14 August, 2026 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાલ્ગુની પાઠક (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)
મુંબઈમાં નવરાત્રી (Navratri 2026) નો માહોલ અત્યારથી જ જામ્યો છે. ‘દાંડિયા ક્વિન’ ફાલ્ગુની પાઠકના તાલે ઝુમવા ખેલૈયાઓએ તૈયાર જ છે. ત્યારે આગામી `નવરાત્રી ઉત્સવ ૨૦૨૬` (Navratri Utsav 2026) ના ટિકિટના ભાવને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. એક દિવસના એન્ટ્રી પાસ રુપિયા ૨,૨૦૦ થી શરૂ થઈને પ્રીમિયમ VIP પેકેજ માટે રુપિયા ૨.૦૪ લાખ સુધી પહોંચી ગયા છે. બાંદ્રા કુરલા કોમ્પ્લેક્સ (Bandra Kurla Complex) માં આવેલા એર-કંડિશન્ડ `જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર` (Jio World Convention Centre) ખાતે ૧૧ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રીના સાંસ્કૃતિક મહોત્સવના આટલા ઊંચા ભાવને લઈને ચાહકોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.
ટિકિટિંગ પ્લેટફોર્મ `બુકમાયશો` (BookMyShow) પર ઉપલબ્ધ સત્તાવાર વિગતો અનુસાર, એર-કંડિશન્ડ `જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર` ખાતે ૧૧ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર દરમિયાન યોજાનાર ફાલ્ગુની પાઠકની નવરાત્રીના પાસ માટે ૧૨ ઓગસ્ટે પ્રી-સેલ અને ૧૩ ઓગસ્ટથી સામાન્ય જનતા માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તમામ નવ રાત માટે `અર્લી-બર્ડ ફેઝ ૧` સિઝન પાસ પ્રતિ વ્યક્તિ રુપિયા ૧૬,૦૦૦ ના ભાવે રજૂ કરવામાં આવ્યો હતો, જે ફેઝ ૨ માં વધીને રુપિયા ૧૮,૦૦૦ અને સ્ટાન્ડર્ડ સિઝન પાસ માટે રુપિયા ૨૦,૦૦૦ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, એક દિવસની સામાન્ય એન્ટ્રી ટિકિટ કરવેરા (Taxes) સિવાય રુપિયા ૨,૨૦૦ થી શરૂ થાય છે.
આ પ્રાઇસિંગ સ્ટ્રક્ચરમાં સૌથી મોંઘું સિંગલ-ડે POD પેકેજ છે, જેની કિંમત રુપિયા ૨.૦૪ લાખ રાખવામાં આવી છે. આ પ્રાઇવેટ એન્ક્લોઝર માત્ર એક રાત માટે માન્ય રહેશે, જેમાં ૧૨ મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા અને રુપિયા ૧૦,૦૦૦ નું ફૂડ એન્ડ બેવરેજ વાઉચર સામેલ છે. આ ભવ્ય ઇવેન્ટનું આયોજન `ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ` (TribeVibe Entertainment) અને `અલ્ફોન્સો સ્ટુડિયો` (Alphonso Studios) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ટિકિટના આસમાને પહોંચેલા દરોને કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વિરોધ જોવા મળ્યો હતો, જ્યાં ફાલ્ગુની પાઠકના જૂના ચાહકોએ આ પ્રાઇસ મોડેલ સામે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
નેટીઝન્સે ધ્યાન દોર્યું છે કે, પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન આવી લક્ઝરી જગ્યાએ કરવાથી મધ્યમ વર્ગના સામાન્ય પરિવારો માટે તેમાં ભાગ લેવો અશક્ય બની જાય છે.
અનેક ચાહકોએ પહેલાના દિવસોને યાદ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું, જ્યારે બોરીવલી (Borivali) જેવા ઉપનગરીય વિસ્તારોના ખુલ્લા મેદાનોમાં સસ્તા દરે હજારો લોકો એકઠા થઈને ગરબા રમતા હતા.
નિરાશ થયેલા ગરબાપ્રેમીઓએ નોંધ્યું હતું કે સિઝન પાસના ખર્ચ સાથે પાર્કિંગ ફી અને સ્થળ પર ખોરાકના ખર્ચને જોડવામાં આવે, તો તહેવાર ઉજવવો એ ખૂબ જ મોંઘો સોદો બની જાય છે.
મુંબઈના નવરાત્રી ઉત્સવમાં `ગરબા ક્વીન` તરીકે જાણીતી ફાલ્ગુની પાઠકના ગરબા દાયકાઓથી મુખ્ય આકર્ષણ રહ્યા છે. ૧૯૯૦ના દાયકામાં `ચૂડી જો ખનકી હાથોં મેં`, `મૈંને પાયલ હૈ છનકાઈ` અને `યાદ પિયા કી આને લગી` જેવા હિટ પોપ સોંગ્સથી લોકપ્રિયતા મેળવનાર ફાલ્ગુની પાઠકના લાઈવ પર્ફોર્મન્સને જોવા માટે દર વર્ષે હજારો ગરબાપ્રેમીઓ ઉમટી પડે છે.
ટિકિટના ભાવ અંગે ચાલી રહેલા વિવાદ છતાં, ફાલ્ગુની પાઠક તહેવારની તમામ નવ રાત્રિ દરમિયાન લાઈવ પર્ફોર્મન્સ આપવાના છે. ટિકિટના ઊંચા ભાવ અંગે આયોજકો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, જોકે ફેન્સ આગ્રહ કરી રહ્યા છે કે આગામી સમયમાં સંસ્કૃતિ અને લોકભાગીદારીને પ્રાથમિકતા આપવામાં આવે.