28 October, 2025 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાળામાં ઊંધી પડેલી બાળકી. તેને નાળામાંથી બહાર કાઢવામાં આવી હતી.
રવિવારે રાતે એક નવજાત બાળકીને મારી નાખવાના ઇરાદાથી બોરીવલી-ઈસ્ટના અશોક વન વિસ્તાર નજીકના એક નાળામાં ફેંકી દેવામાં આવી હતી. એ વખતે સ્થાનિક લોકોએ નાળા નજીક નાના બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. એ પછી એક યુવકે નાળામાં ઊતરીને બાળકીને બહાર કાઢી લીધી હતી. આ મામલે દહિસર પોલીસે બાળકીને નાળામાં ફેંકી દેનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તેમ જ બાળકીને નાળામાં ફેંકી દેનારને શોધવા માટે નજીકના વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે. જોકે બાળકીને ત્રણ ફુટ ઉપરથી નાળામાં ફેંકી દેવાતાં તેના માથામાં ઈજા થઈ છે અને નાળાનું પાણી પીવાઈ ગયું હોવાથી તેને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાઈ છે.
દહિસરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સરજેરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે ૧૦ વાગ્યે અશોક વન વિસ્તાર નજીકના એક નાળામાંથી બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો. એ પછી સ્થાનિક લોકોએ તપાસ કરતાં નાળાના પાણીમાં પડેલું બાળક રડતું દેખાયું હતું. એ વખતે લોકોએ પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી. એ પછી એક યુવક નાળામાં ઊતર્યો હતો અને તેણે કપડામાં વીંટીને બાળકીને બહાર કાઢી હતી. ત્યારે અમારી એક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. નાળામાંથી બહાર કાઢવામાં આવેલી બાળકીને પછી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી હતી. બાળકીને અત્યારે ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખવામાં આવી છે. આ કેસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’