અમારાં નસીબ કંબલવાલે બાબાજીએ બદલી નાખ્યાં

08 September, 2026 11:14 AM IST  |  Mumbai | Varsha Chitaliya

બાબાના ‘સબકો પ્રેમ કરો, સબકી સેવા કરો’ મંત્રમાં કેવી દિવ્ય શક્તિ છે એનો અનુભવ આ ભક્તોએ કર્યો છે.

નીમ કરોલી બાબા

જીવનમાં કંઈક અધૂરપ લાગે, યોગ્ય દિશા ન સૂઝે, મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે, આર્થિક તંગી આવે અને આગળ વધવાના તમામ રસ્તા બંધ થઈ ગયા એવું લાગે ત્યારે માણસ એક અદૃશ્ય શક્તિ તરફ નજર દોડાવે છે. આવી જ એક શક્તિનું નામ છે નીમ કરોલી બાબા. વીસમી સદીના આ હનુમાનભક્ત સંતનો ભૌતિક દેહ ભલે ૧૯૭૩માં પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હોય, પણ ભક્તોના જીવનમાં આજે પણ તેમના પરચા અને ચમત્કારો જીવંત છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, એવો અડગ વિશ્વાસ છે જેણે હતાશ થયેલા લોકોનાં નસીબ પલટી નાખ્યાં છે. બાબાના ‘સબકો પ્રેમ કરો, સબકી સેવા કરો’ મંત્રમાં કેવી દિવ્ય શક્તિ છે એનો અનુભવ આ ભક્તોએ કર્યો છે. નીમ કરોલી બાબાના જીવન પરથી  બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ અત્યારે ધૂમ મચાવી રહી છે ત્યારે તેમના ભક્તો સાથે વાત કરીએ

મારો વાળ પણ વાંકો નહીં થવા દે

ચેમ્બુરમાં રહેતાં ભાવના શાહ કહે છે, ‘હું શંકર ભગવાનની પૂજા કરું છું અને મને તેમના પણ ઘણા પરચા મળ્યા છે. ૧૭ વર્ષ પહેલાં પતિના અવસાન બાદ બે દીકરીઓની જવાબદારી એકલા હાથે ઉપાડવી મારા માટે સરળ નહોતી. નીમ કરોલી બાબા વિશે જાણકારી નહોતી, પણ મારા પાડોશી બાબાજીમાં ખૂબ શ્રદ્ધા ધરાવતા. તેઓ મને વારંવાર આશ્રમ જવાનું કહેતા, પણ અજાણ હોવાને કારણે હું ટાળતી. વિશ્વાસ બેસતાં સમય લાગે છે. પાંચ વર્ષ પહેલાં ચમત્કાર થયો. ઘરમાં અતિશય આર્થિક તંગી હતી. મારી દીકરી છૂટક ઇવેન્ટ્સનું કામ કરતી, જેમાં પેમેન્ટ હંમેશાં ૧૫-૨૦ દિવસ મોડું આવતું. હાલત એવી થઈ ગઈ કે ઘરમાં બીજા દિવસે સવારનું દૂધ લાવવાના પણ પૈસા નહોતા. એકાએક શું થયું ખબર નહીં, પાડોશી પાસે જઈને કહ્યું કે મને બાબાજીનો ફોટો આપશો? બાબાજી પોતે જ પોતાના ભક્તોને શોધી લે છે, કદાચ તમારો સમય આવી ગયો છે એવું કહીને તેમણે મને ફોટો આપ્યો. મને રડવું આવી ગયું. બાબાજીના ફોટો સાથે વાતો કરવા લાગી કે મારો સમય સાચવી લો, કોઈક રસ્તો બતાવો. ચમત્કાર જુઓ... એ જ સાંજે દીકરી ઘરે આવી ત્યારે તેના હાથમાં પ૦૦-પ૦૦ની નોટો હતી. તેના બૉસે સામેથી બોલાવીને આ પૈસા આપી દીધા. જે રકમ ૧૫ દિવસ પછી મળવાની હતી એ આજે જ મળી ગઈ એ ચમત્કાર નથી તો શું છે? પાંચ વર્ષ થઈ ગયાં, મારા ઘરમાં ક્યારેય આર્થિક તકલીફ નથી આવી. અટકેલા પૈસા આપોઆપ આવી જાય છે અને તમામ કામ સરળતાથી થઈ જાય છે. હું નૈનીતાલના કૈંચી ધામ જઈ આવી છું. જોકે વૃંદાવન આશ્રમમાં વધુ શાંતિ મળે છે. બાબાજી બસ એટલું જ કહે છે, રામનામની માળા જપો અને ભૂખ્યાને જમાડો. મારી શક્તિ પ્રમાણે ઊનનાં મફલર બનાવીને લઈ જાઉં છું અને આશ્રમની બહાર બેઠેલા ગરીબોને આપું છું. રોજ રામનામની માળા કરું છું. બાબાજી બેઠા છે ત્યાં સુધી મારો વાળ પણ વાંકો નહીં થાય. ગમે એવી મુશ્કેલીમાં રસ્તો નીકળી જ જશે એવો વિશ્વાસ છે.

આધ્યાત્મિક કૉલિંગ 

ઘાટકોપરનું કપલ સચિન અને મનીષા રૂપારેલ દૃઢપણે માને છે કે મહારાજજીના શરણમાં ગયા પછી તેમના જીવનમાં સ્પિરિચ્યુઅલ, ઇમોશનલ, મેન્ટલ, ફિઝિકલ, ઇન્ટલેક્ચ્યુઅલ અને ફાઇનૅન્શિયલ એમ બધાં જ ડાયમેન્શન્સમાં મલ્ટિપલ ગ્રોથ થયો છે. પૂરી શ્રદ્ધા સાથે સચિન કહે છે, ‘૨૦૧૯માં સોશ્યલ મીડિયા સ્ક્રોલ કરતી વખતે અચાનક મારા મોબાઇલમાં એક વૃદ્ધ સંતનો ફોટો આવ્યો. ફોટો જોતાં જ મને એક અનોખું ઍટ્રૅક્શન ફીલ થયું. જાણે અંદરથી કંઈક કૉલિંગ આવી રહ્યું હોય એવું લાગ્યું. શોધખોળ કરી તો જાણવા મળ્યું કે આ તો નીમ કરોલી બાબા છે. એ સમયે આજના જેટલા લોકો કૈંચી ધામ જતા નહોતા. અમે આશ્રમમાં ગયા અને ત્યાં ચાર-ચાર કલાક બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરતા. બસ, ત્યારથી જીવનમાં ક્યાંય પાછળ વળીને જોયું નથી. મારો અનુભવ છે કે When you run alone, it is a race; when Guru runs with you, it is grace. બાબાજીની એક સરસ ડૉક્યુમેન્ટરી છે, ‘અહેતુ કી કૃપા’ (કોઈ સ્વાર્થ કે કારણ વિનાની કૃપા). મારી કોઈ પાત્રતા કે લાયકાત નથી છતાં બાબા હંમેશાં મારી સાથે જ ઊભા છે. તમારે બસ સાચા મનથી સરેન્ડર થઈ જવાનું છે. બાબાનો એક જ મંત્ર હતો: ભજન કરો અને લોકોને ભોજન કરાવો. તેમણે ક્યારેય કોઈ મોટાં પ્રવચનો નથી આપ્યાં, કારણ કે તેમના મતે Love is the base of everything. ઘણી વાર આપણે કોઈ સંકલ્પ કરીને ગોલ તરફ આગળ વધવાની કોશિશ કરીએ છીએ, પણ વધી નથી શકતા. એ સ્થિતિ એક અંધારી રફ ટનલ છે જેમાં જો હું એકલો જઈશ તો શરીર છોલાઈ જશે, પણ જો એમાં ગ્રીસ લાગેલું હશે તો હું સ્મૂધલી નીકળી જઈશ. બસ, આ ગ્રીસ એટલે જ બાબાની ‘ગ્રેસ’ (કૃપા) જેનાથી માણસ આપોઆપ પોતાની મંઝિલ પર પહોંચી જાય છે. મહારાજજીએ હંમેશાં માનવતાને જ સર્વોપરી રાખી છે અને આ જ કારણે આખી દુનિયાના લોકો આજે તેમને માને છે. તેમની કૃપાથી આજે અમે એક પાવર કપલ બન્યા છીએ. અમારા જીવન પર એટલા બધા ઇમ્પૅક્ટ આવ્યા છે કે જણાવવા બેસીશ તો જન્મ પણ ઓછો પડી જશે. મેં ઑન્ટ્રપ્રનર્સની સ્ટોરી પર બુક લખી છે ‘રાઇઝિંગ સ્ટાર્સ’, જે બાબાજીને જ ડેડિકેટ કરી છે. અમારા ઘરમાં બાબાનું એક અલગ સ્થાન (તખ્ત) રાખેલું છે. વર્ષો પહેલાં કોઈકે મહારાજજીને કહ્યું હતું કે આવા પહાડોમાં આવશે કોણ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે અહીં કીડીઓની જેમ લોકો આવશે. આજે એ હકીકત છે કે કૈંચી ધામમાં પગ રાખવાની પણ જગ્યા નથી મળતી. ડગલે ને પગલે ડિસ્ટ્રૅક્શન્સથી ભરેલી આ મનોરંજનની દુનિયામાં ભગવાનનું નામ લેવું પણ અઘરું છે. એવામાં આપણે રામનામ, હરિનામ કે રાધાનામ સરળતાથી લઈ શકીએ છીએ એ તેમની કૃપા વગર શક્ય નથી. અમારો નિયમ છે કે વર્ષમાં બે વાર કૈંચી ધામ જવાનું. વૃંદાવન આશ્રમમાં બાબાની સમાધિએ અવારનવાર જઈએ જ છીએ, જ્યાં રાધારાણીના સાંનિધ્યમાં જવાનો અદ્ભુત લહાવો પણ મળે છે.’

૩ મહિનામાં દોડતો થઈ ગયો

વસઈના પરેશ જાદવાણી અને તેમનાં પત્ની ફાલ્ગુની જાદવાણી નીમ કરોલી બાબાના વિવિધ આશ્રમોની નિયમિતપણે મુલાકાત લેતાં હોય છે. પોતાને થયેલા ચમત્કારિક અનુભવો શૅર કરતાં પરેશભાઈ કહે છે, ‘અમે બાબાના આંધળા અનુયાયીઓમાંના એક છીએ. ૩ વર્ષથી ઉત્તરાખંડ ઉપરાંત વિરાર, થાણે અને મોરબીમાં આવેલા વવાણિયા આશ્રમની મુલાકાત લઈએ છીએ. થયું એવું કે કોવિડમાં હું વાસ્તુશાસ્ત્ર શીખતો હતો. એ દરમ્યાન એક ઇન્ફ્લુઅન્સરનો પૉડકાસ્ટ વિડિયો જોયો જેમાં નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લો તો શાંતિ મળશે એવી સ્ટોરી હતી. મને વધુ જાણવાની ઉત્કંઠા જાગી. સ્ટીવ જૉબ્સ જેવા મહાનુભાવ ત્યાં પહોંચ્યા છે. મને થયું કે આ શું ચમત્કાર છે? મારાં ઘણાં કામ અટકેલાં હતાં, ફૅક્ટરી ચાલતી નહોતી, ઑર્ડરનાં રિજેક્શન આવતાં હતાં. પછી કૈંચી ધામ ગયો. એક દિવસ રોકાયો. વાઇબ્સ સારી લાગી. ઘરે ફોટો લાવ્યો તો પપ્પાએ કહ્યું કે આનંદમયી માતા નીમ કરોલી બાબનાં દર્શન કરવા ગયાં હતાં. પપ્પા આનંદમયી માતાને ફૉલો કરે એટલે તેમને જાણ હતી. ત્યારથી નીમ કરોલી બાબાનો ફોટો મંદિરમાં રાખ્યો છે. ગયા વર્ષે મારું સ્પાઇનનું ઑપરેશન થયું ત્યારે ખૂબ ખર્ચ આવી જતાં ફ્રસ્ટ્રેશન આવી ગયું. મારી પાસે BMW બાઇક હતી. ડૉક્ટરે કહ્યું કે પાંચ વર્ષ સુધી બાઇક ચલાવવાનું ભૂલી જાઓ. ડૉક્ટરનું સાંભળીને બાઇક વેચી દીધી. જોકે મહારાજજીએ મારી તબિયત સંભાળી લીધી અને ૩ મહિનામાં બાઇક ચલાવવા જેટલો સ્વસ્થ થઈ ગયો. કામ પણ સરસ ચાલવા લાગ્યું. આવા અનેક પરચા અનુભવ્યા છે. મોરબીમાં નીમ કરોલી બાબાએ કેટલાંક વર્ષો તળાવમાં તપસ્યા કરી હતી. ત્યાં તેમની સમાધિ હોવાથી જવાનું મન થાય છે. મુંબઈથી બાય રોડ મોરબી નજીક પણ પડે છે. વિરારના એક મંદિરમાં નીમ કરોલી બાબાની મૂર્તિ મૂકેલી છે. થાણેના આશ્રમમાં પણ જાઉં છું. હવે વૃંદાવન જવાનો છું. કોઈ પણ કામ અટકે ત્યારે મહારાજજીનું સ્મરણ કરું એટલે કામ થઈ જાય છે. જોકે હું એટલું ચોક્કસ કહીશ કે વાજબી કામ થાય. મહારાજજી સૉલ્યુશન આપે, રસ્તો બતાડે. ઇલલૉજિકલ વસ્તુ ન માગી શકાય એ સમજણ હોવી જોઈએ.’

mumbai news mumbai gujarati community news gujaratis of mumbai culture news