ન્યૂઝ શોર્ટમાં: થાણેના ઑટો-ગૅરેજમાં આગ લાગી, ૬ વાહનો બળીને ખાખ

06 March, 2026 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેના વાગળે એસ્ટેટમાં એક ઑટો ગૅરેજમાં કચરાપેટી અને પાર્ક કરેલાં ૬ વાહનોમાં બુધવારે મોડી રાતે આગ લાગી હતી

ઘટનાસ્થળ

થાણેના વાગળે એસ્ટેટમાં એક ઑટો ગૅરેજમાં કચરાપેટી અને પાર્ક કરેલાં ૬ વાહનોમાં બુધવારે મોડી રાતે આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પણ વાહનોને ભારે નુકસાન થયું હતું. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ આપેલી માહિતી મુજબ હનુમાનનગરમાં આવેલા અચ્યુતાનંદ ઑટો ગૅરેજમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલાં ફોર-વ્હીલર અને બાજુમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. જોતજોતામાં આગમાં સપડાયેલાં વાહનો સંપૂર્ણપણે બળી ગયાં હતાં. રાતે ૧૨.૩૦ વાગ્યે લાગેલી આગ ૧.૫૦ વાગ્યા સુધીમાં બુઝાવી દેવામાં આવી હતી.

બાઇક ૫૦ મીટર ઘસડાઈ અને યુવકનું માથું ધડથી અલગ - સાનપાડાના પામ બીચ રોડ પર જીવલેણ અકસ્માત

સાનપાડા નજીક પામ બીચ રોડ પર હિટ ઍન્ડ રનની ઘટનામાં ૨૪ વર્ષના એક યુવકે જીવ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક લગભગ પચાસ મીટર સુધી લપસી જતાં યુવકનું માથું કપાઈ ગયું હતું અને તેની પાછળ બેઠેલી ૧૯ વર્ષની યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ એક અજાણ્યા વાહને પાછળથી બાઇકને ટક્કર મારી હતી. યુવતીને બન્ને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે અને તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે મંગળવારે બન્ને મિત્રો હોળી ઊજવીને પાછા ફરી રહ્યા હતા ત્યારે લગભગ ૩ વાગ્યે તેઓ સાનપાડા નજીક પહોંચ્યા ત્યારે આ અકસ્માત થયો હતો. કોપરખૈરણે પોલીસ-સ્ટેશનમાં અજાણ્યા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

પાલઘરની ગર્લ્સ હૉસ્ટેલમાં આગ, ૮૭  છોકરીઓને બચાવાઈ

પાલઘર જિલ્લામાં આવેલી એક આશ્રમશાળાની ગર્લ્સ હૉસ્ટેલમાં આગ લાગી હતી. એ સમયે ૮૭  છોકરીઓ હૉસ્ટેલમાં હાજર હતી, જેમને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
પાલઘર જિલ્લા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે ‘દહાણુ તાલુકાના કંદરવાડી ગામમાં આવેલી હૉસ્ટેલમાં સાંજે ૫.૨૦ વાગ્યે આગ લાગી હતી. ફાયર-બ્રિગેડની મદદથી સાંજે ૬ વાગ્યે રાહત અને બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પણ આગ ભીષણ હોવાથી એના પર કાબૂ મેળવવામાં લાંબો સમય લાગ્યો હતો. હૉસ્ટેલના માળખાને અને ફર્નિચરને નુકસાન થયું છે, પણ સદ્નસીબે જાનહાનિ ટાળી શકાઈ હતી.’

mumbai news mumbai thane crime thane fire incident mumbai fire brigade road accident thane municipal corporation