13 May, 2026 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર આવ્હાડે થાણેમાં ઘોડા પર કરેલી મુસાફરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વૈશ્વિક તનાવ અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. વડા પ્રધાનની આ અપીલને સરકારની બેવડી નીતિ ગણાવીને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા અને મુંબ્રાના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે ગઈ કાલે થાણેમાં પ્રતીકાત્મક આંદોલન કર્યું હતું. જિતેન્દ્ર આવ્હાડે મોંઘા ઈંધણ અને સરકારની નીતિઓના વિરોધમાં ઘોડેસવારી કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. થાણેમાં આવેલા NCP (SP)ના કાર્યાલયથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના મુખ્યાલય સુધી યોજાયેલી આ રૅલીમાં સેંકડો કાર્યકરો જોડાયા હતા. ઘોડા પર સવાર થઈને કરવામાં આવેલા આ અનોખા આંદોલને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી.
આ આંદોલન દરમ્યાન જિતેન્દ્ર આવ્હાડે સરકાર પર આકરા પ્રહારો કરતાં એની ભૂમિકાને દંભી ગણાવી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સામાન્ય જનતાને ઈંધણ બચાવવાની સલાહ આપનારા સત્તાધારી પક્ષના પ્રધાનો અને વિધાનસભ્યો શું પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા ઓછી કરશે? શું તેઓ પ્રાઇવેટ પ્લેનમાં મુસાફરી કરવાનું બંધ કરશે? જિતેન્દ્ર આવ્હાડે આક્ષેપ કર્યો હતો કે એક તરફ સરકાર મોંઘવારી પર લગામ લગાવવામાં નિષ્ફળ રહી છે અને બીજી તરફ ઈંધણ બચાવવાના નામે જનતા પર બોજ નાખી રહી છે. આ વિરોધ-પ્રદર્શન દ્વારા જિતેન્દ્ર આવ્હાડે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે જો ઈંધણના ભાવ આ જ રીતે વધતા રહેશે તો સામાન્ય માણસ પાસે ફરીથી ઘોડા કે પ્રાણીઓનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં.