સમસ્યાના સમાધાને સર્જી નવી જ જીવલેણ સમસ્યા

20 June, 2022 09:21 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

શિવસેના-બીજેપી વચ્ચે શ્રેય લેવાની જોરદાર હોડ વચ્ચે શરૂ થયેલા કોરા કેન્દ્રના નવા ફ્લાયઓવર પર કોઈ દુર્ઘટના ન થાય એ માટે કરો પ્રાર્થના

ગઈ કાલે બોરીવલીમાં કોરા કેન્દ્રના નામે જાણીતા ફ્લાયઓવર પર બનાવવામાં આવેલા નવા ફ્લાયઓવર પર વાહનો પસાર થાય ત્યારે ઊડી રહેલી ધૂળ. બાઇકરો માટે આ બ્રિજ પર ટ્રાવેલ કરવું ચિંતાનો વિષય બની ગયો છે. (તસવીર : નિમેશ દવે)

માનખુર્દ-ઘાટકોપરના બ્રિજની જેમ અહીં બાઇકરો સ્કિડ ન થાય એ માટે સુધરાઈએ ફ્લાયઓવર પર કપચી પાથરી, પણ એને લીધે ધૂળ ઊડતી હોવાથી બાઇકરોને કંઈ દેખાતું નથી અને પસાર થવું પડે છે અકસ્માતના ભય વચ્ચે

બોરીવલી-વેસ્ટમાં કોરા કેન્દ્રના નામે જાણીતા ફ્લાયઓવર પર લિન્ક રોડ સુધી ટ્રાફિકની કોઈ પણ અડચણ વગર જવા માટે બનાવવામાં આવેલા નવા ફ્લાયઓવરનું શનિવારે શિવસેના અને બીજેપીની શ્રેય લેવાની લડાઈની વચ્ચે લોકાર્પણ તો થયું હતું, પણ ૯૩૭ મીટર લાંબા આ કનેક્ટિંગ ફ્લાયઓવર પર કપચીનું લેયર પાથરવામાં આવ્યું હોવાને લીધે ખાસ કરીને ટૂ-વ્હીલરવાળાઓએ અકસ્માતના ભયની વચ્ચે એના પરથી પસાર થવું પડે છે. એનું કારણ એ છે કે કપચીને લીધે ફ્લાયઓવર પરથી ફોર-વ્હીલર પસાર થતાંની સાથે ધૂળ ઊડવા લાગે છે અને એને લીધે વિઝિબિલિટી ઑલમોસ્ટ ઝીરો થઈ જાય છે. સુધરાઈ આ વાત સાથે તો સહમત થાય છે, પણ એનું કહેવું છે કે અકસ્માત ન થાય એ માટે એણે કપચીનું લેયર પાથર્યું છે. સુધરાઈના ચીફ એન્જિનિયર (બ્રિજ)નું કહેવું છે કે ‘માનખુર્દનો ફ્લાયઓવર જ્યારે શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે એના પરથી બાઇકરો સ્કિડ થયા હતા. અહીં એનું પુનરાવર્તન ન થાય એ માટે તેમણે આ ઍન્ટિ-સ્કિડ ટેક્નિક અપનાવી છે.’

શનિવારે આદિત્ય ઠાકરેએ ફ્લાયઓવરને લોકો માટે ખુલ્લો મૂક્યો એના થોડા સમય બાદ જ ટૂ-વ્હીલર પર ત્યાંથી પસાર થનારા એક સ્થાનિક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંજે સાડાપાંચ વાગ્યે મેં એવું સમજીને ફ્લાયઓવર પરથી જવાનું નક્કી કર્યું કે કોરા કેન્દ્રના સિગ્નલ પર અટકવાને બદલે હું સડસડાટ લિન્ક રોડ સુધી પહોંચી જઈશ, પણ જેવો નવા ફ્લાયઓવર પર સો મીટર પણ આગળ નહોતો વધ્યો એવું મારું ટેન્શન વધી ગયું હતું, કારણ કે બાજુમાંથી પસાર થતી કારને લીધે ધૂળ ઊડતી હતી અને આગળનું કંઈ દેખાતું જ નહોતું. જેમતેમ કરીને દસ કિલોમીટરની સ્પીડે ધીમે-ધીમે ફ્લાયઓવર પાસ કરીને રોડ પર આવ્યો ત્યારે મારા જીવમાં જીવ આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં ટૂ-વ્હીલરને ફ્લાયઓવર પર પરવાનગી ન આપવી જોઈએ.’
આ જ મુદ્દે ત્યાં ડ્યુટી પર હાજર ટ્રાફિક પોલીસના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે પૉલિટિકલ પાર્ટીઓ શ્રેય લેવાની હોડમાં કોઈનો જીવ ન લે તો સારું. અમને પણ ટેન્શન થઈ રહ્યું છે. જો કામ પૂરું ન થયું હોય તો ફ્લાયઓવર શરૂ કરવાની જરૂર શું હતી?’

બીએમસી દ્વારા તૈયાર કરાયેલા એ બ્રિજ પર હાલ ઝીણી રેતી અને કપચીની ભૂકી નખાયેલી છે. ટૂ-વ્હીલરની જેમ ફોર-વ્હીલરવાળાને પણ સમસ્યા નડી રહી છે, પણ થોડી અલગ રીતે. ધૂળ ઊડતી હોવાથી ફોર-વ્હીલરવાળા બારીના કાચ ચડાવી દે છે. એથી ધૂળથી તો રક્ષણ થઈ જાય છે, પણ વિન્ડશીલ્ડ પર તરત જ ધૂળનો થર લાગી જવાથી વિઝિબિલિટી ઝીરો થઈ જાય છે. એથી વાઇપર ચાલુ કરવું પડે છે. એ ધૂળમાં બારીક કાંકરીઓ હોવાથી જેવું વાઇપર ચાલુ કરો એટલે એ કાંકરી કાચ પર ઘસાઈને કાચને ડૅમેજ કરે છે. 

આ બાબતે બીએમસીના બ્રિજ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર સતીષ ઠોસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનખુર્દ-ઘાટકોપર બ્રિજ શરૂ કરવામાં આવ્યો ત્યારે એના પરથી ઘણાં ટૂ-વ્હીલર સ્કિડ થયાં હતાં. એથી એવું ન થાય એ માટે અમે એના પર કપચીની ભૂકી નાખી છે. ઘણા દિવસથી એ નાખી છે એટલે ઊડતી હશે એની ના નહીં, પણ ખરું જોતાં હવે વરસાદ પણ આવશે એટલે એ દબાઈ જવાની શક્યતા છે. વળી એ કંઈ એક્સપ્રેસવે નથી કે વાહનો એના પરથી ફુલ સ્પીડમાં જાય. આ સિટીની અંદરનો બ્રિજ છે એથી વાહનચાલકોએ એના પર સ્પીડલિમિટ જાળવવી જ પડશે. અમે કપચીની ભૂકી વાહનચાલકોની સુરક્ષા માટે જ નાખી છે.’ 

અમે બને ત્યાં સુધી બ્રિજ અવૉઇડ કરીએ છીએ : આલમ ખાન, ઝોમૅટોનો ​ડિલિવરી બૉય

બ્રિજ ગઈ કાલથી ખૂલ્યો છે, પણ એના પર બહુ જ રેતી છે. જે કોઈ એના પરથી જશે એ સ્કિડ થશે. ફોર-વ્હીલરવાળાને બહુ વાંધો નહીં આવે, પણ ટૂ-વ્હીલરવાળા માટે જોખમ છે. એ રેતી વહેલી તકે હટાવી લેવી જોઈએ. અમે તો બની શકે તો બ્રિજ અવૉઇડ કરીએ છીએ.

બહુ જ સંભાળીને ગાડી ચલાવવી પડે છે : જયેશ મારુ
બ્રિજ પરનો રોડ જો પ્લેન હોય, સાફ હોય તો બાઇકની ગ્રિપ સારી રહે. અત્યારે બહુ રેતી છે એથી ગાડી સ્કિડ થઈ શકે. હમણાં તો બહુ સંભાળીને બાઇક ચલાવવી પડે છે. 

mumbai mumbai news borivali bakulesh trivedi