07 April, 2026 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિરાર-દહાણુ કૉરિડોર પર ક્વાડ્રપ્લિંગનું કામ પૂરું થતાં પહેલી વાર ૧૫ ડબ્બાની લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. વેસ્ટર્ન રેલવેની ક્ષમતા વધારવાના પ્રયાસરૂપે વિરાર કારશેડમાં ૧૫ ડબ્બાની બે નવી રેક સામેલ કરવામાં આવી છે. કુલ ૧૭ ટ્રેનો બારમાંથી ૧૫ ડબ્બાની કરવામાં આવશે જેમાં સૌથી મોટો ફાયદો વિરાર-દહાણુ સેક્શનને મળશે. આ રૂટ પર કુલ ૮ ટ્રેનો ૧૫ ડબ્બાની કરવામાં આવશે. અતિવ્યસ્ત એવા ચર્ચગેટ-વિરાર રૂટ પર પણ ૯ ટ્રેનોને ૧૫ ડબ્બાના ફૉર્મેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા ચાલુ મહિનાના અંત સુધીમાં અમલી બને એવી શક્યતા છે. ટ્રેનોની લંબાઈ વધવાથી પીક-અવર્સ દરમ્યાન ટ્રેનની ક્ષમતામાં મોટો વધારો થશે જેને પરિણામે પાલઘર જિલ્લાને મુંબઈ સાથે જોડતા રૂટ પર પ્રવાસીઓને ભીડમાંથી આંશિક રાહત મળશે.
મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ બેઉ સદનોના અધ્યક્ષ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષે આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ પહેલી વાર હતું જ્યારે કોઈ વર્તમાન ચૂંટણી-કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય. આ પ્રસ્તાવ પર ૧૯૩ સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા જેમાં લોકસભાના ૧૩૦ અને રાજ્યસભાના ૬૩ સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. લોકસભાના અધ્યક્ષે વિપક્ષ દ્વારા જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી-કમિશનરપદેથી હટાવવા માટે આપેલી અલગ નોટિસને પણ ફગાવી દીધી હતી. ૧૨ માર્ચે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
ગઈ કાલે સાંજે કાનપુરમાં ફૂલબાગની ફળમાર્કેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ જોતજોતામાં માર્કેટની ૨૦ દુકાનોને ભરખી ગઈ હતી. ૩૦થી ૪૦ ફુટ ઊંચી આગની જ્વાળાઓને કાબૂમાં લાવવા ફાયર-બ્રિગેડની પાંચ ગાડીઓ બોલાવવી પડી હતી. માર્કેટમાં લાગેલા ટિન શેડ પરથી પસાર થતા વીજળીના તારમાં અચાનક શૉર્ટ સર્કિટ થવાથી આગની ચિનગારીઓ નીકળી હતી. નાના પાયે લાગેલી ચિનગારીઓને કારણે બે ઘરેલુ ગૅસ-સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો જેણે આગને વિકરાળ બનાવી દીધી હતી. આ માર્કેટની ૨૦ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે.
સિક્કિમના મંગન જિલ્લામાં લાચેનથી ચુંગથાંગને જોડતા મુખ્ય રસ્તા પર અચાનક ભેખડો તૂટી પડવાને કારણે માર્ગ વાહનવ્યવહાર અટવાઈ ગયો છે અને ૮૦૦થી વધુ ટૂરિસ્ટો ફસાયા છે. ફસાયેલા ટૂરિસ્ટોની સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લાપ્રશાસને તાત્કાલિક રૂટ બંધ કરી દીધો હતો અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં પણ રસ્તા પરની ભેખડો હટાવવાની કામગીરી ગઈ કાલથી શરૂ કરવામાં આવી છે. ટૂરિસ્ટોનું સલામત સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે જિલ્લાપ્રશાસન, પોલીસ, ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP), બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન (BRO) અને ભારતીય સેના સહિત વિવિધ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. પ્રશાસને તમામ પ્રવાસીઓને જ્યાં છે ત્યાં જ રહેવાની અને રાતે ચાલવાનું જોખમ ટાળવાની સલાહ આપી છે. બગડતી હવામાનની પરિસ્થિતિને કારણે રસ્તા પર વધારે જોખમો ઊભાં થઈ શકે છે. લાચેનમાં બધા પ્રવાસીઓને અસ્થાયીરૂપે ત્યાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુંબઈમાં આ અઠવાડિયે ગરમીની અસર સામાન્ય રહેવાની ધારણા છે અને તાપમાનમાં કોઈ મોટો વધારો થવાની શક્યતા નથી. હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૧થી ૩૩ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ રહેશે, જેને કારણે મુંબઈગરાઓને આકરી ગરમીથી મોટી રાહત મળશે. હાલમાં મુંબઈમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા સોમવારે મુંબઈનું મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૧.૮ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ આખા અઠવાડિયા દરમ્યાન વેસ્ટર્લી વિન્ડ્સ સક્રિય રહેશે. આ પવનોને કારણે વાતાવરણમાં ઠંડા અને તેજ પવનોનો પ્રવાહ જળવાઈ રહેશે જેને કારણે તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે.
જોગેશ્વરી-વેસ્ટમાં ગેરકાયદે રીતે યોજાયેલી ઘેટાની લડાઈ દરમ્યાન એક ઘેટાનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે ૩ લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ જોગેશ્વરીમાં પાટીલવાડી નજીક એક મેદાનમાં મનોરંજન અને એક લાખ રૂપિયાના રોકડ ઇનામની લાલચમાં ‘રૉકી’ અને ‘ચમકીલા’ નામનાં બે ઘેટાં વચ્ચે હિંસક લડાઈ કરાવવામાં આવી હતી. આ લડાઈ દરમ્યાન ‘રૉકી’ નામનું ઘેટું અચાનક મેદાનમાં ઢળી પડ્યું હતું અને એનું મોત થયું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આંબોલી પોલીસે આ મામલે ૩ આરોપીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે અને લડાઈમાં જીવિત બચેલા બીજા ઘેટાને કબજે કરવાના પ્રયાસો ચાલુ છે.
જુહુ કોલીવાડા વિસ્તારમાં બજરંગી ચોક નજીક ગઈ કાલે ભીષણ આગ લાગી હતી જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલાં આ વિકરાળ આગનાં દૃશ્યોમાં આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઊડતા જોવા મળ્યા હતા. સાંકડી ગલીમાં લાગેલી આ આગને બુઝાવવા માટે ફાયર-બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી. જુહુ કોલીવાડાની એક ચાલ નજીક લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે ફાયર-એન્જિનો રસ્તા પર ગોઠવવામાં આવ્યાં હતાં. ગલીઓ અત્યંત સાંકડી હોવા છતાં ફાયર-ફાઇટરોએ અંદર પ્રવેશીને આગ બુઝાવી હતી.
થાણેમાં સોમવારે વહેલી સવારે ફ્લાયઓવર પરથી જઈ રહેલી રિક્ષા અને કારની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ રોડ પર ઑઇલ ઢોળાવાને કારણે ઘણા સમય સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો.થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું આ ઘટના કલવામાં ફ્લાયઓવર પર વહેલી સવારે બની હતી. વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર સાથે રિક્ષા અથડાતાં અકસ્માત થયો હતો. આ ટક્કરમાં રિક્ષા-ડ્રાઇવર અને રિક્ષામાંના પ્રવાસીને ઈજા થઈ હતી. કાર અને રિક્ષા વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ફ્લાયઓવર પર એન્જિનનું ઑઇલ પ્રસરી ગયું હતું. ઑઇલ-સ્પિલને કારણે ટ્રાફિક થોડા સમય માટે ખોરવાયો હતો.