News In Shorts: કલ્યાણમાં વૉટર-ટૅન્કરના ડ્રાઇવરે દારૂ પીને ટૂ-વ્હીલરો અને રિક્ષાઓને અડફેટે લીધાં

30 August, 2026 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નાની-મોટી ઈજા થઈ છે. ટૅન્કર-ડ્રાઇવર સોની ગુલ્લુએ દારૂ પીને આ અકસ્માત કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણના રામબાગ સ્ટેશન રોડ વિસ્તારમાં એક વૉટર-ટૅન્કરના ડ્રાઇવરે દારૂના નશામાં તેનું વૉટર-ટૅન્કર ચલાવીને બે રિક્ષા અને સાતથી ૮ ટૂ-વ્હીલરને અડફેટે લેતાં પાંચ જણ ઘાયલ થયા છે. આ આખી ઘટના CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. લોકોએ ડ્રાઇવરને પકડીને કલ્યાણના મહાત્મા ફુલે ચોક પોલીસને સોંપ્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નાની-મોટી ઈજા થઈ છે. 
ટૅન્કર-ડ્રાઇવર સોની ગુલ્લુએ દારૂ પીને આ અકસ્માત કર્યો હતો. ટૅન્કર સાંઈબાબા વૉટર સપ્લાયરનું છે. સોનીએ રામબાગ રોડ-નંબર 3, આંબેડકર રોડ, તાલ હોટેલથી પુષ્પરાજ હોટેલ વિસ્તારમાં બેફામ ડ્રાઇવિંગ કરીને બે રિક્ષા અને સાતથી ૮ ટૂ-વ્હીલરને અડફેટે લીધાં હતાં. લોકોએ અને અન્ય મોટરિસ્ટોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોકો પાછળ પડેલા જોઈને તેણે ટૅન્કર વધુ ઝડપે ચલાવ્યું હતું. આખરે ટૅન્કર ડિવાઇડર સાથે અથડાઈને ઊભું રહી ગયું ત્યારે લોકોએ તેને ટૅન્કરમાંથી નીચે ઉતાર્યો હતો અને મેથીપાક આપીને મહાત્મા ફુલે ચોક પોલીસને સોંપ્યો હતો. જે લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા તેમને નાની-મોટી ઈજા થઈ હતી. સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.

મુલુંડમાં સબ-ઇન્સ્પેક્ટરની બે લાખ રૂપિયાની બુલેટ ચોરાઈ ગઈ

મુલુંડ-વેસ્ટના વીણાનગરમાં ક્રિષ્ના સદન સોસાયટીની બહારથી શુક્રવારે પોતાની આશરે બે લાખ રૂપિયાની બુલેટ બાઇક ચોરી થવાની ફરિયાદ ઘાટકોપરના અસલ્ફા પોલીસ-સ્ટેશનના ૪૩ વર્ષના સબ-ઇન્સ્પેક્ટર વિશાલ મહાજને ગઈ કાલે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરના અસલ્ફા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વિશાલ મહાજન શુક્રવારે સવારે ડ્યુટી પર ગયા એ સમયે પોતાની બાઇક પોલીસ ક્વૉર્ટર્સના ગેટ નજીક પાર્ક કરીને ગયા હતા. ત્યાર બાદ શુક્રવારે ૮ વાગ્યે તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમની બાઇક દેખાઈ નહોતી એટલે તેમણે આસપાસના વિસ્તારમાં તેમ જ ટ્રાફિક વિભાગમાં બાઇક વિશે પૂછપરછ કરી હતી. જોકે કોઈ જગ્યાએ બાઇકની ભાળ ન લાગતાં ચોરી થઈ હોવાની ખાતરી થવાથી આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. આ કેસમાં અમે ઘટનાસ્થળ નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કરીને આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’

મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલાઓની સોનાની ચેઇન ખેંચતા બે જણની ધરપકડ: ૨.૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલા મુસાફરોને લક્ષ્ય બનાવીને હાથચલાકીથી સોનાની ચેઇન ચોરતી રીઢા ચોરોની ટોળકી પર કલ્યાણ રેલવે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૨૪ કલાકના ટૂંક સમયમાં દરોડો પાડીને સની દેવલ ઉર્ફે ભોલા ચૌહાણ અને તેના સાથીદાર દીપક ચૌહાણની ધરપકડ કરી છે. ટ્રેનોમાં ભીડનો ગેરલાભ ઉઠાવીને અથવા મહિલા મુસાફરોનું ધ્યાન ભટકાવીને તેમના ગળામાંથી ચેઇન સેરવી લેવાની તેમની ખાસ પદ્ધતિ હોવાનું પોલીસતપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના વિશે શુક્રવારે સવારે ફરિયાદ નોંધાયા બાદ કલ્યાણ રેલવે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં અને ટેક્નિકલ તપાસ તથા ગુપ્ત બાતમીદારોના આધારે બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી ચોરી કરેલી ૧૭ ગ્રામ વજનની ૨.૫ લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઇન જપ્ત કરી છે. વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ બન્ને આરોપીઓ સામે અગાઉ પણ ચોરીના બે ગુના નોંધાયેલા છે. હાલ કલ્યાણ રેલવે પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

mumbai news mumbai kalyan Crime News mumbai crime news