✕

ઍન્ટૉપ હિલમાં નવજાત બાળકના મૃતદેહને રસ્તા પર ફેંકી દેવાયો

11 October, 2026 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસીને તેમ જ સ્થાનિક સ્તરે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટૉપ હિલ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જ્યાં શેખ મિશ્રી દરગાહ રોડ પર એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા અપૂર્ણ રીતે વિકસિત નવજાત બેબી બૉયના મૃતદેહને બિનવારસી હાલતમાં રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો. આ બનાવ વિશે ઍન્ટૉપ હિલ પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસ ઘટનાસ્થળ નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા અધિકારીઓ શુક્રવારે સાંજે પૅટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પ્રામાણિક જ્વેલર્સ અને મેહફિલ-એ-જહાંગીર દરગાહ નજીક એક નવજાત શિશુ મળી આવ્યું હતું. ઘટનાસ્થળે મોનોરેલ પિલર નજીક રસ્તાના ડિવાઇડર પર પાર્સલ માટે વપરાતા સફેદ રંગના પ્લાસ્ટિકના ગોળાકાર ડબ્બામાં બાળકના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. અમારી ટીમે તાત્કાલિક બાળકને સાયન હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે શરૂઆતમાં આ બાળક રસ્તા પર બિનવારસી હાલતમાં પડ્યું હતું અને રસ્તા પરથી પસાર થતાં વાહનો નીચે તે ચગદાઈ ન જાય એ હેતુથી ત્યાં એકઠા થયેલા લોકોમાંથી કોઈએ તેને નજીકમાં પડેલા પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકીને ડિવાઇડર પર રાખ્યું હતું. કોઈ અજ્ઞાત વ્યક્તિએ બાળકના જન્મની માહિતી છુપાવવાના અને ગુપ્ત રીતે એનો નિકાલ કરવાના ઇરાદાથી જ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસીને તેમ જ સ્થાનિક સ્તરે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.’

mumbai news mumbai antop hill mumbai police Crime News mumbai crime news