સમાચાર શોર્ટમાં: વડાલા RTO પાસે પાર્ક થયેલી પ્રાઇવેટ બસમાં આગ

21 April, 2026 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડાલા રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) નજીક રોડની સાઇડમાં પાર્ક કરેલી પ્રાઇવેટ બસમાં  આગ લાગી હતી.

બળી ગયેલી બસ

વડાલા રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) નજીક રોડની સાઇડમાં પાર્ક કરેલી પ્રાઇવેટ બસમાં  આગ લાગી હતી. બપોરે બે વાગ્યે લાગેલી આગને ફાયર-બ્રિગેડે ૧૦ મિનિટમાં બુઝાવી દીધીહતી. જોકે બસની બાજુમાં પાર્ક કરાયેલી બીજી એક બસની બહારના ભાગમાં પણ આગની અસર જોવા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ બસની અંદર શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. બસ પાર્ક કરેલી હોવાથી એ સમયે અંદર કોઈ મુસાફર હાજર નહોતો, જેને કારણે મોટી હોનારત ટળી હતી.

અખાત્રીજ પહેલાં વાશીના APMCમાં એક જ દિવસમાં ૯૪,૦૦૦ કેરીનાં બૉક્સની એન્ટ્રી

અખાત્રીજ નિમિત્તે નવી મુંબઈના વાશી APMC માર્કેટમાં શનિવારે સીઝનમાં આફૂસ કેરીની સૌથી વધુ આવક નોંધાઈ હતી. અખાત્રીજની પૂર્વસંધ્યાએ બજારમાં આફૂસનાં કુલ ૯૪,૦૬૦ બૉક્સ ઠલવાયાં હતાં. કુલ આવકમાં સૌથી મોટો હિસ્સો મહારાષ્ટ્રના રત્નાગિરિ, દેવગડ અને સિંધુદુર્ગનો રહ્યો હતો. આ વર્ષે કમોસમી વરસાદને કારણે કોંકણમાં આફૂસનું ઉત્પાદન ઓછું થયું છે અને સીઝન પણ દર વર્ષ કરતાં વહેલી એટલે કે ૧૦ મે સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે છતાં તહેવારના સમયે થયેલી આ મોટી આવકથી બજારમાં ગરમાટો જોવા મળ્યો છે. એક બૉક્સનો ભાવ ૧૫૦૦થી ૫૦૦૦ની વચ્ચે ચાલી રહ્યો છે.

૪૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ટૅક્સી

ડ્રાઇવર અને પૅસેન્જરને ઉગારી લેવામાં આવ્યા

નાલાસોપારા-ઈસ્ટના વલાઈપાડાના સંતોષી મંદિર પાસે આવેલા એક કૂવામાં ગઈ કાલે ટૅક્સી પડી ગઈ હતી. ટૅક્સીના ડ્રાઇવરે ગાડી પરથી કન્ટ્રોલ ગુમાવતાં કાર ૪૦ ફુટ ઊંડા કૂવામાં પટકાઈ હતી. ઉનાળો હોવાથી કૂવામાં પાણી ઓછું હતું એટલે બચાવકાર્યમાં સરળતા રહી હતી. ફાયર-બ્રિગેડે કૂવામાં સીડી ઉતારીને દોરડાની મદદથી ટૅક્સીના બન્ને જણને કૂવાની બહાર લાવવાની કામગીરી બજાવી હતી. સદ્નસીબે બન્ને જણને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. 

mumbai news mumbai fire incident mumbai fire brigade wadala