27 February, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતગ્રસ્ત કાર અને ટૂ-વ્હીલર.
કલ્યાણમાં સ્પીડમાં કાર ચલાવતા એક ડૉક્ટરે પાર્ક કરેલાં વાહનોને અડફેટે લીધાં હતાં. આ ટક્કર એટલી જોરદાર હતી કે ૬ લોકોને ઈજા થઈ હતી, જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ડ્રાઇવરને ખડકપાડા પોલીસે અટકાયતમાં લીધો છે. અકસ્માતમાં પાર્ક કરેલાં ટૂ-વ્હીલર્સને પણ ભારે નુકસાન થયું હતું. સ્થાનિક રહેવાસીઓએ ઘાયલ થયેલા લોકોને બચાવીને હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ડૉક્ટર સામે ગુનો નોંધીને અકસ્માત ટેક્નિકલ ખામીને કારણે થયો છે કે માનવીય ભૂલને કારણે થયો એ જાણવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. પ્રફુલ પટેલ દ્વારા પક્ષની નૅશનલ વર્કિંગ કમિટીમાં આ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. પાર્થ પવારને પણ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે. પ્રફુલ પટેલે કહ્યું હતું કે ‘અજિતદાદા ૨૮ જાન્યુઆરીના દિવસે આપણામાંથી નીકળી ગયા. આપણા બધા માટે એ ઝટકો હતો. બધાને સવાલ હતો કે આવતી કાલનું શું થશે? કેવી રીતે થશે? પરંતુ સુનેત્રાતાઈના નેતૃત્વમાં આપણો પક્ષ કામ કરશે.’
પાર્ટીની આ બેઠકમાં સુનેત્રા પવાર, સુનીલ તટકરે, પ્રફુલ પટેલ, પાર્થ પવાર, રૂપાલી ચાકણકર, છગન ભુજબળ સહિત અનેક નેતાઓ અને પક્ષના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
બુધવારે મરીન લાઇન્સ પોલીસ-સ્ટેશનમાં ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની મનાઈ કરવામાં આવતાં રોહિત પવાર ગુરુવારે સવારે બારામતી તાલુકા પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના રોહિત પવાર અને અન્ય કાર્યકર્તાઓએ પ્લેન-ક્રૅશ કેસમાં ન્યાયની માગણી કરતાં પોસ્ટરો પકડીને પ્રદર્શન કર્યું હતું. બારામતીમાં પણ ભારે ધમાચકડી બાદ રોહિત પવારે લેખિત ફરિયાદ દાખલ કરી હતી. જોકે તેમની માગણી મુજબ DGCA અને ‘એરો’ નામની કંપનીના કેટલાક અજાણ્યા અધિકારીઓ સામે FIR નોંધાવવા માટે પોલીસે પરવાનગી આપી નહોતી.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની પાર્ટી શિવસેનાએ મુસાફરી માટે VSR વેન્ચર્સ વિમાનનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. VSR વેન્ચર્સનું પ્લેન ગયા મહિને બારામતી નજીક ક્રૅશ થયું હતું. એના અનુસંધાનમાં શિંદેસેનાએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે અને VSR સંચાલિત પ્લેનમાં મુસાફરી ટાળવાનો નિર્ણય આંતરિક રીતે જાહેર કર્યો છે.
‘થ્રી ઇડિયટ્સ’ અને ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી ફિલ્મોનાં શૂટિંગ જ્યાં થયાં છે એ પનવેલના આયુષ રિસૉર્ટ પર કસ્ટમ્સ અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા. કાર્યવાહીમાં દુર્લભ પ્રજાતિનાં વિદેશી પ્રાણીઓ મળી આવતાં રિસૉર્ટ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે. આયુષ રિસૉર્ટમાંથી ૪ માર્મોસેટ પ્રજાતિના વાંદરા, ૬ મકાઉ પોપટ અને બે કાકાકૌઆ મળી આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પ્રાણીઓ કેરલાના ઈવાન સિરિલ તરીકે ઓળખાતી વ્યક્તિ તરફથી ભેટ મળ્યાં હતાં. જોકે એ વ્યક્તિ પ્રાણીઓની દાણચોરીમાં સામેલ હોવાની શંકા છે એમ કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું હતું.માન્ય કસ્ટમ્સ દસ્તાવેજો વિના અને વન-વિભાગ પાસેથી ફરજિયાત નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા વિના પ્રાણીઓ દેશમાં લાવવામાં આવ્યાં હોવાનું જણાતાં કસ્ટમ્સ વિભાગે ગેરકાયદે આયાતના રૅકેટ માટે તપાસ હાથ ધરી છે.
બ્રિટને બુધવારે ઇમિગ્રેશન સિસ્ટમને પૂરી રીતે ડિજિટલ કરી નાખી છે. એને કારણે હવે ભારતીય યાત્રીઓએ બ્રિટન જવું હોય તો ઈ-વીઝા જ લેવા પડશે. સરકારનો દાવો છે કે એનાથી પ્રોસેસિંગ ઝડપી, સુરક્ષિત અને પારદર્શક બનશે. આ નવી પ્રક્રિયા છેલ્લાં કેટલાંક વર્ષોમાં તબક્કાવાર લાગુ કરવામાં આવી હતી. હવે કાગળ પરના વીઝા-સ્ટિકરને બદલે ઈ-વીઝા જરૂરી બની ગયા છે. નવી સિસ્ટમ મુજબ બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન માટે વીઝા આવેદન કેન્દ્ર પર જવું અનિવાર્ય છે. જોકે એનાથી પાસપોર્ટ અને ડૉક્યુમેન્ટ્સ ઑફિસમાં છોડી જવાની જરૂરિયાત નહીં રહે.
રાજસ્થાનમાં ભજનલાલ સરકારે રાજ્યની રાજનીતિમાં એક મોટો બદલાવ કર્યો છે અને સ્થાનિક ચૂંટણીઓ અને પંચાયતી રાજની ચૂંટણીઓમાં લડવા માટે દાયકાઓ જૂનો ‘બે બાળકો જ હોવાં જોઈએ’નો નિયમ સમાપ્ત કરવાની મંજૂરી આપી દીધી છે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ત્રણથી વધુ બાળકો ધરાવતા લોકો પણ સ્થાનિક અને પંચાયતની ચૂંટણીઓમાં ભાગ લઈ શકે છે. શેખાવત સરકારે બેથી વધુ સંતાનો ધરાવતાં માતા-પિતાના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. બે બાળકોની બાધ્યતા સમાપ્ત કરવાના પ્રધાનમંડળના નિર્ણય પછી હવે વિધાનસભાના સત્રમાં આ સંશોધક ખરડાને રજૂ કરવામાં આવશે.
વિપુલ અમૃતલાલ શાહની બહુચર્ચિત ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’ આજે રિલીઝ થવાની હતી, પણ રિલીઝના એક દિવસ પહેલાં જ કેરલા હાઈ કોર્ટે આ ફિલ્મ પર ૧૫ દિવસ માટે વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં મગજ નથી વાપર્યું એવું પ્રથમદર્શી રીતે જણાય છે એવું નિરીક્ષણ કોર્ટે આ સ્ટે આપતી વખતે કર્યું હતું.
આ ફિલ્મ કેરલાની બદનામી કરે છે અને એમાં જે દેખાડવામાં આવ્યું છે એવું આખા કેરલામાં ચાલે છે એવી છાપ ઊભી થાય છે એવી દલીલો સાથે આ ફિલ્મ પર સ્ટે મૂકવાની માગણી કરવામાં આવી હતી.
સેશન્સ કોર્ટે ગુરુવારે શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતની રિવિઝન અરજી મંજૂર કરી હતી અને તેમને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાનાં પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. મેધા સોમૈયાએ સંજય રાઉત સામે દાવો કર્યો હતો કે તેમણે તેમના અને તેમના પતિ વિરુદ્ધ મીડિયામાં પાયાવિહોણા અને સંપૂર્ણપણે માનહાનિભર્યા આરોપો લગાવ્યા હતા. એમાં મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં જાહેર શૌચાલયના બાંધકામ સંબંધિત ૧૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ગયા વર્ષે મૅજિસ્ટ્રેટ કોર્ટે સંજય રાઉતને દોષી ઠેરવ્યા હતા અને તેમને આ કેસમાં ૧૫ દિવસની જેલની સજા ફટકારી હતી. શિવસેના (UBT)ના નેતાએ બાદમાં મૅજિસ્ટ્રેટના ચુકાદાને પડકારતી સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે ગુરુવારે તેમની અરજી મંજૂર કરી હતી. માનહાનિના કેસમાં કોર્ટે સંજય રાઉતને નિર્દોષ જાહેર કર્યા હતા.
કુર્લા-વેસ્ટમાં હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કોથમીરના ભાવ અંગેનો એક નાનો વિવાદ ચાકુના હુમલામાં ફેરવાઈ ગયો. આ ઝઘડો ગ્રાહક અને શાકભાજી વેચનાર ફેરિયા વચ્ચે માત્ર ૧૦ રૂપિયાના તફાવતને કારણે શરૂ થયો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ મંગળવારે આ ઘટના બની હતી. ત્યારે કોથમીર ખરીદવા માટે કુર્લામાં એક ગ્રાહક શાકભાજીના સ્ટૉલ પર ગયો હતો. શ્રીનિવાસ કાંબળે તરીકે ઓળખાતા શાકવાળાએ તેની પાસે કોથમીરની એક જૂડી માટે ૨૦ રૂપિયાની માગણી કરી હતી. ગ્રાહકે વાંધો ઉઠાવતાં કહ્યું કે તે ફક્ત ૧૦ રૂપિયા આપશે અને દાવો કર્યો કે તે સ્થાનિક ભાવોથી વાકેફ છે કારણ કે તે એ જ વિસ્તારમાં રહે છે અને કામ કરે છે. આ મતભેદ ઝડપથી ઉગ્ર દલીલમાં ફેરવાઈ ગયો હતો. ગુસ્સો ભડકતાં પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી. શાકવાળા શ્રીનિવાસ કાંબળેએ ઉશ્કેરાઈ જઈને શાક કાપવા માટે વપરાતા ચાકુથી ગ્રાહક પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગ્રાહકને માથામાં ઈજા થઈ હતી. ઘાયલ ગ્રાહકને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે. તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં કુદરતના ભયાનક કહેરને કારણે દક્ષિણ-પૂર્વ બ્રાઝિલમાં છેલ્લા ત્રણ દિવસથી પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. પૂરને કારણે સતત જાનહાનિનો આંકડો વધી રહ્યો છે. હજારો લોકો પોતાનાં ઘર છોડવા મજબૂર બન્યા છે. બ્રાઝિલના મિનાસ ગેરેસ રાજ્યમાં પૂરની સ્થિતિ એટલી વિચલિત કરી નાખે એવી છે કે અત્યાર સુધીમાં મરનારાઓની સંખ્યા ૪૬ની થઈ ગઈ છે. ૩૬૦૦થી વધુ લોકો બેઘર થઈ ગયા છે. સેંકડો લોકો હજી પણ લાપતા છે.