ન્યૂઝ શોર્ટમાં: TCS ધર્માંતરણ કેસની મુખ્ય આરોપી નિદા ખાનને સંભાજીનગરમાંથી ઝડપી લેવાઈ

08 May, 2026 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિદા ખાને મહિલા કર્મચારીઓને ઇસ્લામિક પરંપરા અનુસાર પોશાક પહેરવાની અને મુસ્લિમો જેવું વર્તન કરવાની સલાહ આપી હતી. 

નિદા ખાન

તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના ધર્માંતરણના કેસમાં વૉન્ટેડ આરોપી નિદા ખાન ઝડપાઈ ગઈ છે. નાશિક પોલીસે તેને સંભાજીનગરમાંથી ઝડપી લીધી છે અને આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. નિદા ખાને તે બે મહિનાની ગર્ભવતી હોવાથી આગોતરા જામીનની અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ નિદા ખાને મહિલા કર્મચારીઓને ઇસ્લામિક પરંપરા અનુસાર પોશાક પહેરવાની અને મુસ્લિમો જેવું વર્તન કરવાની સલાહ આપી હતી. 

પ્રામાણિક રિક્ષા-ડ્રાઇવરે ૧૫ લાખ રૂપિયાના દાગીનાની બૅગ પછી આપી

મીરા-ભાઈંદરમાં એક પ્રામાણિક રિક્ષા-ડ્રાઇવરે લગભગ ૧૫ લાખ રૂપિયાના દાગીના ભરેલી બૅગ એના માલિકને પાછી આપી હતી. પોલીસની મદદથી મુસાફરને શોધીને તેની બૅગ પાછી આપનાર રિક્ષા-ડ્રાઇવર ચંદ્રશેખર યાદવનું પોલીસે તેની પ્રામાણિકતા બદલ સન્માન કર્યું હતું. દાગીનાની કિંમત ઊંચી હોવા છતાં ચંદ્રશેખર યાદવે પોલીસની મદદથી પ્રામાણિકપણે બૅગ એના માલિકને પાછી સોંપી હતી.

વિયેટનામના પ્રેસિડન્ટે NSEની બેલ વગાડી

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) ખાતે ગુરુવારે આયોજિત કાર્યક્રમમાં વિયેટનામના રાષ્ટ્રપતિ તો લામના હસ્તે બેલ-રિન્ગિંગ કરવામાં આવ્યું હતું. NSE ગવર્નિંગ બોર્ડના ચૅરપર્સન શ્રીનિવાસ ઇન્જેટી તથા NSEના MD અને CEO આશિષ કુમાર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈની મુલાકાતે આવેલા વિયેટનામી રાષ્ટ્રપતિએ ભારત અને વિયેટનામ વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવાની દિશામાં આ પ્રતીકાત્મક વિધિમાં ભાગ લીધો હતો.

mumbai news mumbai tcs tata group national stock exchange vietnam