01 January, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ વૉટ્સઍપ પર ફરતા ન્યુ યરના મેસેજ બાબતે અગત્યની ઍડ્વાઇઝરી જાહેર કરી છે. પોલીસે ચેતવણી આપી છે કે અમુક મેસેજની લિન્ક પર ક્લિક કરવાથી પર્સનલ ડેટાની ચોરી, નાણાકીય છેતરપિંડી અને બૅન્કિંગ ઍપ્લિકેશન્સમાં અનઑથોરાઇઝ્ડ ઍક્સેસ ઓપન થઈ શકે છે.
પોલીસે આપેલી માહિતી મુજબ સાઇબર ક્રિમિનલ્સ યુઝર્સને ન્યુ યર વિશ કરતા મેસેજ, વિડિયોઝ અને ગિફ્ટ-ઑફર્સ મોકલીને લલચાવી રહ્યા છે. મેસેજ મળતાં જ લિન્ક પર ક્લિક કરતાં કે અટૅચમેન્ટ ડાઉનલોડ કરતાં જ ક્રિમિનલને મોબાઇલનો ઍક્સેસ મળી જાય છે. આવા મેસેજમાં APK ફાઇલ હોય છે જે એક વાર ઇન્સ્ટૉલ થઈ ગયા પછી મોબાઇલ ફોનમાં સ્પાયવેર અથવા માલવેરથી ડેટા હૅક કરી શકે છે.
માલવેર ઇન્સ્ટૉલેશન પછી તરત જ ફોનમાં ઍપ્લિકેશનો આપમેળે ખૂલે છે. ક્યારેક યુઝરની જાણ વગર તેના કૉન્ટૅક્ટ્સને મેસેજ પણ મોકલાય છે. આવા કોઈ પણ ક્રાઇમનો ભોગ બનનારે પોલીસને અથવા સાઇબર સેલમાં તાત્કાલિક જાણ કરવાની પોલીસે અપીલ કરી છે.