પ્રોફેસર મનીષા માંઢરેને દિલ્હીની કોર્ટે ૧૪ દિવસની કસ્ટડી ફટકારી

18 May, 2026 07:38 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

NEET-UG પેપર-લીક કેસનાં માસ્ટરમાઇન્ડ પી. વી. કુલકર્ણી અને મનીષા વાઘમારે પછી પ્રોફેસર મનીષા માંઢરેને દિલ્હીની કોર્ટે ૧૪ દિવસની કસ્ટડી ફટકારી

પેપર-લીક કેસમાં સેકન્ડ માસ્ટરમાઇન્ડ મનાતી બૉટનીની પ્રોફેસર મનીષા માંઢરેને દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવી હતી, જ્યાં તેને ૧૪ દિવસની CBI કસ્ટડી આપવામાં આવી હતી.

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ–અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક કાંડમાં સેકન્ડ માસ્ટરમાઇન્ડ ગણાતી પુણેથી ધરપકડ કરાયેલી બૉટનીની પ્રોફેસર મનીષા માંઢરેને દિલ્હીની કોર્ટે રવિવારે ૧૪ દિવસની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની કસ્ટડી ફટકારી હતી. 

રવિવારે CBIએ મનીષા માંઢરેને દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટમાં હાજર કરી હતી, જ્યાં કસ્ટડીની માગણી કરતાં CBIએ કોર્ટને જણાવ્યું હતું કે મનીષા માંઢરે પી. વી. કુલકર્ણી અને મનીષા વાઘમારે સાથે કાવતરામાં સામેલ હતી અને તેણે આરોપી શુભમ ખૈરનારને NEET-UGનું પ્રશ્નપત્ર આપ્યું હતું. આખા દેશમાં આ કેસની તપાસ ચાલતી હોવાથી મનીષા માંઢરેને પણ દેશનાં વિવિધ રાજ્યોમાં, જ્યાં તપાસ શરૂ છે, ત્યાં લઈ જવી પડશે. 

NTAની આખી કમિટી રડાર હેઠળ
નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બે જણની પેપર-લીક પ્રકરણમાં ધરપકડ થઈ હોવાથી પેપર તૈયાર કરનારી આખી કમિટી ઉપરાંત NTAના વરિષ્ઠ અધિકારીઓ પણ CBIના રડાર પર છે. તપાસ આગળ વધશે એમ વધુ ધરપકડ થાય એવી શક્યતા હોવાનું CBIએ જણાવ્યું હતું. 

નાંદેડમાં દરોડા : ખરાબ માર્ક્સ લાવનારી વિદ્યાર્થિની અચાનક સ્કૉલર કઈ રીતે?
નાંદેડના વિદ્યુતનગરમાં રહેતી કદમ ફૅમિલીના ઘરે CBIએ દરોડા પાડ્યા હતા અને ૮ કલાક સુધી તપાસ-પૂછપરછ કરી હતી. ઘરની દીકરી માટે તેમણે પાંચ લાખ રૂપિયા આપીને લીક થયેલું પેપર ખરીદ્યું હોવાની શંકા છે. CBIને સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે નાંદેડમાં એક વિદ્યાર્થિની મૉક ટેસ્ટમાં ૭૨૦માંથી ૧૦૦-૧૨૦ જેટલા માર્ક્સ લાવતી હતી. જોકે NEET-UGનું પરિણામ આવ્યું ત્યારે તેણે ચમત્કારિક રીતે ૫૬૦ માર્ક્સ મેળવ્યા હતા. 

મનીષા માંઢરેની ધરપકડ ગેરકાયદે, સૂર્યાસ્ત પછી ઉપાડી ગયા : બચાવ પક્ષ
કસ્ટડીનો વિરોધ કરતાં મનીષા માંઢરેના વકીલે દલીલ કરી હતી કે ‘તેની ધરપકડ ગેરકાયદે કરવામાં આવી હતી. સૂર્યાસ્ત બાદ તેની ધરપકડ કરીને રાત્રે એક વાગ્યે તેને દિલ્હી લાવવામાં આવી હતી.’

mumbai news mumbai neet exam Education Crime News mumbai police pune central bureau of investigation