ન્યૂઝ શોર્ટમાં: થાણેમાં તળાવમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ

04 August, 2026 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે સાંજ સુધી પોલીસ મહિલાની ઓળખ કરી શકી નહોતી.

થાણેના આંબે-ઘોસાળે તળાવમાંથી મળેલો મહિલાનો મૃતદેહ.

થાણે-વેસ્ટમાં કૅસલ મિલ સર્કલ નજીક આવેલા આંબે-ઘોસાળે તળાવમાંથી ગઈ કાલે સવારે આશરે પંચાવનથી ૬૦ વર્ષની વયનાં એક અજ્ઞાત મહિલાનો મૃતદેહ મળી આવતાં આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમ, ફાયરબ્રિગેડ અને રાબોડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ અને ફાયરબ્રિગેડના જવાનોએ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢીને રાબોડી પોલીસને સોંપ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને આગળની કાર્યવાહી માટે થાણેની જિલ્લા સરકારી હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ મહિલા કોણ છે અને મૃત્યુનું સાચું કારણ શું છે એ વિશે રાબોડી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. ગઈ કાલે સાંજ સુધી પોલીસ મહિલાની ઓળખ કરી શકી નહોતી.

કામવારી નદીમાં પૂર, ભિવંડી જળબંબાકારઃ મિનીબસ તણાઈ ગઈ

ભિવંડી શહેર અને ગ્રામીણ વિભાગમાં રવિવાર રાતે મુશળધાર વરસાદ પડતાં ભિવંડી તાલુકાનાં અનેક ગામમાંથી પસાર થઈને ભિવંડીમાંથી પણ પસાર થતી કામવારી નદીમાં પૂર આવ્યું હતું. ભિવંડીમાં નદીના કિનારે ઘણાં નાનાં ગૅરેજ આવેલાં છે, જેમાં વાહનો પાર્ક કરવામાં આવતાં હોય છે. પાણી ભરાતાં એ વાહનોને પણ નુકસાન થયું હતું. પાણીનો ફોર્સ એટલો બધો હતો કે પાર્ક કરેલી એક મિનીબસ એમાં તણાઈ ગઈ હતી. કામવારી નદીનાં પાણી જૂના બ્રિજને લાગીને વહી રહ્યાં હતાં. ભિવંડી નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશને નદીકાંઠે રહેતા લોકોને આગોતરી ચેતવણી આપી હતી અને સુરક્ષિત સ્થળે ચાલ્યા જવા જણાવ્યું હતું. ભિવંડીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તાઓ અને શાકમાર્કેટમાં પણ પાણી ભરાતાં લોકોને ભારે હાડમારી ભોગવવી પડી હતી.     

mumbai news mumbai thane crime thane mumbai police bhiwandi