24 December, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વર્ષા ગાયકવાડ
મહા વિકાસ આઘાડીના સાથીપક્ષ નૅશનલ કૉન્ગ્રેસ પાર્ટી (SP)નું એક પ્રતિનિધિ મંડળ ગઈ કાલે કૉન્ગ્રેસના મુંબઈનાં અધ્યક્ષ વર્ષા ગાયકવાડને જઈને મળ્યું હતું. BMCની ચૂંટણીમાં બન્ને પક્ષ સાથે મળીને ચૂંટણી લડે એવો પ્રસ્તાવ NCP (SP)એ કૉન્ગ્રેસને આપ્યો હતો જેમાં તેમણે તેમને મુંબઈમાં કેટલી બેઠકોની અપેક્ષા છે એ જણાવ્યું હતું. કૉન્ગ્રેસે પણ આ બાબતે સકારાત્મક અભિગમ દાખવ્યો હતો. કૉન્ગ્રેસના પદાધિકારી સચિન સાવંતે કહ્યું હતું કે જે સમાન વિચાર ધરાવતા પક્ષો છે એ પછી NCP (SP) જૂથ હોય, વંચિત બહુજન સમાજ આઘાડી કે પછી મહાદેવ જાનકરનો પક્ષ હોય, જે પણ સમાન વિચારધારા ધરાવતા હશે અમે તેમની સાથે મળીને ચૂંટણી લડીશું.
કૉન્ગ્રેસ અને NCP વચ્ચે વર્ષોથી સમજૂતી રહી છે અને તેઓ વર્ષોથી સાથે મળીને ચૂંટણી લડતા આવ્યા છે. બન્ને પક્ષના મતદારો પણ એ વાત સારી રીતે જાણ છે અને એ પ્રમાણે મતદાન કરે છે એ આ પહેલાંની ઘણી ચૂંટણીઓનાં પરિણામોમાં જણાઈ આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCP (SP) દ્વારા ૫૦ કરતાં વધુ બેઠકો મળે એ માટેનો પ્રસ્તાવ કૉન્ગ્રેસને આપવામાં આવ્યો છે.