શરદ પવારની પાર્ટીમાં બળવો- અજિત પવાર સાથેની યુતિની વાતોને પગલે પુણેના અધ્યક્ષે પદ અને પાર્ટી બન્ને છોડી દીધાં

25 December, 2025 07:06 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પ્રશાંત પવારે ગઈ કાલે  PMC સામે જ પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘મેં ૨૭ વર્ષ પહેલાં સામાજિક ને રાજકીય ક્ષેત્રે પગ મૂક્યો હતો.`

સુપ્રિયા સુળે

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP (SP)નાં વર્કિંગ પ્રેસિડન્ટ સુપ્રિયા સુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘જ્યાં સુધી પક્ષના કાર્યકરોની શંકાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી અજિત પવારની (NCP) સાથે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની યુતિ નહીં કરાય. અમે તેમના સંપર્કમાં છીએ. જો યુતિ કરાય તો એની ભવિષ્યમાં શું અસર થશે એના પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.’

NCP (SP)ના પુણે સિટીના યુનિટ પ્રમુખ પ્રશાંત જગતાપે અજિત પવારની NCP સાથે યુતિ કરવા બદલ નારાજગી દર્શાવી હતી એ વિશે જણાવતાં સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે ‘મેં તેમની સાથે આ બાબતે લંબાણથી વાત કરી છે અને તેમનું શું કહેવું છે એ જાણી લીધું છે. તેમની ચિંતા અસ્થાને નથી, પણ મેં તેમને ખાતરી આપી છે કે જો અજિત પવારની પાર્ટી સાથે યુતિ થશે તો પણ પાર્ટીની વિચારધારા કે પાર્ટી-પૉલિસી સાથે કોઈ બાંધછોડ નહીં કરાય.’

જોકે એ પછી પણ પ્રશાંત જગતાપે સિટી યુનિટના પ્રમુખપદેથી તેમ જ સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું. એ પછી સુપ્રિયા સુળેએ ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસમાં રહેલા શરદ પવારસાહેબે ભૂતકાળમાં સોનિયા ગાંધીના વિદેશી હોવાનો મુદ્દે ઉઠાવ્યો હતો એ પછી તેમણે કૉન્ગ્રેસ છોડી હતી અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી સ્થાપી હતી. જોકે ત્યાર બાદ સોનિયા ગાંધીએ પવારસાહેબનો સંપર્ક કરી તેમને યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની સરકારમાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજકારણમાં અપ્સ ઍન્ડ ડાઉન્સ આવતા હોય છે. જોકે પાર્ટીની વિચારધારા સાથે કે પાર્ટી-પૉલિસી સાથે કોઈ બાંધછોડ કરાતી નથી. અત્યાર સુધી યુતિ થઈ નથી, હજી માત્ર ચર્ચાઓ ચાલી રહી છે અને કોઈ પણ લોકશાહીમાં સંવાદ અને ચર્ચા મહત્ત્વપૂર્ણ હોય છે.’

 તેમની ચિંતા અસ્થાને નથી, પણ મેં તેમને ખાતરી આપી છે કે જો અજિત પવારની પાર્ટી સાથે યુતિ થશે તો પણ પાર્ટીની વિચારધારા કે પાર્ટી-પૉલિસી સાથે કોઈ બાંધછોડ નહીં કરાય. - સુપ્રિયા સુળે

પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC) સામે જ પત્રકાર-પરિષદમાં પ્રશાંત જગતાપનું રાજીનામું

પ્રશાંત પવારે ગઈ કાલે  PMC સામે જ પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘મેં ૨૭ વર્ષ પહેલાં સામાજિક ને રાજકીય ક્ષેત્રે પગ મૂક્યો હતો. ત્યારે કોઈ પદ માટે નહીં પણ પુરોગામી વિચારોની ચળવળને આગળ ધપાવવા હું કાર્યરત થયો હતો. આજે ૨૭ વર્ષ પછી પણ આ એક જ ધ્યેય મારા મનમાં છે. હવે પછી પણ પુરોગામી વિચારધારા પર જ મારી સામાજિક અને રાજકીય સફર ચાલુ રહેશે. આજ સુધી મને અત્યંત નિષ્ઠાથી સાથ આપનાર બધા જ કાર્યકરોનો મનઃપૂર્વક આભાર. હું પરાભવને કારણે ગભરાઈ જનારો નથી. મેં મારું રાજીનામું શશિકાંત શિંદેને મેઇલ કર્યું છે. હું નગરસેવકની ચૂંટણી લડવાનો છું. હું શરદ પવાર, સુપ્રિયા સુળે અને અજિત પવારનો આભાર માનું છું. હું કોઈ પણ રાજકીય પીઠબળ ન ધરાવતા પરિવારમાંથી આવ્યો છું. આજે હું નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના પુણેના સિટી અધ્યક્ષપદ અને સભ્યપદ પરથી રાજીનામું આપું છું.’

mumbai news mumbai supriya sule nationalist congress party sharad pawar ajit pawar pune news