સમાચાર શોર્ટમાં: ગોવંડીમાં CNG કારનું સિલિન્ડર ફાટ્યું, ૧૨ કાર આગની ઝપટમાં

24 April, 2026 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અડધો કલાક બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ગોવંડીમાં ગઈ કાલે બપોરે લાગેલી આગમાં ઓછામાં ઓછાં ૧૨ ફોર-વ્હીલરને નુકસાન થયું હતું. ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પર બૈંગણવાડી સિગ્નલ પાસે સવારે ૧૧.૪૫ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. એવું કહેવાય છે કે આ ગેરકાયદે પાર્કિંગ-સાઇટ હતી અને ઘણાં છોડી દેવાયેલાં ફોર-વ્હીલર ત્યાં લાંબા સમયથી પાર્ક કરાયેલાં હતાં. એક કારનું કમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) સિલિન્ડર ફાટવાને કારણે આ આગ લાગી હતી. એણે તરત જ આજુબાજુની ૧૦થી ૧૨ કારને પણ ઝપટમાં લઈ લીધી હતી. ત્યાં હાજર લોકોએ વધુ કાર આગની ઝપટમાં ન આવે એ માટે ધક્કા મારીને બંધ કારોને ત્યાંથી હટાવવાના પ્રયાસ કર્યા હતા. પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અડધો કલાક બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

વિરારમાં ચાલતી રિક્ષામાં આગ

વિરારમાં વિવા કૉલેજ પાસે એક ચાલતી રિક્ષામાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં તરત જ રિક્ષા-ડ્રાઇવરે રિક્ષા રોડની એક સાઇડ લગાવી દીધી હતી અને તે પણ રિક્ષાની બહાર આવી ગયો હતો. થોડી જ ક્ષણોમાં આગ વધી જતાં આજુબાજુના લોકો મદદ માટે દોડ્યા હતા. કોઈએ બાલદી-બાલદીએ પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે કેટલાક દુકાનદારોએ તેમની પાસેનાં ફાયર એક્સ્ટિંગ્વિશર વાપર્યાં હતાં અને આગ ઓલવી હતી. આગમાં કોઈ જખમી થયું નહોતું, પણ રિક્ષાને બહુ જ નુકસાન થયું હતું. ઓવરહીટને કારણે આગ લાગી હોવાની શક્યતા પ્રાથમિક દૃષ્ટિએ દર્શાવાઈ હતી.

mumbai news mumbai mumbai fire brigade fire incident govandi virar