ન્યુઝ શોર્ટમાં: સિંદૂર-લેપન બાદ સિદ્ધિવિનાયક ગણપતિનાં દર્શન ફરી શરૂ

13 January, 2026 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં સિંદૂર-લેપનની વિધિ પૂરી થયા બાદ ગઈ કાલે બાપ્પાનાં દર્શન ફરી શરૂ થયાં હતાં

સિદ્ધિવિનાયક મંદિર

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં સિંદૂર-લેપનની વિધિ પૂરી થયા બાદ ગઈ કાલે બાપ્પાનાં દર્શન ફરી શરૂ થયાં હતાં. આ વિધિમાં ગર્ભગૃહમાં બિરાજેલા ગણપતિની મૂર્તિ અને બાજુના ગર્ભગૃહમાં બિરાજતા હનુમાનજીની મૂર્તિને તાજા સિંદૂરથી લેપિત કરવામાં આવે છે. ૭ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી સુધી ગર્ભગૃહની બહાર મૂકવામાં આવેલી પ્રતિકૃતિ મૂર્તિઓની પૂજા કરવામાં આવતી હતી. ગઈ કાલે પૂજા, નૈવેદ્ય અને આરતી પૂરી થયા પછી ભક્તો માટે તાજા સિંદૂરના લેપન કરેલી મૂર્તિ દર્શન માટે ખુલ્લી મુકાઈ હતી. બાપ્પાને પણ અરીસામાં તેમના નવા રૂપનાં દર્શન કરાવવામાં આવ્યાં હતાં.

મુંબઈમાં ખોવાયેલા કે ચોરી થયેલા ૧૬૫૦ મોબાઇલ ફોન ઉત્તર પ્રદેશમાંથી રિકવર થયા

મુંબઈ પોલીસે શહેરમાં ખોવાયેલા અથવા ચોરાયેલા ૧૬૫૦ મોબાઇલ ફોન ટ્રેસ કરીને ઉત્તર પ્રદેશની વિવિધ જગ્યાએથી રિકવર કર્યા હતા. આ ફોનની કુલ કિંમત લગભગ બે કરોડ રૂપિયા જેટલી થાય છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ઇન્ટરસ્ટેટ કો-ઑર્ડિનેશનનો ઉપયોગ કરીને આ મોબાઇલ ડિવાઇસિસને ટ્રૅક કરવામાં આવ્યાં હતાં. પોલીસે આપેલી માહિતી પ્રમાણે મોબાઇલ ફોનના આઇડેન્ટિફિકેશન નંબર્સ અને નેટવર્ક ઍક્ટિવિટીના વિશ્લેષણ પછી ઉત્તર પ્રદેશના જુદા-જુદા જિલ્લાઓમાં આ ફોન મળી આવ્યા હતા. હૅન્ડલર્સને શોધીને લોકલ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી અને બધા ફોન રિકવર કરવામાં આવ્યા હતા. યોગ્ય તપાસ પછી મુંબઈમાં અલગ-અલગ પોલીસ-સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવેલી ફરિયાદો સાથે મોબાઇલને સરખાવીને ફોન એમના માલિકોને પાછા આપવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ કાર્યવાહીની પ્રશંસા કરી હતી. તેમણે સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને મુંબઈ પોલીસને ખાસ અભિનંદન આપ્યાં હતાં.

mumbai news mumbai siddhivinayak temple mumbai police election commission of india