નેસ્કોની કૉન્સર્ટના ડ્રગ્સ કાંડમાં પોલીસને મળી મોટી સફળતા

02 May, 2026 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરાર માસ્ટરમાઇન્ડ બૅન્ગકૉકથી આવ્યો અને ઍરપોર્ટ પર જ ઝડપાયો

ગઈ કાલે પોલીસ-કસ્ટડીમાં માર્ક ઉર્ફે મહેશ ખેમલાણી

નેસ્કો ડ્રગ્સ કેસમાં શુક્રવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ વનરાઈ પોલીસે થાઇલૅન્ડના બૅન્ગકૉકથી પાછા ફરેલા ૪૪ વર્ષના મુખ્ય સપ્લાયર માર્ક ઉર્ફે મહેશ ખેમલાણીની મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ધરપકડ કરી હતી. પોલીસે તેને શુક્રવારે મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ હૉલિડે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને ૬ મે સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ ધરપકડ સાથે આ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા ૧૨ થઈ ગઈ છે. પોલીસને શંકા છે કે મહેશ ખેમલાણી ઇન્ટરનૅશનલ ડ્રગ્સ નેટવર્કનો હિસ્સો હોઈ શકે અને તે હૉન્ગકૉન્ગની ડ્રગ-સિન્ડિકેટ સાથે લિન્ક ધરાવતો હોઈ શકે. વનરાઈ પોલીસે તેની ધરપકડની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેની સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યો હતો, જેના પગલે તેને ઍરપોર્ટ પરથી જ તાબામાં લેવામાં આવ્યો હતો.

૧૧ એપ્રિલે ગોરેગામ-ઈસ્ટના નેસ્કો સેન્ટર ખાતે આયોજિત ‘એક કૉન્સર્ટમાં એક્સ્ટસી તરીકે ઓળખાતી ડ્રગ્સની ગોળીઓના ઓવરડોઝને કારણે MBAના બે વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. 
મહેશ ખેમલાણી આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છે, કારણ કે તેણે કથિત રીતે તેની લિવ-ઇન પાર્ટનર જિયા જેકબનું પેમેન્ટ સ્કૅનર અન્ય આરોપીઓ આનંદ પટેલ, વિનીત ગેરેલાણી, શુભ અગ્રવાલ અને આયુષ સાહિત્યને પૂરું પાડ્યું હતું, જેમણે પછી જિયા જેકબના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આનંદ પટેલે સ્કૅનર દ્વારા ૬૪,૦૦૦ રૂપિયા, વિનીત ગેરેલાણીએ ૨૨,૫૦૦ રૂપિયા, શુભ અગ્રવાલે ૧,૬૬,૪૦૦ રૂપિયા અને આયુષ સાહિત્યએ ૧,૮૪,૬૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત મહેશ ખેમલાણી ડ્રગ્સ સંબંધિત વ્યવહારો માટે જિયા જેકબનું ઍક્સિસ બૅન્કનું અકાઉન્ટ પણ ઑપરેટ કરતો હતો.

પોલીસે જણાવ્યું હતું કે મહેશ ખેમલાણી અને જિયા જેકબ એકબીજાને ૧૨ વર્ષથી ઓળખે છે અને છેલ્લાં ૪ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં છે. જિયા જેકબ એક કલાકાર છે અને મીરા રોડ-ઈસ્ટમાં રહે છે.

mumbai mumbai news goregaon Crime News mumbai crime news mumbai police thailand