✕

News In Shorts: તહેવારોને ધ્યાનમાં રાખી મુંબઈ-અયોધ્યા વચ્ચે દોડાવાશે ૨૪ સ્પેશ્યલ ટ્રેન

19 October, 2026 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અયોધ્યાથી આ ટ્રેનો મંગળવારે બપોરે ૧.૫૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સાંજે ૫.૧૫ વાગ્યે LTT પહોંચશે.

પ્રતીકાત્મક તસવીર

દશેરા, દિવાળી તથા છઠ પૂજા જેવા તહેવારો નિમિત્તે સેન્ટ્રલ રેલવે દ્વારા મુંબઈથી અયોધ્યા દરમ્યાન ૨૪ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે. લોકમાન્ય તિલક ટર્મિનસ 
(LTT)–અયોધ્યા–LTT સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનની સર્વિસ LTTથી અયોધ્યા કૅન્ટ ૧૨ ફેરા અને અયોધ્યા કૅન્ટથી LTT ૧૨ ફેરા આ રીતની રહેશે. સેન્ટ્રલ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ આ ટ્રેનોમાં અમૃત રેક્સનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રેન નંબર 01045ની આ સ્પેશ્યલ ટ્રેન ૧૯ ઑક્ટોબર એટલે કે આજથી ૨૭ નવેમ્બર દરમ્યાન દર સોમવારે અને શુક્રવારે LTTથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે ૧૦.૧૫ વાગ્યે અયોધ્યા કૅન્ટ પહોંચશે, જ્યારે ૨૦ ઑક્ટોબરથી ૨૮ નવેમ્બર દરમ્યાન અયોધ્યા કૅન્ટથી ટ્રેનની વળતી ટ્રિપ દર મંગળવાર અને શનિવારની રહેશે. અયોધ્યાથી આ ટ્રેનો મંગળવારે બપોરે ૧.૫૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સાંજે ૫.૧૫ વાગ્યે LTT પહોંચશે. 

CJPની લહરા દો તિરંગા રૅલીનો મુંબઈમાં ફરી ફ્લૉપ-શો

દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ તથા આંદોલનકારીઓની અટક કરવામાં આવી એના વિરોધમાં રવિવારે બાંદરા-વેસ્ટના કાર્ટર રોડમાં મુંબઈના CJPના સમર્થકો દ્વારા લહરા દો તિરંગા રૅલી કાઢવામાં આવી હતી. જોકે આ રૅલીમાં ગણતરીના લોકો જ દેખાયા હતા. આંદોલનમાં પચાસથી પણ ઓછા માણસો ભેગા થયા હતા. જોકે પોલીસ દ્વારા કોઈ પણ રૅલી કે વિરોધ-પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી ન હોવાથી પોલીસે આ રૅલીમાં ભાગ લેનારા લોકોની અટક કરી હતી. થોડા દિવસ પહેલાં આઝાદ મેદાનમાં પણ CJPની આવી રૅલીમાં કોઈ નહોતું આવ્યું.

બંગલાદેશીઓનો માનખુર્દમાં નવરાત્રિના આયોજકો પર હુમલો, ૪ જણની ધરપકડ

માનખુર્દના ગોપાલનગરમાં પ્રાઇમ મિનિસ્ટર્સ ગ્રાન્ટ પ્રોજેક્ટ (PMGP) કૉલોનીમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરનારાઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના શનિવારે રાતે સાડાબાર વાગ્યે બની હતી. આ મામલે પોલીસે ૪ બંગલાદેશી આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હુમલામાં જખમી થયેલા નવરાત્રિ મંડળના આયોજકોને હૉસ્પિટલમાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી. પોલીસ હુમલામાં સામેલ અન્ય આરોપીઓને પણ શોધી રહી છે. રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તથા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ BJPના મહારાષ્ટ્ર પ્રવક્તા નવનાથ બન સાથે મંડળના અધ્યક્ષ તથા સભ્યોની મુલાકાત લીધી હતી તથા આ મામલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો. કિરીટ સોમૈયાએ આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસરની પણ બદલી કરાવી હોવાનું પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું તેમ જ બાકીના આરોપીઓ બંગલાદેશી જેહાદી હોવાનું કહી તેમના પર પણ કાર્યવાહી થશે એવું જણાવ્યું હતું. 

શિવસેના (UBT)ને શિવાજી પાર્કની દશેરા રૅલીની પરવાનગી મળી

દર વર્ષે દાદરના શિવાજી પાર્કમાં યોજવામાં આવતી દશેરા-રૅલી યોજવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા શિવસેના (UBT)ને પરવાનગી આપવામાં આવી છે. આ વર્ષે અહીં દશેરાની રૅલી માટે ફક્ત શિવસેના (UBT) દ્વારા જ પરવાનગી માગતી અરજી હોવાના કારણે એને પરવાનગી આપવામાં આવી છે. શિવસેનાના સંસદસભ્ય અનિલ દેસાઈ દ્વારા આ અરજી કરવામાં આવી હતી જે મંજૂર થઈ છે. 
ઉલ્લેખનીય છે કે છેલ્લાં અમુક વર્ષોમાં શિવાજી પાર્કમાં દશેરાની રૅલી માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) તથા સંગઠિત શિવસેના વચ્ચે ખેંચતાણ થતી હતી. એમાં પણ શિવસેનાના ભાગલા પડ્યા બાદ અત્યંત મહત્ત્વપૂર્ણ મનાતી શિવાજી પાર્કની દશેરાની રૅલી માટે ૩ દાવેદારો તૈયાર થયા હોવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી. જોકે આ વર્ષે ફક્ત શિવસેના (UBT)એ જ અરજી કરી હતી.

mumbai news mumbai indian railways ayodhya festivals