ન્યૂઝ શોર્ટમાં: શિવસેના : 52, BJP : 51 - KDMCમાં સાથીપક્ષો વચ્ચે એક જ બેઠકનો ફરક

18 January, 2026 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાયુતિના બન્ને પક્ષ વચ્ચે હવે પદ માટે ખેંચતાણ વધી જશે એવો રાજકીય નિષ્ણાતોનો મત છે.

ઉમેદવારો

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની ચૂંટણીમાં શિવસેના અને BJP સાથે લડ્યાં હતાં, પણ રિઝલ્ટમાં બન્ને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ફાઇનલ રિઝલ્ટ મુજબ શિવસેનાએ એની સાથીદાર ભારતીય જનતા પાર્ટી (BJP)ને એક બેઠકથી પાછળ છોડી દીધી હતી. KDMCની ૧૨૨ બેઠકોમાંથી બાવન બેઠક શિવસેનાએ જીતી હતી, જ્યારે BJPએ ૫૧ બેઠક જીતી હતી. શિવસેના (UBT) ૧૧ બેઠક સાથે ત્રીજા ક્રમે રહી હતી, જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ પાંચ, કૉન્ગ્રેસે બે બેઠક અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)એ એક બેઠક જીતી હતી. મહાયુતિના બન્ને પક્ષ વચ્ચે હવે પદ માટે ખેંચતાણ વધી જશે એવો રાજકીય નિષ્ણાતોનો મત છે.

જળગાવનો વિજયી કોલ્હે પરિવાર : પિતા જેલમાંથી લડીને ​જીત્યા, દીકરો અને મા પણ જીત્યાં

આ રીતે અન્ય એક પરિવારે પણ જળગાવ મ્યુનિસિપલ કૉર્પોરેશન (JMC)ની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. જોકે આ કોલ્હે પરિવારના ૩ સભ્યો શિવસેનાની ટિકિટ પર જ ચૂંટણી લડ્યાં હતાં. લલિત કોલ્હે, તેમનાં મમ્મી સિંધુતાઈ કોલ્હે અને દીકરો પીયૂષ કોલ્હે જળગાવમાં જીત્યાં છે. એમાંથી લલિત કોલ્હે જેલમાંથી ચૂંટણી લડીને જીત્યા છે. રસપ્રદ વાત એ છે કે આખા પરિવારે લલિત કોલ્હે જેલમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી ચંપલ નહીં પહેરવાની બાધા રાખી હતી.

AIMIMમાંથી ઊભેલા હિન્દુ ઉમેદવાર વિજય ઉબાળે જીત્યા

ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના હિન્દુ ઉમેદવાર વિજય ઉબાળેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં ગોવંડીના વૉર્ડ-નંબર ૧૪૦માંથી નિર્ણાયક વિજય મેળવ્યો છે. વિજય ઉબાળેએ ૧૨૩૭ મતની લીડ સાથે બેઠક જીતી હતી. AIMIMએ ગોવંડીની બધી જ ૬ સીટ પર વિજય મેળવ્યો છે.

ઓશિવરાના ફ્લૅટમાં લાગેલી આગમાં ૭૩ વર્ષનાં મહિલાએ જીવ ગુમાવ્યો

મુંબઈના ઓશિવરા વિસ્તારમાં આવેલા એક ફ્લૅટમાં શનિવારે સવારે આગ લાગી હતી. એમાં ૭૩ વર્ષનાં મહિલાએ દાઝી જવાને લીધે જીવ ગુમાવ્યો હતો. લોખંડવાલામાં હાઈ પૉઇન્ટ હોટેલ નજીક બ્રિજ બિલ્ડિંગમાં સવારે ૧૧.૧૫ વાગ્યે લાગેલી આગ બપોરે ૧૨.૦૯ વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી. એમાં હિરુ ચેતલાની દાઝી ગયાં હતાં. તેમને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. આગ લગવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આવી રહ્યા છે બાપ્પા

ગણપતિબાપ્પાનો બર્થ-ડે આવી રહ્યો છે ત્યારે માઘી ગણેશોત્સવ માટે મુંબઈકરો સજ્જ થઈ રહ્યા છે. ગઈ કાલે એક પંડાલમાંથી બાપ્પાની મૂર્તિ લઈ જવાતી જોવા મળી હતી.

આજે સવારે સાતથી બપોરે એક વાગ્યા સુધી ઘોડબંદર રોડ પર ટ્રાફિક-રિસ્ટ્રિક્શન

થાણેની ટ્રાફિક-પોલીસે આજે કાસારવડવલી નજીક ફુટ ઓવર બ્રિજ (FOB)ના બાંધકામને ધ્યાનમાં રાખીને ઘોડબંદર રોડ પર ડાઇવર્ઝનની જાહેરાત કરી છે. આજે સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી તમામ ભારે વાહનો માટે ટ્રાફિક-પ્રતિબંધો લાગુ રહેશે. ઘોડબંદર રોડ પર ફુટપાથની બન્ને બાજુ ૪૮ મીટર લાંબો, ૩.૮૦ મીટર પહોળો અને ૪ મીટર ઊંચો ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. તેથી મુંબઈ અને થાણેથી ઘોડબંદર રોડ તરફ જતાં તમામ ભારે વાહનો Y જંક્શન અને કપૂરબાવડી જંક્શન પર પ્રવેશી શકશે નહીં. વાહનો Y જંક્શનથી સીધા નાશિક રોડ પર ખારેગાંવ ટોલપ્લાઝા, માનકોલી, અંજુરફાટા થઈને આગળ જઈ શકશે. મુંબ્રા અને કલવાથી ઘોડબંદર રોડ તરફ જતાં બધાં ભારે વાહનો ખારેગાંવ ટોલપ્લાઝાથી જવાને બદલે ખારેગાંવ ખાડી પુલ થઈને આગળ જઈ શકશે.

દિલ્હીમાં મોરારીબાપુની રામકથામાં વાઇસ-પ્રેસિડન્ટ

ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં શરૂ થયેલી મોરારીબાપુની રામકથાના પ્રથમ દિવસે દેશના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાક્રિષ્નને તેમના આશીર્વાદ લીધા હતા.

નરેન્દ્ર મોદીએ પહેલવહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી દેખાડી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પ​શ્ચિમ બંગાળના માલદા ટાઉન સ્ટેશનથી દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન હાવડા-ગુવાહાટી રૂટ પર ચાલશે. આ ટ્રેન હાવડા અને ગુવાહાટી વચ્ચેનું ૧૪ કલાકનું અંતર અઢી કલાક ઓછા સમયમાં કાપશે. ગઈ કાલે વડા પ્રધાને આ ટ્રેનના પ્રવાસીઓ સાથે હાઈ-ફાઇવ કર્યું હતું અને ટ્રેનમાં બાળકોને ઑટોગ્રાફ આપ્યા હતા.

વિશ્વના સૌથી મોટા શિવલિંગની બિહારના વિરાટ રામાયણ મંદિરમાં સ્થાપના

તામિલનાડુથી લાંબી રોડયાત્રા બાદ બિહારના પૂર્વ ચંપારણ (મોતિહારી)ના કૈથવાલિયા પહોંચી ગયેલા ૩૩ ફુટ ઊંચા અને ૨૧૦ ટન વજન ધરાવતા વિશ્વના સૌથી મોટા શિવલિંગને નિર્માણાધીન વિરાટ રામાયણ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. સ્થાપના વખતે પવિત્ર વિધિઓ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી હાજર રહ્યા હતા. દેશ-વિદેશથી આવેલા વૈદિક પંડિતો અને વિદ્વાનોના મંત્રોચ્ચાર વચ્ચે સ્વ. આચાર્ય કિશોર કુણાલના પુત્ર સયન કુણાલ અને તેમનાં સંસદસભ્ય પત્ની શાંભવી ચૌધરી યજમાનની ભૂમિકામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ છે ઉતરાણની સાઇડ-ઇફેક્ટ‍્સ

ગઈ કાલે અમદાવાદમાં એક રેસિડેન્શિયલ વિસ્તારમાં હાઈ-ટેન્શન પાવર લાઇનમાં ફસાયેલાં પતંગ અને માંજો કાઢતા કર્મચારીઓ.

૧૦,૦૦૦થી વધુ કલાકારોએ બોડો સંસ્કૃતિનો બગુરુમ્બા ડાન્સ કરીને રચ્યો રેકૉર્ડ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેરજા વાદ્ય વગાડ્યું

વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપ્યા પછી નરેન્દ્ર મોદી આસામના ગુવાહાટી ગયા હતા. અહીં તેમણે સરુસજાગઈ સ્ટેડિયમમાં યોજાયેલા બગુરુમ્બા દોહોઉ નામના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ બોડો સમુદાયનો પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં લગભગ ૧૦,૦૦૦થી વધુ કલાકારોએ એકસાથે બગુરુમ્બા ડાન્સ કરીને રેકૉર્ડ બનાવ્યો હતો. કાર્યક્રમમાં વડા પ્રધાને બોડો કલ્ચરના સેરજા નામના તંતુ વાદ્ય પર હાથ અજમાવ્યો હતો.

બંગલાદેશમાં વધુ બે હિન્દુની હત્યા 

બંગલાદેશના રાજબરી જિલ્લામાં પેટ્રોલ-સ્ટેશન પર કામ કરતા ૩૦ વર્ષના હિન્દુ યુવાન રિપોન સહાને પેટ્રોલની રકમની ચુકવણીના વિવાદના મુદ્દે એક ગ્રાહકે ઇરાદાપૂર્વક કચડી નાખ્યો હતો, જેમાં રિપોનનું મૃત્યુ થયું હતું. પોલીસે બાદમાં આ ઘટનામાં સામેલ વાહનને જપ્ત કર્યું હતું અને બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના સ્થાનિક નેતા અબુલ હાશેમની ધરપકડ કરી હતી. આ વાહનના ડ્રાઇવરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રિપોન શહા પેટ્રોલ-સ્ટેશનનો કર્મચારી હતો. આ આઘાતજનક ઘટના ત્યારે બની જ્યારે રિપોને કારમાં ભરેલા પેટ્રોલના પૈસાની માગણી કરી હતી. હજારો ટાકાનું પેટ્રોલ પૂરવામાં આવ્યું હતું, પણ નાણાં ચૂકવવાનો ઇનકાર કરીને કાર દોડાવી દેવામાં આવી હતી. રિપોન એ કારની પાછળ ભાગ્યો ત્યારે તેને કચડી નાખવામાં આવ્યો હતો, જેના કારણે તેણે ઘટનાસ્થળે જ છેલ્લા શ્વાસ લીધા હતા. બીજી એક ઘટનામાં ગાઝીપુર જિલ્લાના કાલિગંજમાં ૬૦ વર્ષના હોટેલિયર લિટન ચંદ્ર ઘોષને એક મામૂલી આર્ગ્યુમેન્ટને પગલે ટોળા દ્વારા મારી-મારીને પતાવી દેવામાં આવ્યા હતા.

mumbai news mumbai kalyan dombivali municipal corporation municipal elections political news shiv sena bharatiya janata party maha yuti