ન્યૂઝ શોર્ટમાં: ભિવંડીમાં કૂવામાંથી બૅટ કાઢતી વખતે એમાં ડૂબી ગયો યુવાન

24 February, 2026 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રહેવાસીઓની મદદથી પોલીસ અધિકારીઓએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો હતો

ઘટનાસ્થળ

રવિવારે ભિવંડીના સમરુ બાગ વિસ્તારમાં પચીસ વર્ષનો બિલાલ અન્સારી કૂવામાં પડી ગયેલું તેનું ક્રિકેટ-બૅટ કાઢવાનો પ્રયાસ કરતી વખતે સંતુલન ગુમાવીને કૂવામાં પડી ગયો હતો. જ્યારે ઘણા સમય સુધી પાછો ન આવ્યો ત્યારે લોકોને શંકા ગઈ અને તેમણે કૂવા પાસે તપાસ કરી ત્યારે તે અંદર પડેલો જોવા મળ્યો હતો. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી એ પછી સ્થાનિક રહેવાસીઓની મદદથી પોલીસ અધિકારીઓએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. જોકે હૉસ્પિટલમાં લઈ જવાતાં ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. 

કોટામાં એક્સપ્રેસવે પર ટ્રકમાં ઘૂસી ગઈ કારઃ મહાકાલનાં દર્શન કરીને પાછા ફરતા ચાર દોસ્તોએ જીવ ગુમાવ્યા

કોટા પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રોડ-અકસ્માતમાં ૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ખૂબ સ્પીડમાં દોડી રહેલી એક કાર આગળ ચાલી રહેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે ગાડીના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારમાં સવાર ચારેય યુવક ખૂબ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. પોલીસે ખૂબ મહેનત કરીને યુવાનોને ગાડીની બહાર કાઢીને હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જોકે હૉસ્પિટલમાં પહોંચ્યા પછી પણ તેમને બચાવી શકાયા નહોતા. પોલીસનું કહેવું છે કે ડ્રાઇવરને ઝોકું આવું ગયું હતું અને એ ખૂબ સ્પીડમાં હતી એટલે ટ્રકની અંદર ઘૂસી ગઈ હતી. કારમાં સવાર ચારેય યુવાનો કાનપુરના હતા. તેઓ ઉજ્જૈન મહાકાલનાં દર્શન કરીને પાછા કાનપુર જઈ રહ્યા હતા. 

નેધરલૅન્ડ્સના પ્રથમ ગે વડા પ્રધાન બન્યા ૩૮ વર્ષની ઉંમરના રૉબ જેટન 

યુરોપના નેધરલૅન્ડ્સમાં ૩૮ વર્ષના મધ્યપંથી રૉબ જેટને ગઈ કાલે દેશના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ આ દેશના સૌથી યુવા અને પ્રથમ ગે વડા પ્રધાન બન્યા છે. રૉબ જેટન ઑક્ટોબર ૨૦૨૫માં યોજાયેલી ચૂંટણીમાં જીત્યા હતા. તેમણે જમણેરી પક્ષને સત્તા પરથી હાંકી કાઢ્યો છે. રૉબ જેટને તેમના પાર્ટનર નિકોલસ કીનન સાથે સગાઈ કરી છે. નિકોલસ કીનન બે વખત આર્જેન્ટિનાનો ઑલિમ્પિયન રહી ચૂક્યો છે અને ફીલ્ડ હૉકી સ્ટાર છે.

ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવાની સરકારની સલાહ 

ભારત સરકારે ફરી એક વાર ઈરાનમાં રહેતા એના નાગરિકોને શક્ય એટલી વહેલી તકે એ દેશ છોડી દેવાની સલાહ આપી છે. ગઈ કાલે જાહેર કરાયેલી નવી સલાહમાં તેહરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીયોને ઘરે પાછા ફરવા માટે કમર્શિયલ ફ્લાઇટ્સ સહિત કોઈ પણ ઉપલબ્ધ પરિવહનનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ભારતીયોને તેમના ટ્રાવેલ-દસ્તાવેજો સહિત તમામ પ્રકારના ડૉક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જણાવવામાં આવ્યું છે. સરકારે તેમને સતર્ક રહેવા અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી કરી છે.

પટેલ દંપતીના રોડ-અકસ્માત માટે જવાબદાર પુત્રના પિતાની જામીનઅરજી વિક્રોલી કોર્ટમાં રિજેકટ થઈ

વિદ્યાવિહાર-ઈસ્ટની સોમૈયા કૉલેજની બહાર રાતના ૧૦.૪૫ વાગ્યે તિલકનગરના ૧૭ વર્ષના ટીનેજરે તેની કારથી ઘાટકોપરના પટેલ દંપતીનો જીવલેણ અકસ્માત કર્યો હતો. એમાં ૩૨ વર્ષના ધ્રુમિલ પટેલનું અકસ્માતના ૧૦ દિવસ પછી મૃત્યુ થયું હતું. ગઈ કાલે ટીનેજરના પિતા વાલજી ભૂષણની જામીનઅરજી વિક્રોલીની જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ ૩૪ દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી. તિલકનગર પોલીસે તેમની ૧૦ ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. પાંચમી ફેબ્રુઆરીએ રાતે બનેલી આ ઘટનામાં ધ્રુમિલ પટેલ અને તેની પત્ની મીનળ પટેલના કાર-અકસ્માત પછી ધ્રુમિલના કાકા મહેશ પટેલે ટીનેજર અને તેની કારના માલિક અને ૪૩ વર્ષના પિતા વાલજી ભૂષણના વિરોધમાં તિલકનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યાર પછી ટીનેજરની બારમીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને જામીન આપ્યા હતા, જ્યારે વાલજી ભૂષણે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. એમાં તેમણે દાવો કર્યો હતો કે કાર તેમના પુત્ર દ્વારા તેમની જાણ અને સંમતિ વિના ચલાવવામાં આવી હતી. 

અમરાવતીના મેળઘાટમાં પિક-અપ વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, પાંચ જણનાં મોત

અમરાવતી જિલ્લાના મેળઘાટ વિસ્તારમાં રવિવારે સાંજે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં મુસાફરોને લઈ જતું એક પિક-અપ વાહન ૫૦થી ૬૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકતાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં હતાં અને ૧૦થી ૧૨ અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાટમાં પિક-અપ વાહન ઉપર ચડી રહ્યું હતું ત્યારે એની સ્પીડ એકદમ ઓછી થઈ ગઈ હતી અને એ પછી પિક-અપ વાહન રિવર્સમાં ગયું હતું અને ૫૦થી ૬૦ ફુટ ઊંડી ખીણમાં પડતાં ગંભીર અકસ્માત થયો હતો. એવું પણ કહેવાય છે કે વાહનમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડ્યા હતા.

ડોમ્બિવલી ઈસ્ટ અને વેસ્ટમાં આજે સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ

ડોમ્બિવલી ઈસ્ટ અને વેસ્ટમાં આજે સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે. મોહિલી પમ્પિંગ-સ્ટેશન અને નેતિવલી વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સમારકામ હાથ ધરવામાં આવ્યું હોવાથી પાણીપુરવઠાને અસર થશે. ઉલ્હાસ નદીમાંથી ખેંચવામાં આવતા પાણીને પહેલાં મોહિલી પમ્પિંગ-સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે અને પછી નેતિવલી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોસેસ કરીને લોકોના ઘર સુધી પહોંચાડાય છે. આ બન્ને પ્લાન્ટના સમારકામ માટે મંગળવારે સવારે ૯ વાગ્યાથી પાણીપુરવઠો બંધ કરવામાં આવશે. કામ પૂરું થતાં મંગળવારે સાંજથી પુરવઠો યથાવત્ થશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

mumbai news mumbai bhiwandi dombivli mumbai police