17 December, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગમખ્વાર અકસ્માત
ભિવંડીમાં રાજીવ ગાંધી ફ્લાયઓવર પર સોમવારે મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. કલ્યાણનાકા તરફ જતી વખતે શાર્પ ટર્ન પાસે એક રોહિત ખૈરનાર નામનો બાઇકર ફ્લાયઓવર પરથી નીચે પડી ગયો હતો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે અત્યારે તેને થાણેની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
નાગપુરમાં ડિફેન્સ પ્રોડક્શન કરતી કંપનીની ઍરસ્ટ્રિપ પર ડ્રોન દેખાયું
ડિફેન્સ પ્રોડક્શન કરતી નાગપુરની સોલર એક્સપ્લોઝિવ્સ કંપનીની ઍરસ્ટ્રિપ પર એક અજાણ્યું ડ્રોન ઊડતું જોવા મળ્યું હતું. એને લીધે એ વિસ્તારમાં હાઈ અલર્ટ સર્જાઈ હતી. આ ઘટના ૯ ડિસેમ્બરે સાંજે ૭.૧૫ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ‘અમારી ટીમોએ નજીકનાં ગામોમાં શોધખોળ કરી હતી. આ ડ્રોન લગ્ન કે પ્રાઇવેટ ફંક્શન માટે લૉન્ચ કરવામાં આવ્યું હોય અને માર્ગ પરથી ભટકી ગયું હોય એવું કંઈ બન્યું હતું કે કેમ એની તપાસ ચાલી રહી છે. જોકે હજી સુધી કોઈ માહિતી મળી નથી. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ની ટીમ પણ આ ઘટનાની તપાસ કરી રહી છે.’
થાણેના બિઝનેસમૅન સાથે થઈ ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી
થાણેના એક બિઝનેસમૅન સાથે ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો હતો. આ કેસમાં પોલીસે મુંબઈના ૪ વેપારીઓ સામે કેસ નોંધ્યો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ વર્ષે જૂન અને નવેમ્બર દરમ્યાન ભિવંડીના ૪૨ વર્ષના ફરિયાદી બિઝનેસમૅન પાસેથી ગ્રે (અનપ્રોસેસ્ડ) ટેક્સટાઇલ આરોપીઓએ ખરીદ્યું હતું. જોકે બાકી પેમેન્ટ પૂરું કરવાને બદલે આરોપીઓએ એ મટીરિયલ અન્ય લોકોને વેચી દીધું હતું. એ પછી પણ પેમેન્ટ નહોતું કર્યું અને ફરિયાદી સાથે વાત કરવાનું ટાળવા લાગ્યા હતા. આરોપીઓએ થોડા સમય પછી ફરિયાદીના ફોનનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું અને તેમની ઑફિસ બંધ કરીને ફરાર થઈ ગયા.
કાંદિવલીના ચારકોપમાં પેપર કંપનીમાં આગ
ગઈ કાલે બપોરે કાંદિવલી-વેસ્ટના ચારકોપ એરિયામાં એક પેપર મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં આગ લાગી હતી. પર્ફેક્ટ પેપર કોન નામની આ કંપનીમાં ઇલેક્ટ્રિક ઇન્સ્ટૉલેશન્સ અને વાયરિંગ સુધી આગ મર્યાદિત રહી હતી, પણ ગ્રાઉન્ડ પ્લસ વનના આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની ૩૦૦૦ સ્ક્વેરફુટ જેટલી જગ્યા આગને લીધે પ્રભાવિત થઈ હતી. બપોરે ૨.૩૭ વાગ્યે ફાયર-બ્રિગેડને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આગને કારણે કૉમ્પ્લેક્સમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ફાયર-ઑફિસર પાસેથી જાણવા મળ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ હોય એવું નથી જોવા મળ્યું.
મુંબઈ ઍરપોર્ટ પરથી પાંચ દિવસમાં ૩૩.૪૨ કરોડનો ગાંજો પકડાયો
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૮ અલગ-અલગ કેસોમાં કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ૩૩.૪૨ કરોડ રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો અને ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૧૧થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન થયેલી કાર્યવાહીમાં આ ગાંજો થયો હતો અને આરોપીઓ પકડાયા હતા. આ ડ્રગ્સ બૅન્ગકૉકથી ભારત લાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું.
થાણે-કલ્યાણ રૂટ પર બની શકે છે અન્ડરગ્રાઉન્ડ રેલવે
થાણે-કલ્યાણ કૉરિડોર પર ભારે ભીડને પહોંચી વળવા માટે સેન્ટ્રલ રેલવે (CR)ની પ્રપોઝ થયેલી સાતમી અને આઠમી લાઇનના પ્રોજેક્ટમાં એક અન્ડરગ્રાઉન્ડ રેલવેલાઇનની પણ સંભાવનાઓને ચકાસવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ રૂટ પર હવે ખુલ્લી જમીન મેળવવી એક મોટો પડકાર હોવાથી રેલવેના અધિકારીઓએ અન્ડરગ્રાઉન્ડ રેલવેલાઇન બનાવવાનો વિચાર લાંબા ગાળા માટે અસરકારક માન્યો છે.
કલ્યાણમાં મહિલા પૅસેન્જરની છેડતી કરનારો બાઇક-ટૅક્સી ડ્રાઇવર રૅપિડોનો નહીં, પણ ઉબરનો હતો
કલ્યાણમાં શનિવારે સાંજે સ્ટેશન પાસેના જિમ્નેશ્યમમાં જવા નીકળેલી ૨૬ વર્ષની યુવતીની છેડતી કરવા બદલ અને તેને લૂંટી લેવાના આરોપસર ૧૯ વર્ષના સિદ્ધેશ પરદેશીને ઝડપી લેવામાં આવ્યો હતો. કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર બળીરામ સિંહ પરદેશીએ સોમવારે એ સંદર્ભની માહિતી આપતાં કહ્યું હતું કે ‘આરોપી બાઇક-ટૅક્સી ડ્રાઇવર રૅપિડોનો હતો, પણ પછી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં આ બાબતે સ્પષ્ટતા થઈ હતી કે એ બાઇક-ટૅક્સી ડ્રાઇવર રૅપિડોનો નહીં પણ ઉબરનો હતો. મહિલાએ ઉબર ઍપ પરથી એ બાઇક-ટૅક્સી બુક કરાવી હતી એમ તેણે ફરિયાદમાં જણાવ્યું હતું.’
૩૧ ડિસેમ્બર સુધી મેટ્રો 9 અને મેટ્રો 2Bના કેટલાક ભાગ શરૂ થઈ શકે છે
દહિસર-ઈસ્ટથી મીરા-ભાઈંદર વચ્ચે કનેક્ટિવિટી વધશે, મંડાલેથી ડાયમન્ડ ગાર્ડન સુધીનું ટ્રાવેલિંગ પણ સરળ બનશે
આ મહિનાના અંત સુધીમાં મેટ્રો 9 અને મેટ્રો 2Bનાં કેટલાંક સેક્શન ઑપરેશનલ થઈ શકે એવા અહેવાલ છે. મેટ્રો 9 એ અત્યારની મેટ્રો 7નું એક્સ્ટેન્શન છે જે કુલ ૧૩.૫૮ કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ સ્ટ્રેચ ઑપરેશનલ થયા પછી દહિસર-ઈસ્ટ અને મીરા-ભાઈંદર વચ્ચે કનેક્ટિવિટી સરળ બનશે. અહીં પહેલા ફેઝમાં દહિસર-ઈસ્ટથી કાશીગાવ વચ્ચે મેટ્રો સર્વિસ શરૂ થશે. ૩૧ ડિસેમ્બર સુધી મેટ્રો 2Bના ૫.૩ કિલોમીટરના પહેલા ફેઝનું પણ લૉન્ચિંગ થઈ શકે છે જે ચેમ્બુરના ડાયમન્ડ ગાર્ડનથી માનખુર્દના મંડાલે સુધી કનેક્ટિવિટી પૂરી પાડશે.