✕

સોસાયટીમાં નવરાત્રિની ઉજવણી કરવાની મનાઈ

10 October, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડની પૂનમ એસ્ટેટ ક્લસ્ટર 1ની ઘટના : ૧૨૦ ફ્લૅટઓનર્સની અરજી ઠુકરાવી મૅનેજિંગ કમિટીએ : બકરી ઈદ વખતે કમ્પાઉન્ડમાં બકરા લાવવામાં આવતાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી

મીરા રોડની પૂનમ એસ્ટેટ ક્લસ્ટર સોસાયટી

મીરા રોડના પૂનમ એસ્ટેટ ક્લસ્ટર 1માં બકરી ઈદ વખતે વિવાદ થયો હતો અને બે જૂથો વચ્ચે મારામારી થતાં મામલો તંગ બની ગયો હતો. હવે એ જ પૂનમ એસ્ટેટ ક્લસ્ટર 1ની સોસાયટીના ૧૨૦ પરિવારો દ્વારા નવરાત્રિની ઉજવણી માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવા કરવામાં આવેલી અરજી ઠુકરાવવામાં આવી છે. સોસાયટીનું કહેવું છે કે ૨૮ સપ્ટેમ્બરે જે ઍન્યુઅલ જનરલ મીટિંગ થયેલી એમાં આવા કાર્યક્રમોને પરવાનગી આપવી નહીં એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

પૂનમ એસ્ટેટમાં કુલ ૬૨૫ ફ્લૅટ છે અને એમાં સોસાયટીની કૉમન સ્પેસમાં ૧૧થી ૨૦ ઑક્ટોબર દરમ્યાન ગરબા-દાંડિયાનું આયોજન કરવા હિન્દુ ફ્લૅટઓનર્સ દ્વારા મૅનેજિંગ કમિટી પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ માગવામાં આવ્યું હતું. એ માટે સોસાયટીના નિયમોનું પાલન પણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. જોકે સોસાયટીએ એ માટે NOC આપવાની ના પાડી દીધી હતી.

આ બદલ સોસાયટીના રહેવાસી ઉમાશંકર નાગે ફરિયાદ કરી હતી. નિયમોનું પાલન કરીને ઉત્સવની ઉજવણી કરવાનો અધિકાર હોવા છતાં સોસાયટીએ એકતરફી નિર્ણય લીધો હોવાનો આરોપ તેમણે કર્યો હતો. આ પહેલાં પણ આ પ્રકરણમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર, થાણે તહસીલને ફરિયાદ કરવામાં આવી હતી. રજિસ્ટ્રારની ઑફિસે આ સંદર્ભે કાયદેસર રીતે જે કાર્યવાહી થતી હશે એ પ્રમાણે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મૂળમાં બકરી ઈદ વખતે સોસાયટીના કેટલાક રહેવાસીઓ સોસાયટીમાં બકરા લઈ આવ્યા હતા. એ પછી એ મુદ્દે વિરોધ થયો હતો અને બે વિરોધી ગ્રુપ વચ્ચ મારામારી પણ થઈ હતી. ત્યાર બાદ મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં બકરીપાલન અને કુરબાની સંદર્ભે નિયમો લાગુ કર્યા હતા.

જોકે હવે સોસાયટીમાં કોઈ પણ ઉત્સવની ઉજવણી કરવા પર બંધી નથી, પણ બકરી ઈદ વખતે જે વિવાદ થયો હતો એને ધ્યાનમાં રાખીને ઍન્યુઅલ જનરલ મીટિંગમાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો એનું જ પાલન કરવામાં આવી રહ્યું છે એમ સોસાયટીના પદાધિકારીઓએ જણાવ્યું છે.

navratri festivals mira road hinduism religion mumbai mumbai news