પોલીસને પણ ચકરાવે ચડાવી દે એવી સાઇબર છેતરપિંડી

17 June, 2022 11:20 AM IST  |  Mumbai | Mehul Jethva

સાઇબર ગઠિયાએ ચાર કલાક માટે વેપારીનું સિમ કાર્ડ બંધ કરાવ્યું અને પછી ઑનલાઇન બૅન્કિંગના માધ્યમથી વસઈના આ વેપારીના અકાઉન્ટમાંથી થયા ૧૧.૩૦ લાખ રૂપિયા ગાયબ

પ્રતીકાત્મક તસવીર

સાઇબર છેતરપિંડીની રોજેરોજ નવી-નવી મોડસ ઑપરૅન્ડી સામે આવતી જાય છે. એમાં ફરિયાદી ઓટીપી અથવા તો પોતાના મોબાઇલનું ઍક્સેસ સાઇબર ગઠિયાને આપતા છેતરપિંડી થતી હોય છે. જોકે વસઈમાં થયેલી સાઇબર છેતરપિંડીમાં પોલીસો ચકરાવે ચડ્યા છે. વસઈમાં રહેતા એક વેપારીનું સિમ કાર્ડ અજ્ઞાત વ્યક્તિએ બ્લૉક કરાવી તેના બૅન્કિંગના ઑનલાઇન ઍક્સેસથી ખાતામાં પડેલા ૧૧.૩૦ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ ઘટનાની ફરિયાદ માણેકપુરા પોલીસ સ્ટેશને નોંધી તપાસ હાથ ધરી છે.

વસઈના સાંઈનગર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષના અશ્વિન શાહે કરેલી ફરિયાદ અનુસાર તેમની વસઈ ફાટા નજીક આવેલી ફાર્મા કંપનીના બૅન્કિંગ માટેનું અકાઉન્ટ તેઓ પોતાના મોબાઇલથી ઑપરેટ કરતા હોય છે. ૯ જૂને તેઓ રોજિંદા ક્રમ અનુસાર ઑફિસ પર જઈને કામે લાગ્યા હતા. બપોરે ત્રણ વાગ્યે તેને ઈ-મેઇલ પર મેસેજ મળ્યો કે વોડાફોન કંપનીનો નંબર બ્લૉક કરવામાં આવ્યો છે. વોડાફોન કંપનીના કસ્ટમર કૅર પર સંપર્ક કરતાં તેમણે કહ્યું કે તેમની બધી માહિતીઓ આપીને અજ્ઞાત વ્યક્તિએ નંબર બ્લૉક કરવા માટે કહ્યું હતું. એ પછી તેમણે ફરી વાર એ નંબર ચાલુ કરાવ્યો હતો. તેમણે પોતાના મોબાઇલ પર ઑનલાઇન બૅન્કિંગની ઍપ્લિકેશન ચાલુ કરતાં બૅન્કમાં રાખેલા ૧૧.૩૦ લાખ રૂપિયા નીકળી ગયા હોવાની માહિતી મળી હતી. એમાં પીતાંબર ગિરિના અકાઉન્ટમાં છ લાખ રૂપિયા (બાલેશ્વર શહેર) અને શ્રીમત પાંડા (પુર્બો મેદિનપુરા શહેર)ના અકાઉન્ટમાં ૫.૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી. છેતરપિંડીનો શિકાર થયેલા વેપારીએ માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  

માણિકપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અભિજિત મડકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજા સાઇબર કેસમાં ફરિયાદીએ આપેલા ઓટીપી અથવા મોબાઇલના ઍક્સેસ પછી છેતરપિંડી થતી હોય છે, પણ આ કેસમાં આવું કંઈ થયું જ નથી. આ ઉપરાંત ફરિયાદીનો મોબાઇલ બ્લૉક કરાવવો અને અકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવા એ પણ નવી વાત છે. અમારી પાસે હાલમાં આ કેસમાં કોઈ લીડ નથી. માત્ર બે અકાઉન્ટ અમારી સામે આવ્યાં છે. એમાંથી પણ પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.’

mumbai mumbai news Crime News mumbai crime news cyber crime vasai mehul jethva