બારામતી વિધાનસભાની પેટાચૂંટણી માટે સુનેત્રા પવાર ૬ એપ્રિલે ઉમેદવારી નોંધાવશે

04 April, 2026 07:57 AM IST  |  Baramati | Gujarati Mid-day Correspondent

બારામતીમાં જાહેર સભા પછી ઉમેદવારી નોંધાવવામાં આવશે

સુનેત્રા પવાર

મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં પ્રમુખ સુનેત્રા પવાર પુણે જિલ્લાના બારામતી વિધાનસભા મતવિસ્તારની આગામી પેટાચૂંટણી માટે ૬ એપ્રિલે પોતાની ઉમેદવારી નોંધાવશે એમ પક્ષનાં સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. આ પેટાચૂંટણી ૨૩ એપ્રિલે યોજાશે. તેઓ હાલ રાજ્યસભાનાં સભ્ય છે. બારામતીમાં જાહેર સભા પછી ઉમેદવારી નોંધાવવામાં આવશે.

બારામતીથી ૮ વખત વિધાનસભ્ય રહેલા અજિત પવારનું ૨૮ જાન્યુઆરીએ ૪ અન્ય લોકો સાથે મૃત્યુ થયું હતું, જેમાં તેમને લઈ જતું વિમાન બારામતી હવાઈપટ્ટી પાસે ક્રૅશ થયું હતું. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવારે બારામતી બેઠક સૌથી વધુ ૧.૬૫ લાખ મતના માર્જિનથી જીતી હતી. ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે પોતાના ભાઈના પુત્ર યુગેન્દ્ર પવારને હરાવીને એક લાખથી વધુ મતના માર્જિનથી આ બેઠક જાળવી રાખી હતી.

શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP)એ જાહેર કર્યું છે કે એ બારામતીમાં આગામી પેટાચૂંટણી નહીં લડે, જ્યારે એના સાથી પક્ષ કૉન્ગ્રેસે કહ્યું છે કે એ ચૂંટણીને નિર્વિવાદ રીતે જવા દેશે નહીં.

sunetra pawar baramati nationalist congress party political news maharashtra maharashtra news