05 December, 2025 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળ
ભિવંડીના કાલ્હેરમાં બુધવારે મધરાત બાદ ૧૨.૪૬ વાગ્યે કપડાંના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મોડી રાત હોવાથી ગોડાઉનમાં કોઈ કામગાર નહોતા, પણ કપડાંનો બહુ મોટો સ્ટૉક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. રાતના ૧૨.૪૬ વાગ્યે લાગેલી આગ પર ૩.૩૦ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. એ પછી પણ કૂલિંગ ઑપેરશન ચાલુ રાખવામાં આવ્યું હતું એમ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું.
દહાણુમાં કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
દહાણુમાં કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. દહાણુ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર કિરણ પવારે જણાવ્યું હતું કે ‘બુધવારે એક આશ્રમ સ્કૂલ નજીક શિશુનો મૃતદેહ મળી આવ્યા બાદ અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ રીતે મૃતદેહને ત્યજી દેનારાઓને પકડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નજીકના વિસ્તારોમાંથી CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરવાની સાથે હૉસ્પિટલો અને પ્રસૂતિ-કેન્દ્રોમાંથી માહિતી મેળવવામાં આવી રહી છે.’
પનવેલ પાસે ગુડ્સ ટ્રેન ડીરેલ થવાથી ટ્રેનો અટકી
મુંબઈ-ગોવા રૂટ પર પનવેલ પાસે એક ગુડ્સ ટ્રેન ડીરેલ થઈ જતાં એ અટકી પડી હતી અને એને કારણે એની પાછળની ટ્રેનો પણ અટકી ગઈ હતી. પનવેલ પાસે ગઈ કાલે બપોરે ૧૨.૨૮ વાગ્યે જવાહરલાલ નેહરુ પોર્ટ જઈ રહેલી માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ખડી પડ્યો હતો જેને કારણે ટ્રેન અટકી ગઈ હતી. આ ઘટનાની જાણ તરત જ મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને કરવામાં આવતાં એના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. આ ડીરેલમેન્ટને કારણે મુંબઈ-ગોવા રૂટ અને મુંબઈ-પનવેલ-કર્જત રૂટ પરની ટ્રેનોને અસર થઈ હતી.
નાલાસોપારામાંથી ૫૧.૧૦ લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે નાઇજીરિયનની ધરપકડ
નાલાસોપારામાં રહેતો નાઇજીરિયન ડ્રગ્સની તસ્કરી કરે છે એવી મળેલી પાકી માહિતીના આધારે પોલીસે મંગળવારે નાલાસોપારાના પ્રગતિનગર વિસ્તારમાં રેઇડ પાડી હતી. એમાં ૩૦ વર્ષના નાઇજીરિયન પાસેથી ૫૧.૧૦ લાખ રૂપિયાનું મેફેડ્રોન મળી આવ્યું હતું. તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ MD ડ્રગ્સ તેણે ક્યાંથી મેળવ્યું હતું અને કોને સપ્લાય કરવાનો હતો એની તપાસ હવે પોલીસ કરી રહી છે.
ઇન્ડિયન નેવી ડે નિમિત્તે વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા ગૌરવ સ્તંભ પર શહીદોને શ્રદ્ધાંજલિ
વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા ગઈ કાલે ઇન્ડિયન નેવી ડે નિમિત્તે નેવલ ડૉકયાર્ડમાં ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે નેવી દ્વારા હાથ ધરાયેલા ઑપરેશન ટ્રાઇડન્ટમાં દેશ માટે જીવ આપનારા શહીદોની યાદમાં બનાવાયેલા ગૌરવ સ્તંભ પર વાઇસ ઍડ્મિરલ રાહુલ વિલાસ ગોખલેએ ફૂલો ચડાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ છે મહારાષ્ટ્ર લોકભવન
મહારાષ્ટ્ર રાજભવનનું નામ સત્તાવાર રીતે મહારાષ્ટ્ર લોકભવન થઈ ગયું છે અને લોકભવનના દ્વાર પર પણ હવે નવા નામની તકતી મુકાઈ ગઈ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા પર આ વિશે કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે લોકભવન ફક્ત રાજ્યપાલનું નિવાસસ્થાન અને કાર્યાલય જ નહીં પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો, ખેડૂતો અને સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ સાધવા માટેનું સ્થળ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ આ નિર્ણય નાગરિકો સાથે જોડાવાના દૂરંદેશી પગલા તરીકે વધાવ્યો હતો. તસવીર : અતુલ કાંબળે
બાંદરા રેક્લેમેશન પર વહેલી સવારે પૂરઝડપે જઈ રહેલી કાર પલટી ખાઈ ગઈ
બાંદરા રેક્લેમેશન પર ગઈ કાલે અંધેરી તરફ જતી લેનમાં પૂરઝડપે જઈ રહેલી લાલ રંગની એક કારના ડ્રાઇવરે સ્ટીઅરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવ્યો હતો એટલે કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. એ કાર રસ્તાની વચ્ચોવચ ઊલટી થઈને પડી હતી. એની આજુબાજુમાંથી બહુ સાવચેતીથી અન્ય વાહનો પસાર થઈ રહ્યાં હોવાનું જણાઈ આવ્યું હતું. આ અકસ્માતમાં કોઈના જખમી થવાના અહેવાલ નથી. એ પછી અકસ્માતના સ્પૉટ પર ધસી આવેલી ટ્રાફિક-પોલીસે અકસ્માતગ્રસ્ત કાર હટાવી લીધી હતી. એટલો વખત સવારના સમયે મોટરિસ્ટોએ ટ્રાફિક-જૅમનો સામનો કરવો પડ્યો હતો.
પનવેલ–કર્જત લાઇન પર આવેલા મોહાપે સ્ટેશનનું નામ બદલીને પોયંજે કરાયું
રેલવે-મિનિસ્ટ્રીએ પનવેલ-કર્જત લાઇન પર રાયગડ જિલ્લામાં આવેલા મોહાપે સ્ટેશનનું નામ બદલીને પોયંજે કર્યું છે. સેન્ટ્રલ રેલવેએ આ બદલ માહિતી આપતાં કહ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને ગણતરીમાં લઈને આ ફેરફાર કરવામાં આવ્યો હતો. એનો નવો કોડ PYJE રહેશે. રેલવે-રેકૉર્ડ્સ, અનાઉન્સમેન્ટ અને પૅસેન્જર-ઇન્ફર્મેશન સિસ્ટમમાં પણ હવે આ નવું નામ પોયંજે જ લેવાશે.
વિક્રોલીની કન્સ્ટ્રક્શન-સાઇટના ત્રીજા માળેથી પડી જવાથી કામદારે જીવ ગુમાવ્યો
કન્સ્ટ્રક્શન-સાઇટ પર કામદારો સાથે થતા અકસ્માતોના વધુ એક કેસમાં વિક્રોલીમાં કન્સ્ટ્રક્શન-સાઇટના ત્રીજા માળેથી પડી જવાથી ૪૭ વર્ષના એક મજૂરે જીવ ગુમાવ્યો હતો. વિક્રોલી-ઈસ્ટમાં બનેલી આ ઘટનામાં નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ ૩ ડિસેમ્બરે સવારે ૧૧.૩૦ વાગ્યે ત્રીજા માળે સેન્ટરિંગ નટ અને બોલ્ટ ઢીલા કરતી વખતે કામદારે બૅલૅન્સ ગુમાવ્યું હતું અને પડી ગયો હતો જેને કારણે તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ તેને મહાત્મા ફુલે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ દાખલ કરતાં પહેલાં મૃત જાહેર કર્યો હતો. વિક્રોલી પોલીસે આ બનાવમાં કન્સ્ટ્રક્શન કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.