Mumbai News: ૧૭ માળના બિલ્ડિંગની ટેરેસની પૅરાપેટનું કૉન્ક્રીટ નીચે પડ્યું, રાહદારીનું મોત

20 June, 2026 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Mumbai News: ચોમાસાની લાંબી પ્રતીક્ષા વચ્ચે અચાનક વરસાદી ઝાપટાંથી મુંબઈગરા ખુશ; ગિરગામ અને કુંભારવાડામાંથી ૧૩૨૮ કિલો મીઠાઈ અને માવો જપ્ત અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

ચૂનાભઠ્ઠીમાં શુક્રવારે વહેલી સવારે ૧૭ માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગની ટેરેસની પૅરાપેટના કૉન્ક્રીટનો મોટો હિસ્સો નીચે પડતાં પંચાવન વર્ષના એક પુરુષે જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના કુરેશીનગર વિસ્તારમાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં રાત્રે ૧૨.૩૦ વાગ્યે બની હતી. બિલ્ડિંગની ટેરેસની પૅરાપેટ દીવાલ પરથી પ્લાસ્ટર અને કૉન્ક્રીટનો એક મોટો ટુકડો અચાનક તૂટીને નીચે પડ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા અબ્દુલ વહાબ પર આ કૉન્ક્રીટનો ટુકડો પડતાં તેને ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ તેને પોતાના વ્હીકલમાં સાયન હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. દુર્ઘટના બાદ ફાયર-બ્રિગેડના ઑફિસરોએ દીવાલ પર જોખમી રીતે લટકી રહેલા કૉન્ક્રીટના બાકીના હિસ્સાને હટાવી દીધો હતો અને સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને કૉર્ડન કરી લીધો હતો.

ચોમાસાની લાંબી પ્રતીક્ષા વચ્ચે અચાનક વરસાદી ઝાપટાંથી મુંબઈગરા ખુશ

મુંબઈ શહેરના નરીમાન પૉઇન્ટ વિસ્તારમાં શુક્રવારે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો, જેને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ઘનઘોર વાદળાંની ચાદર છવાયેલી રહી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં નૈૠત્યના ચોમાસાનાં આ પ્રારંભિક ઝાપટાં નરીમાન પૉઇન્ટ વિસ્તારને ભીંજવતાં કેદ થયાં છે.
જોકે સ્થાનિક લોકોનો આ આનંદ લાંબો સમય ટકી શક્યો નહોતો, કારણ કે વરસાદનો આ દૌર માત્ર થોડા સમય માટે જ ચાલ્યો હતો. ટૂંક સમયમાં જ વરસાદી ઝાપટું બંધ પડી ગયું હતું અને આકાશ ફરી ખુલ્લું થતાં સૂર્યપ્રકાશ નીકળ્યો હતો, જેને કારણે સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ છતાં આ વિસ્તારમાં ફરી ઉઘાડ નીકળ્યો હતો.

ગિરગામ અને કુંભારવાડામાંથી ૧૩૨૮ કિલો મીઠાઈ અને માવો જપ્ત

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે જોરદાર કાર્યવાહી શરૂ કરનારા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેએ હવે મુંબઈમાં પણ કડક ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરમાં જ FDAની ટીમે ૧૩૨૮ કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત મીઠાઈઓ અને માવો જપ્ત કર્યાં હતાં. ગિરગામ અને કુંભારવાડા વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાએ અચાનક દરોડો પાડીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા માલની કિંમત ૩,૬૦,૩૮૦ રૂપિયા છે. દરોડાઓ દરમ્યાન બન્ને સ્થળોએ મીઠાઈઓ અને માવો અત્યંત અનહાઇજીનિક સ્થિતિમાં સ્ટોર કરવામાં આવ્યાં હોવાનું જણાયું હતું. આ ઉપરાંત પૅકેજિંગ અને લેબલિંગ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું હતું. બગડી જાય એવી આ વસ્તુઓને સાચવવા માટે જરૂરી ટેમ્પરેચર પણ જળવાયું નહોતું. જપ્ત કરાયેલા માલના પાંચ નમૂના લૅબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી ઍક્ટ અનુસાર કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

mumbai mumbai news chunabhatti monsoon news mumbai monsoon mumbai rains girgaon food and drug administration