કે “પોલીસકર્મીઓએ તેમની અટકાયત દરમિયાન શૌચાલયનો ઉપયોગ કરવાની વિનંતી કરી ત્યારે તેમણે ધ્યાન આપ્યું ન હતું. મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને એમ પણ કહેવામાં આવ્યું કે અમે નીચલી જાતિ, અનુસૂચિત જાતિના લોકોને અમારા શૌચાલયનો ઉપયોગ કરવા દેતા નથી.”

સ્પીકર બિરલાને લખેલા પત્રમાં રાણાએ કહ્યું કે એ વાત સાચી છે કે “મેં મુખ્યપ્રધાનને હનુમાન ચાલીસાના પાઠ માટે પણ આમંત્રણ આપ્યું હતું. હું સ્પષ્ટ કહું છું કે મારો કાર્યક્રમ મુખ્યપ્રધાન વિરુદ્ધ નહોતો.” તેણીએ એમ પણ લખ્યું હતું કે “જ્યારે મને સમજાયું કે મારો કાર્યક્રમ મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે, ત્યારે મેં જાહેરમાં આ કાર્યક્રમ રદ કરવાની વાત કરી અને જાહેરાત કરી કે હું મુખ્યપ્રધાનના નિવાસસ્થાને જવાની નથી. આ પછી પણ મને અને મારા પતિ રવિ રાણાને મારા ઘરમાં બંધક રાખવામાં આવ્યા હતા.”

ખાર પોલીસ સ્ટેશનમાં પીવાનું પાણી પણ આપવામાં આવ્યું ન હતું

સાંસદ રાણાએ આરોપ લગાવ્યો કે “23 એપ્રિલે ધરપકડ બાદ અમને ખાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મેં આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી. મેં ઘણી વખત પીવાનું પાણી માંગ્યું, પરંતુ મને પાણી પણ આપવામાં આવ્યું ન હતું.”

નોંધનીય છે કે “શનિવારે નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. વિરોધમાં શિવસેનાના કાર્યકરો માતોશ્રીની બહાર એકઠા થયા હતા. અથડામણના ડરથી પોલીસે રાણા દંપતીની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટે બંનેને જેલ ભેગા કર્યા હતા.

mumbai mumbai news mumbai police uddhav thackeray