ન્યૂઝ શોર્ટમાં: મુંબઈનાં નદી-નાળાંમાંથી ૬ વર્ષમાં ૭૩,૬૯,૦૦૦ મેટ્રિક ટન કચરો નીકળ્યો

20 January, 2026 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન સબર્બ્સમાં ૧૪૦.૭૧ કિલોમીટર લાંબાં નાળાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈમાં મીઠી, દહિસર અને પોઇસર નદીઓ આવેલી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈનાં નદી-નાળાંઓમાંથી છેલ્લાં ૬ વર્ષમાં ૭૩,૬૯,૦૦૦ મેટ્રિક ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે. નાળાંની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ નાળાંઓમાં કચરો ભરાવાને કારણે દર વર્ષે ચોમાસામાં મુંબઈના અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.

૨૦૨૦-’૨૧થી ૨૦૨૫-’૨૬ દરમ્યાન ૬ વર્ષમાં મોટાં નાળાંઓમાંથી ૨૬,૭૪,૫૪૫ મેટ્રિક ટન અને નાનાં નાળાંમાંથી ૨૯,૯૪,૯૪૬ મેટ્રિક ટન તેમ જ મીઠી નદીમાંથી ૧૬,૯૨,૩૫૨ મેટ્રિક ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે. નાળાં-નદીઓમાંથી કાઢવામાં આવેલો કચરો નાખવા માટેની જગ્યા પણ રહી નથી એટલે બીજા શહેર અને ગામોમાં આ કચરો ઠાલવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે આ માટે સંબંધિત જમીનમાલિકો પાસેથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ અનિવાર્ય બનાવ્યું છે.

મુંબઈમાં કુલ ૨૪૭.૮૪૫ કિલોમીટર લાંબાં નાળાં છે. એમાંથી તળ મુંબઈમાં ૧૭.૧૩૫ કિલોમીટર, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૯૦ કિલોમીટર અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૧૪૦.૭૧ કિલોમીટર લાંબાં નાળાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈમાં મીઠી, દહિસર અને પોઇસર નદીઓ આવેલી છે.

રશિયામાં અધધધ બરફવર્ષા, ઊંચાં બિલ્ડિંગો પણ બરફમાં ઢંકાયાં

રશિયાના કામચાટકા પ્રદેશમાં ભારે બરફવર્ષા થઈ છે, જેમાં રેકૉર્ડ હિમવર્ષાથી શહેરો અને રેસિડેન્શિયલ કૉલોનીઓ બરફમાં દબાઈ ગયાં છે. અનેક બિલ્ડિંગોમાં બીજા માળના અપાર્ટમેન્ટ્સ સુધી બરફના ઢગલા થઈ ગયા છે. આના કારણે રોજિંદા જીવનને માઠી અસર પડી છે અને ટ્રાન્સપોર્ટ સર્વિસ ખોરવાઈ ગઈ છે. સફેદ પાઉડર જેવા તાજા પડેલા બરફની નીચે રસ્તાઓ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે. આ કઠોર પ્રદેશમાં રહેતા લોકોને દર વર્ષે આવા ક્રૂર શિયાળાનો સામનો કરવો પડે છે. શિયાળુ વાવાઝોડાના લીધે રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં ભારે બરફ સાથે ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે જનજીવન લગભગ બંધ થઈ ગયું હતું. ૨૪ કલાકથી ઓછા સમયમાં ૩૯ મિ.મી. બરફવર્ષાના કારણે બીજા માળ સુધી બરફ જામી ગયો હતો.

કાબુલની ચાઇનીઝ રેસ્ટોરાંમાં બ્લાસ્ટ, ૭ જણનાં મોત

અફઘાનિસ્તાનના કાબુલમાં ગઈ કાલે એક ચાઇનીઝ રેસ્ટોરાંમાં થયેલા બ્લાસ્ટમાં કમસે કમ ૭ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનારા લોકોમાં એક ચાઇનીઝ મુસ્લિમ અને ૬ અફઘાન લોકો હતા. બ્લાસ્ટ રેસ્ટોરાંના કિચન પાસે થયો હતો.

પ્રયાગરાજમાં ધુમ્મસનું સામ્રાજ્ય

પ્રયાગરાજમાં અત્યારે માઘમેળો ચાલી રહ્યો છે ત્યારે આ પવિત્ર સ્થળ ધુમ્મસમય થઈ ગયું છે. હવાઈ તસવીરો આદિ શંકર વિમાન મંડપમ, ગંગા બ્રિજ અને સંગમતટનો અદ‍્ભુત નજારો પેશ કરે છે.

નીતિન નબીન BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, આજે થશે તાજપોશી

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવા પ્રેસિડન્ટ તરીકે નીતિન નબીન આજે કાર્યભાર સંભાળશે. તેઓ જે. પી. નડ્ડાના અનુગામી બનશે. આજે સવારે ૧૧.૩૦ વાગ્યે યોજાનારા સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે. દિલ્હીમાં આવેલા પાર્ટીના હેડક્વૉર્ટરમાં દિવસભર ચાલેલી નૉમિનેશનની પ્રોસેસ પછી ૪૫ વર્ષના નીતિન નબીનને પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. બિહારમાં પાંચ વખત વિધાનસભ્ય બનેલા ૪૫ વર્ષના નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટેની ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર હતા.

તાજમહલ પર ચડાવવામાં આવી ૧૭૨૦ મીટરની સપ્તરંગી ચાદર 

શાહજહાંના ૩૭૧મા ઉર્સ દરમ્યાન શનિવારે ખુદામ-એ-રોઝા સમિતિએ તાજમહલમાં ધાર્મિક સંવાદિતાના પ્રતીક સમી મેઘધનુષ્ય રંગની સપ્તરંગી ચાદર ચડાવી હતી. ૧૭૨૦ મીટર લાંબી ચાદરને દક્ષિણ દરવાજા પરના હનુમાન મંદિરથી તાજમહલ સુધી લઈ જવામાં આવી હતી જે મુખ્ય મકબરાના ભોંયરામાંની શાહજહાં અને મુમતાઝ મહલની કબરો પર ચડાવવામાં આવી હતી. આનો એક વિડિયો હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ગયા વર્ષે ઉર્સમાં ૧૬૪૦ મીટર લાંબી ચાદર ચડાવવામાં આવી હતી. ત્રણ દિવસના ઉર્સ પ્રસંગે લોકો ખૂબ ઉત્સાહી હતા અને હજારોની સંખ્યામાં સામેલ થયા હતા. શાહજહાંની કબર પર ચડાવવામાં આવતી ચાદરને હિન્દુસ્તાની સપ્તરંગી ચાદર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દરેક ધર્મના કાપડનો સમાવેશ હોય છે.

સવારે ૮.૪૪ વાગ્યે દિલ્હીમાં અને ૧૧.૫૧ વાગ્યે લેહ અને લદ્દાખમાં ધરતીકંપના આંચકા

ભારતમાં ગઈ કાલે સવારે બે પ્રદેશોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા, પણ રાહતની વાત એ હતી કે આ ધરતીકંપની તીવ્રતા સામાન્ય હતી જેથી જાનહાનિ કે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ગઈ કાલે સવારે ૮.૪૪ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સદનસીબે ભૂકંપની તીવ્રતા માત્ર  માત્ર  ૨.૮ હતી, જ્યારે સવારે ૧૧.૫૧ વાગ્યે નૉર્થવેસ્ટ કાશ્મીર ક્ષેત્રમાં ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નૅશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (NCS)એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર લેહ-લદ્દાખ ક્ષેત્રમાં હતું, જેની ઊંડાઈ ૧૭૧ કિલોમીટર હતી. ભૂકંપની રીતે સક્રિય હિમાલય પટ્ટાના ભાગ લેહ-લદ્દાખ ક્ષેત્રમાં આ ભૂકંપના આંચકા નોંધાયા હતા. 

કાશીના મણિકર્ણિકા ઘાટ પર કૉરિડોરનું કામ સ્થગિત

વારાણસીના ​મણિકર્ણિકા તીર્થ કૉરિડોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે વિવાદ થયો છે એટલે ગઈ કાલે ત્યાં કામ સ્થગિત જોવા મળ્યું હતું. આ સ્થળે બુલડોઝરની મદદથી કેટલુંક ડિમોલિશન થઈ રહ્યું છે એવો વિડિયો વાઇરલ થતાં ઊહાપોહ મચી ગયો હતો. આ કૉરિડોરનું કામ ચાર તબક્કામાં થવાનું છે અને પૂરું થશે એ પછી એકસાથે ૧૯ ચિતાઓ પર અગ્નિદાહ આપી શકાશે.

પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટનો ફટકો - તાર્કિક વિસંગતિઓ જણાતાં તમામ ૧.૨૫ કરોડ નામ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન તાર્કિક વિસંગતતાઓ હેઠળ વર્ગીકૃત કરાયેલા તમામ ૧.૨૫ કરોડ મતદારોનાં નામ પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની અપેક્ષા છે. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે SIR કવાયતમાં પ્રક્રિયાગત ગેરરીતિઓનો આરોપ લગાવતી અરજીઓની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. આ આદેશનું તૃણમૂલ કૉન્ગ્રેસે સ્વાગત કર્યું છે. આ મુદ્દે બેન્ચે કહ્યું હતું કે તાર્કિક વિસંગતતાઓની શ્રેણીમાં આવતી કેટલીક વ્યક્તિઓને ચૂંટણી પંચે નોટિસ બજાવી છે, આ વ્યક્તિઓને અન્યાય થાય નહીં એ માટે અમે નિર્દેશ આપીએ છીએ કે તેમનાં નામ ગ્રામપંચાયત ભવન, બ્લૉક ઑફિસો અને વૉર્ડ-ઑફિસોમાં પ્રદર્શિત કરવામાં આવે.

mumbai news mumbai brihanmumbai municipal corporation western suburbs eastern freeway mumbai monsoon prayagraj leh ladakh