ન્યૂઝ શોર્ટમાં: દાદર કબૂતરખાના પરની તાડપત્રી હટી, ફરી લાગી

02 March, 2026 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરી એક વાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ તાડપત્રી લગાવી દીધી હતી.

તસવીરઃ આશિષ રાજે

દાદર કબૂતરખાના પર કોર્ટે આપેલા નિર્દેશને લઈને તાડપત્રી ઢાંકીને એ કવર કરી લેવાયું હતું. જોકે ગઈ કાલે એક ટીનેજરે એ તાડપત્રી હટાવી દીધી હતી. જોકે આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. એ પછી ફરી એક વાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ તાડપત્રી લગાવી દીધી હતી.

દુબઈ ઍરપોર્ટ પર પી. વી. સિંધુની થઈ અગ્નિપરીક્ષા, વિસ્ફોટથી ૧૦૦ મીટર દૂર તેના કોચ માંડ-માંડ બચ્યા

ભારતની બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા પી. વી. સિંધુએ દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ભયાનક અને તનાવપૂર્ણ પરિ​​સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઈરાને મિડલ ઈસ્ટ પર ઉસ્કેરાટમાં કરેલા હુમલાઓને કારણે દુબઈ ઍરપોર્ટ પર બૅડ્‍મિન્ટનસ્ટાર પી. વી. સિંધુ તેના કોચ સહિત હજારો યાત્રી ફસાયા હતા. મંગળવારથી શરૂ થઈ રહેલી ઑલ ઇંગ્લૅન્ડ ઓપન ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા પી. વી. સિંધુ  દુબઈમાં ટ્રાન્ઝિટ સ્ટૉપ લઈને ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમ જઈ રહી હતી. તેણે ભયાનક પરિસ્થિતિની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ઍરપોર્ટની અંદર મુસાફરો રાહ જોઈ રહ્યા હતા એ વિસ્તારની નજીક વિસ્ફોટો સંભળાયા હતા. મારા કોચ આ વિસ્ફોટથી ૧૦૦ મીટર દૂર હતા અને માંડ-માંડ જીવ બચાવીને ધુમાડા અને કાટમાળથી દૂર સલામત સ્થળે આવ્યા હતા. આ સમયે આખા ઍરપોર્ટ પર તનાવ અને ડરનો માહોલ હતો.’ 

 

ફેબ્રુઆરીમાં UPI પેમેન્ટમાં રેકૉર્ડ તૂટી ગયો, ૨૮ દિવસમાં થયા ૨૬ લાખ કરોડ રૂપિયાના વ્યવહાર

ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે અને ફેબ્રુઆરીના માત્ર ૨૮ દિવસમાં લોકોએ રેકૉર્ડ તોડી નાખ્યો છે. ફેબ્રુઆરીમાં UPI વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે ૨૭ ટકા વધીને ૨૦.૩૯ અબજ થઈ ગઈ હતી. આ સમયગાળા દરમ્યાન UPI વ્યવહારોનું મૂલ્ય વાર્ષિક ધોરણે બાવીસ ટકા વધીને ૨૬.૮૪ લાખ કરોડ રૂપિયા થયું હતું. નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીમાં સરેરાશ વ્યવહાર વૉલ્યુમ ૯૫,૮૬૫ કરોડ રૂપિયા હતું જે જાન્યુઆરીમાં ૯૧,૪૦૩ કરોડ રૂપિયાની સરખામણીમાં વધારે હતું. ફેબ્રુઆરીમાં દરરોજ સરેરાશ ૭૨૮ મિલ્યન વ્યવહારો થયા જે જાન્યુઆરીમાં ૭૦૦ મિલ્યન રહ્યા હતા.એક અભ્યાસ મુજબ UPI ચુકવણીના સૌથી પસંદગીના માધ્યમ તરીકે ઊભરી આવી છે જે ભારતમાં કુલ ચુકવણી-વ્યવહારોના ૫૭ ટકાનો હિસ્સો ધરાવે છે. એ રોકડ વ્યવહારો (૩૮ ટકા)ને વટાવી ગઈ છે.

બોલે સો નિહાલ સત શ્રી અકાલ

સિખોના ગુરુ શ્રી તેગ બહાદુર સિંહના ૩૫૦મા શહીદ દિન નિમિત્તે નવી મુંબઈના ખારઘરમાં આયોજિત કરાયેલા હિન્દ-દી-ચાદરના સમારોહમાં ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે પધાર્યા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે પણ આ બે દિવસીય કાર્યક્રમમાં હાજરી આપી હતી. શાલ અને ચિહ્‍ન આપીને સિખ સમાજે તેમનું અભિવાદન કર્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે સિખ સમુદાયને સંબોધતાં પહેલાં ‘બોલે સો નિહાલ સત શ્રી અકાલ’નો નારો લગાવ્યો હતો જે હજારોની સંખ્યામાં હાજર રહેલા સિખ સમુદાયે ઉપાડી લીધો હતો. અમિત શાહે આ પ્રસંગે ધર્માંતરણ રોકવાની હાકલ પંજાબ સરકારને કરી હતી.

હોલી કે રંગ

વરલી માર્કેટમાં ગઈ કાલે હોળી નિમિત્તે ખરીદદારી નીકળી હતી અને દુકાનદારોએ પણ બાળકો, યુવાનોને અને રસિયાઓને લોભાવવા વિવિધ રંગ વેચવા મૂક્યા હતા. સાથે જ પરંપરાગત પિચકારી સાથે અલગ-અલગ આકારની વિવિધ રંગોની નાની-મોટી પિચકારીઓ વેચવા માટે લટકાવીને હોળીને રંગીન બનાવી દીધી હતી. તસવીરઃ આશિષ રાજે

હોળી નિમિત્તે અનિષ્ટનું દહન

હોળી નિમિત્તે વરલીમાં BDD ચાલ બિલ્ડિંગ-નંબર ૧૦૧ના યુવાનોએ અનિષ્ટને બાળવા પ્રતીકાત્મક ૩૫ ફુટનું આતંકવાદી શેતાનનું પૂતળું બનાવ્યું છે જે આજે હોળીના દિવસે બાળવામાં આવશે. આ જ BDD ચાલના બિલ્ડિંગ-નંબર ૭૬-૭૭ના સિદ્ધિવિનાયક મંડળના યુવાનોએ પણ શેતાનનું પૂતળું બનાવ્યું હતું. ગઈ કાલે એને લગાડતાં પહેલાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. ​તસવીરો : આશિષ રાજે

mumbai news mumbai dadar brihanmumbai municipal corporation mumbai police dubai pv sindhu